ડીપીએ કંડલા પોર્ટ ના ૨૦ કરોડ ના CSR ફંડમાંથી ચાલતા કામમાં જ કરોડોની રેતી ચોરી!
ભૂખી નદી નવસર્જન પ્રોજેક્ટમાં ગંભીર વળાંક
ડીપીએ-કંડલાના ચેતનભાઈ જેણીયા તથા પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ ફોન ઉપાડવાની તસ્દી ન દર્શાવતા પોર્ટ પ્રશાસનનું સ્ટેન્ડ જાણવાનો પ્રયાસ રહ્યો વિફળ
ચાર દિવસમાં બે વાર દરોડા છતાં કંડલા પોર્ટ પ્રશાસન મૌનઃ જનતાના ટેક્સના નાણાં વેડફાતા હોવાના આક્ષેપ સાથે CSR ના હપ્તા સ્થગિત કરવા માગ
મુંદરા : દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA - કંડલા) દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (ફંડ અંતર્ગત મુન્દ્રાની ભૂખી નદીના પુનર્જીવન અને વોટર રિચાર્જિંગ માટે રૂપિયા ૨૦ કરોડ જેવા માતબર ફંડની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ, આ ભગીરથ પ્રોજેક્ટ શરૂ થયાના માંડ બે-ત્રણ મહિનામાં જ અહીં ખુલ્લેઆમ ચાલી રહેલી કરોડોની રેતી ચોરીએ ભારે ચકચાર જગાડી છે. કેન્દ્ર સરકારની તિજોરી અને આમ પ્રજાજનોના ટેક્સના પૈસાથી ચાલી રહેલા કામમાં લાખો-કરોડોના કૌભાંડો માત્ર ચર્ચામાં જ નથી આવ્યા, પરંતુ પોલીસ અને ખાણ-ખનીજ વિભાગના સત્તાવાર સફળ દરોડામાં પકડાઈ પણ ગયા છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે.ડીપીએ કંડલાના સીએસઆર ફંડના ચેતનભાઈ જેનીઆથી આ બાબતે હકીકતો જાણવા ફોન કર્યાનો પ્રયાસ તેમના ફોનની ઘંટડીઓ સતત રણકતી રહી હોવાથી વિફળ રહ્યો હતો તો વળી ડીપીએ -કંડલા પોર્ટના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ પણ ફોન ઉઠાવવાની તસ્દી ન લેતા ડીપીએ કંડલા પ્રશાસનનો સ્ટેન્ડ આ બાબતે જાણી શકાયુ ન હતુ. જો કે, સરકારની તિજોરીમાથી અને પ્રજાના ટેક્ષના કરોડોના પૈસા ગાંધીધામ-કંડલા સંકુલમા ઉપયોગમાં લેવાના બદલે મુંદરા સુધી ડીપીએ દ્વારા અપાયા છે ત્યારે આ પ્રકારની રેતીચોરીની પ્રવૃતીને ડીપીએ-કંડલા પોર્ટ છાવરવાનું ત્યજશે, જવાબદારોના આબાબતે કડક પુછાણા લેશે કે પછી રાત ગઈ વાત ગઈના તાલે કરોડોની રકમોની થઈ ગયેલી લ્હાણી આ પ્રકારના રેતીચોરીના કૃત્યો માટે છુટ્ટા હાથે અપાતી જ રહેશે? તેવા સવાલો પણ જાણકારો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
.........
૪ દિવસમાં ૨ દરોડાઃ છતાં DPA પ્રશાસન આંખ આડા કાન કેમ કરે છે?
મુંદરા :છેલ્લા ચાર દિવસમાં જ પ્રાગપર પોલીસ અને પૂર્વ કચ્છ ખાણ-ખનીજ વિભાગે ભૂખી નદીપટ્ટમાંથી રેતી ચોરી કરતા વાહનો અને ૪૦ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. હકીકત એ છે કે, જે સંસ્થા કરોડોનું દાન આપીને બેઠી છે, તે ડીપીએ કંડલા પોર્ટ પ્રશાસન હજી સુધી આ મામલે કેમ કોઇ આકરા પગલાં લેતું દેખાતું નથી? આટલી ગંભીર ઘટનાઓ બાદ પણ કંડલા પોર્ટ પ્રશાસન તરફથી કોઈ તપાસ કે અટકાયતી કાર્યવાહી હાથ ધરાઈ ન હોવાથી તંત્રની ભૂમિકા સામે પણ શંકાની સોય સિંધાઈ રહી છે.
........

Comments