Trending News
સ્થાનિક સમાચાર

ડજિટલ કરન્સી અને ક્રિપ્ટોના નામે ધોળા દિવસે લૂંટ ચલાવતી આંતરરાજ્ય સાયબર ઠગ ટોળકીઓ સક્રિય 

30 July

જો... જો... કયાંક કચ્છમાં ન થાય વડોદરાવાળી.....



વડોદરાના કન્સલટન્ટ બાદ હવે કચ્છના પ્રજાજનો પણ આવી લોભામણી સ્કીમોથી સાવધ રહે તે જરૂરી : ટેલિગ્રામ અને વોટ્‌સએપ ગ્રુપના માધ્યમથી શરૂઆતમાં નાનો પ્રોફિટ બતાવી વિશ્વાસ જીત્યા બાદ મોટો આંકડો ટ્રાન્સફર થતાં જ ઠગ ટોળકી અંડરગ્રાઉન્ડ થઈ જતી હોવાની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી આવી સામે



ભુજ - કચ્છઉદય : વર્તમાન સમયમાં જ્યારે ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે તેની સાથે સાથે સાયબર ગુનેગારો પણ નિર્દોષ લોકોને છેતરવા માટે અવનવા કીમિયા અપનાવી રહ્યા છે. હાલમાં જ વડોદરા શહેરમાં વ્હાઇટ કોલર પ્રોફેશનલ્સ અને કન્સલટન્ટ્‌સને ટાર્ગેટ કરતી એક આંતરરાજ્ય સાયબર ઠગ ટોળકી સક્રિય થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં બીટકોઈન અને ક્રિપ્ટો માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના નામે એક પ્રતિષ્ઠિત કન્સલટન્ટ સાથે રૂપિયા ૧૦.૫૫ લાખની ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી છે. આ ઘટનાને પગલે હવે કચ્છના સરહદી જિલ્લાના વેપારીઓ, નોકરિયાતો અને સામાન્ય નાગરિકોએ પણ અત્યંત સાવધ રહેવાની જરૂરિયાત ઊભી થઈ છે. કચ્છમાં પણ ડિજિટલ સાક્ષરતા વધી રહી છે ત્યારે આવી લોભામણી જાહેરાતો અને સ્કીમોના નામે સ્થાનિક લોકો ભોગ ન બને તે માટે સાયબર પોલીસ દ્વારા પણ સતત જાગૃતિ રાખવા અપીલ કરવામાં આવી રહી છે.
સાયબર ગુનેગારોની મોડસ ઓપરેન્ડી એટલી શાતિર હોય છે કે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ટેલિગ્રામ અને વોટ્‌સએપ પર લોભામણા ગ્રુપ બનાવીને લોકોનો સંપર્ક કરે છે. શરૂઆતમાં બીટકોઈન ટ્રેડિંગમાં જંગી નફો અપાવવાની લાલચ આપીને નાની રકમનું રોકાણ કરાવવામાં આવે છે અને સામે ડિજિટલ સ્ક્રીન પર નફો થતો હોવાનો આભાસી દેખાડો કરીને ભોગ બનનારનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લેવામાં આવે છે. વડોદરાના કિસ્સામાં પણ ઠગોએ બીટકોઈન અને ક્રિપ્ટો માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો જંગી નફો અપાવીશ તેવી આકર્ષક સ્કીમ રજૂ કરી હતી. જ્યારે રોકાણકાર મોટી રકમ ટ્રાન્સફર કરી દે છે, ત્યારે અચાનક જ ઠગ ટોળકી પોતાનો ફોન સ્વિચ ઓફ કરીને અંડરગ્રાઉન્ડ થઈ જાય છે.
 અને એકાઉન્ટ સંપૂર્ણપણે ખાલી થઈ જાય છે. વડોદરાના સમા-સાવલી રોડ પર ઓફિસ ધરાવતા કન્સલટન્ટ સાથે બનેલી આ ઘટનામાં બીટકોઈન લીગલ ન હોવાથી સાયબર ઠગોએ એગ્રીકલ્ચર પ્રોડક્ટ્‌સના નામે ખોટા એગ્રીમેન્ટ કરીને વિશ્વાસ કેળવ્યો હતો. ભવિષ્યમાં બીટકોઈનનો ભાવ આસમાને પહોંચી જશે તેવા ખોટા વાયદાઓ કરીને કન્સલટન્ટ પાસેથી ઇન્વેસ્ટમેન્ટ તેમજ અન્ય ચાર્જના નામે કુલ રૂપિયા ૧૦.૫૫ લાખ પડાવી લેવામાં આવ્યા હતા. આખરે મૂડી કે નફો પરત ન મળતાં અને સાયબર ઠગ દ્વારા વધુ રકમની માંગણી ચાલુ રખાતા ભોગ બનનારે સાયબર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
આ સમગ્ર ઘટના પરથી કચ્છવાસીઓએ મોટો પાઠ લેવાની જરૂર છે. સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ દ્વારા અપાતી રોકાણની સલાહ, ક્રિપ્ટોકરન્સી, બીટકોઈન કે રાતોરાત પૈસા ડબલ કરવાની લોભામણી સ્કીમોથી છેટા રહેવું જ હિતાવહ છે. કોઈપણ અધિકૃત સંસ્થા કે બેંક ક્યારેય આ પ્રકારે સોશિયલ મીડિયાના માધ્યમથી ગેરંટીડ નફાની લાલચ આપતી નથી. 
જો કોઈ વ્યક્તિ આવી છેતરપિંડીનો ભોગ બને, તો તુરંત જ સમય ગુમાવ્યા વગર સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરી પોતાની ફરિયાદ નોંધાવવી જોઈએ જેથી કરીને નાણાં બ્લોક કરાવી શકાય. જાગૃતતા એ જ સાયબર ગુનાઓ સામેનું સૌથી મોટું હથિયાર છે, માટે કચ્છની જનતા ડિજિટલ વ્યવહારો કરતી વખતે પૂરેપૂરી સાવચેતી રાખે તે 
સમયની માંગ છે. 


.....


 

Comments

COMMENT / REPLY FROM