પૂર્વ કચ્છના જીએસટી ચોર અને રેઝિન પ્લાન્ટ માલિક પર પાસા ની લટકતી તલવાર : શાબાશા છે ખેતીવાડી તંત્રને.!
સબસીડીવાળા યુરિયા ખાતરના ગેરવપરાશમાં પાસા નો સંભવત બનશે પ્રથમ કેસ
કેટલાક ‘તીર્થ’ પર શીશ નમાવી ‘ભાવ’ દેખાડી આવ્યો, છતાં પણ સાણસામાં તો આવશે જ! : જાણકારોનો સુચક ઈશારો
ગાંધીધામ : સરકારી સબસીડીવાળા યુરિયા ખાતરનો મોટા પાયે ગેરકાયદેસર ઉપયોગ કરનાર પૂર્વ કચ્છના એક રેજિન પ્લાન્ટવાળા ઔદ્યોગિક યુનિટ માલિક સામે હવે કાયદાનો કડક સિકંજો કસાવા જઈ રહ્યો હોવાના ભણકારા ગાજી રહ્ય છે. થોડા સમય પહેલાં જ દિલ્હીથી આવેલી ખેતીવાડી વિભાગની વિશેષ ટીમ દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન આ શખ્સના યુનિટમાંથી મોટા પ્રમાણમાં સબસીડીવાળું યુરિયા ખાતર પકડાયું હતું. આ કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ પોતાની ચામડી બચાવવા માટે તેણે રાજકોટ જીએસટી એકમો સહિતના વિવિધ સ્થળે ભારે દોડાદોડી કરી હતી અને બચવાના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. પરંતુ પૂર્વ કચ્છમાં પાછલા લાંબા સમયથી અમુક બની બેઠેલા પ્લાયવુડવાળા તત્વો ખાસ કરીને રેઝિન પ્લાન્ટમાં સરકારી સબસીડીવાળુ સસ્તું ખાતર ઉપયોગમાં લઈ રહ્યા હોવાની સ્થિતીની ફરીયાદો સતત ઉઠતી રહી છે. કચ્છમાં પણ તેની સામે કાર્યવાહી થવા પામતી રહી છે પરંતુ આ ફરીયાદો વધતા દિલ્હીથી એગ્રીકલ્પર વિભાગની અલગ અલગ ટુકડીઓ ઠેર ઠેર દરોડા પાડયા હતા અને તે વખતે જ આ શખ્સના પૂર્વ્ કચ્છના યુનિટમાથી પણ સબસીડીવાળુ ખાતર મોટા પ્રમાણમા બરામદ થતા કેસ દાખલ થયો હતો. જીએસટી ચોરી પણ આ શખ્સ દ્વારા કરાઈ હોવાનુ સામે આવતા રાજકેાટ સુધી કઈક જગ્યાએ આ શખ્સે વિવિધ તીર્થના નામે પોતાના ભાવ પ્રગટ કરેલા હતા પરંતુ તે કયાંય પણ ફાવ્યો ન હોય તેમ હવે તેની સામે કડક રાહે કાર્યવાહી થવાના ભણકારા આંતરીક રીતે ગાજી રહ્યા છે. જાણકારો કહી રહ્યા છે કે, ખેડૂતોના હકનું સબસીડીવાળું યુરિયા ખાતર બારોબાર સગેવગે કરી, આયોજનબદ્ધ કાવતરાના ભાગરૂપે પોતાના રેઝિન પ્લાન્ટમાં ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવામાં આવતું હતું. ખેતીવાડી વિભાગની સ્થાનિક ટીમે સરકારના હિતમાં અને ખેડૂતોના અધિકારોના રક્ષણ માટે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરીને સરાહનીય કામગીરી બજાવી છે. ઉપરાંત સૂત્રો પાસેથી મળતી આંતરિક માહિતી મુજબ, પૂર્વ આયોજિત કાવતરા સાથે સરકારી ખાતરની ચોરી કરી તેનો ઔદ્યોગિક ઉપયોગ કરવા બદલ આ શખ્સને પાસા હેઠળ જેલભેગો કરવા માટેના જરૂરી આધાર-પુરાવા સાથેની મજબૂત દરખાસ્ત તૈયાર થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.પોતાના પાપ ધોવા અને કાનૂની કાર્યવાહીથી બચવા માટે આ કૌભાંડીએ કેટલાક તીર્થધામોના શરણે જઈ નમન કર્યા હોવાની પણ ચર્ચાઓ છે, છતાં કાયદાના લાંબા હાથથી તે બચી શકે તેમ નથી. ગમે તે ક્ષણે આ શખ્સ વિરુદ્ધ પાસા હેઠળ સત્તાવાર કાર્યવાહી કરી તેની અટકાયત કરવામાં આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જો આ કાર્યવાહી થશે, તો સબસીડીવાળા યુરિયાના ગેરવપરાશ કેસમાં પાસા હેઠળ થનારી આ શક્યતઃ પ્રથમ અને ઐતિહાસિક કાર્યવાહી બનશે.
.........

Comments