Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં લીઝમાં ખનીજ ખતમ થઈ ગઈ હોય તેના ઓઠા હેઠળ સરકારી જમીનો પર ધાડ !

30 July

ખનીજ માફિયાઓની નવી મોડસ ઓપરેન્ડી






લીઝ સાઈટ પર ખનીજ ખૂટ્યું છતાં રોયલ્ટી પાસ ચાલુ : જિલ્લા કલેક્ટરશ્રી તટસ્થ તપાસ કરે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી સંભાવના : કથિત લાપરવાહી અથવા તંત્ર વાહકોની મૌન સંમતિ વચ્ચે ચાલી રહેલો આ ખેલ કચ્છની ધરતીને અંદરથી કરી રહ્યો છે ખોખલી



લીઝ આસપાસની સરકારી જમીનો ખોદી લીઝ સાઇટ પર ડમ્પિંગ : ખાણ-ખનીજ વિભાગ અને જવાબદાર તંત્રવાહકોની શંકાસ્પદ નીરવતા વચ્ચે ભૂમાફિયાઓ બેફામ ; સ્થળ પર તપાસ કરી પંચનામું કરવાની જાગૃત નાગરિકો કરી રહ્યા છે માંગ


તંત્ર પોતાની આંખો નહીં ઉગાડે, તો કચ્છની આ ધરતી સરકારી કાગળો પર જ સમૃદ્ધ રહેશે અને વાસ્તવિકતામાં માફિયાઓ દ્વારા સંપૂર્ણપણે લૂંટાઈ ચૂકી હશે : કચ્છના જાગૃત પર્યાવરણપ્રેમીઓએ વ્યક્ત કરી વેદના 



ભુજ - કચ્છઉદય : ભૌગોલિક દ્રષ્ટિએ દેશના સૌથી મોટા અને કુદરતી ખનીજ સંપત્તિથી સમૃદ્ધ એવા સરહદી કચ્છ જિલ્લામાં હાલના દિવસોમાં ખનીજ ચોરીનું દૂષણ ચિંતાજનક હદે વકરી ગયું છે. ખનીજ માફિયાઓ એટલા બેફામ અને શક્તિશાળી બન્યા છે કે તેઓ કાયદાની આંખમાં ધૂળ નાખીને કરોડો રૂપિયાની સરકારી સંપત્તિ લૂંટી રહ્યા છે. કચ્છ જિલ્લાના ખાણ-ખનીજ વિભાગ દ્વારા ભૂતકાળમાં ફાળવવામાં આવેલી વર્ષો જૂની અનેક લીઝ સાઇટ્‌સ અત્યારે ગેરકાયદે પ્રવૃત્તિઓનું મુખ્ય એપીસેન્ટર બની ગઈ છે. આ ચોંકાવનારી વિગતો એવી છે કે જે તે માન્ય લીઝ સાઇટ પરથી મૂળ ખનીજનો જથ્થો સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો હોવા છતાં, હજુ સુધી તે સાઇટ્‌સના નામે રોયલ્ટી પાસ ધડાધડ ઇસ્યુ થઈ રહ્યા છે. તંત્રની કથિત લાપરવાહી અથવા તો મૌન સંમતિ વચ્ચે ચાલી રહેલો આ ખેલ કચ્છની ધરતીને અંદરથી ખોખલી કરી રહ્યો છે.
પરંપરાગત રીતે થતી ખનીજ ચોરી પર વહીવટી તંત્રની સામાન્ય નજર રહેતી હોય છે, પરંતુ કચ્છમાં સક્રિય બનેલા સંગઠિત ખનીજ માફિયાઓએ હવે કાયદાકીય છટકબારીઓનો ઉપયોગ કરીને એક તદ્દન નવી જ મોડસ ઓપરેન્ડી અપનાવી લીધી છે. આ નવી પદ્ધતિ અત્યંત વ્યવસ્થિત અને વહીવટી તંત્રને પણ થાપ આપી દે તેવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક લીઝ ધારકો પાસે કાયદેસરની મંજૂરી છે પરંતુ તેમની સાઇટ પર હવે કોઈ માલ બચ્યો નથી, તેઓ પોતાની માન્ય લીઝ સાઇટની આસપાસ આવેલી સરકારી પડતર અને ગૌચરની જમીનોને નિશાન બનાવી રહ્યા છે. રાતોરાત જે તે કિંમતી ખનીજનું ગેરકાયદેસર રીતે વ્યાપક ખનન આસપાસની સરકારી જમીનમાંથી કરવામાં આવે છે. ત્યારબાદ, આ ચોરીના માલને પોતાની કાયદેસરની લીઝ સાઇટ પર લાવીને મોટા પાયે ડમ્પ એટલે કે એકત્રિત કરવામાં આવે છે. એકવાર ખનીજ કાયદેસરની લીઝની સરહદમાં આવી જાય, એટલે ત્યાંથી સત્તાવાર રોયલ્ટી પાસ મેળવીને તેનું કાયદેસરના માલ તરીકે પરિવહન કરી દેવામાં આવે છે. આ રીતે ગેરકાયદેસર ખનીજને લીઝ સાઇટના ઓઠા હેઠળ કાયદેસરનું રૂપ આપીને બજારમાં વેચી મારવાનું બહુ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે.
સ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કચ્છની અનેક જૂની ખાણોમાં હવે સહેજ પણ ખનીજ બાકી રહ્યું ન હોવાથી, કેટલાક નૈતિકતા ધરાવતા લીઝ ધારકોએ સામેથી જ તંત્રને પોતાની લીઝ બંધ કરવા માટે સત્તાવાર અરજીઓ પણ સબમિટ કરી દીધી છે. આ બાબત સાબિત કરે છે કે તે વિસ્તારોમાં ખનીજનો જથ્થો વાસ્તવિક રીતે ખૂટી ગયો છે. તેમ છતાં, તેની જ આજુબાજુમાં આવેલી અન્ય એવી અસંખ્ય સાઇટ્‌સ છે જ્યાં ખનીજનો જથ્થો શૂન્ય થઈ ગયો હોવા છતાં હજુ સુધી કાગળ પર ખાણો ધમધમી રહી છે. ત્યાં આસપાસની જમીનમાંથી બેરોકટોક ખનન ચાલુ રાખી, લીઝ સાઇટ પર માલ લાવીને રોયલ્ટી સીલ કરવાની રમત અવિરતપણે રમાઈ રહી છે. કાગળ પર બધું જ નિયમાનુસાર દેખાય છે, પરંતુ ધરાતલ પરની વાસ્તવિકતા તદ્દન જુદી અને ભયાનક છે.
માન્ય લીઝ પર ખનીજ ન હોવા છતાં સતત ફાટી રહેલા રોયલ્ટી પાસનો આ મુદ્દો હાલમાં સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે ચર્ચા અને આક્રોશનો વિષય બન્યો છે. જાગૃત નાગરિકો અને પર્યાવરણપ્રેમીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે ખાણ ખાલી થઈ ચૂકી છે, ત્યારે ખાણ-ખનીજ વિભાગ કયા આધારે અને કોની મિલિભગતથી આટલા મોટા પ્રમાણમાં રોયલ્ટી પાસ ઇસ્યુ કરી રહ્યું છે? શું જવાબદાર અધિકારીઓ ક્યારેય કચેરીના એસી રૂમમાંથી બહાર નીકળીને સ્થળ તપાસ કરવાની તસ્દી લે છે ખરા? આ એક એવો સળગતો પ્રશ્ન છે જે સીધો સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યો છે અને કુદરતી સંસાધનોનો વિનાશ નોતરી રહ્યો છે. કચ્છની કુદરતી સંપત્તિને બચાવવા માટે હવે પાણી વહી જાય તે પહેલાં પાળ બાંધવી અત્યંત અનિવાર્ય બની ગઈ છે. જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ જવાબદાર તંત્રવાહકોએ આ બાબતને ગંભીરતાથી લઈ 
તાત્કાલિક એક્શન મોડમાં આવવું પડશે. વહીવટી તંત્ર દ્વારા માત્ર કાગળ પરની વિગતો ચકાસવાને બદલે, ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવીને સીધા સ્થળ પર જવું જોઈએ. આ શંકાસ્પદ અને વર્ષો જૂની લીઝ સાઇટ્‌સ પર જઈ આધુનિક ટેકનોલોજી અને ડ્રોનની મદદથી સઘન માપણી કરવી જોઈએ. વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ કરી ખરેખર લીઝ એરિયામાં ખનીજ બચ્યું છે કે આજુબાજુની સરકારી જમીનો ખોદી નાખવામાં આવી છે તેનું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જરૂરી છે. આવી તમામ સાઇટ્‌સ પર પંચનામું કરી કાયદાકીય સકંજો કસવામાં આવે તો જ આ ખનીજ ચોરીની 
શૃંખલાને તોડી શકાય તેમ છે.
જિલ્લાના જાગૃત નાગરિકો અને સ્થાનીય અગ્રણીઓ મક્કમતાપૂર્વક જણાવી રહ્યા છે કે જો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના રાજકીય કે આર્થિક દબાણ વગર, તટસ્થ અને પારદર્શક ધોરણે આખા કૌભાંડની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તો ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ખનીજ કૌભાંડ સામે આવી શકે તેમ છે. સરકારી જમીનોના ચીરેચીરા કરી નાખતા આ ભૂમાફિયાઓ સામે હવે કલેક્ટરશ્રી કડક હાથે કામ લે અને ખાણ-ખનીજ વિભાગના શંકાસ્પદ કર્મચારીઓની ભૂમિકાની પણ તપાસ થાય તે સમયની માંગ છે. 
જો હવે તંત્ર પોતાની આંખો નહીં ઉગાડે, તો કચ્છની આ ધરતી સરકારી કાગળો પર જ સમૃદ્ધ રહેશે અને વાસ્તવિકતામાં માફિયાઓ દ્વારા સંપૂર્ણપણે લૂંટાઈ ચૂકી હશે.

.....

Comments

COMMENT / REPLY FROM