Trending News
સ્થાનિક સમાચાર

કોઠારા તીર્થે ભવ્ય ચાતુર્માસ પ્રવેશ : ગુરુભક્તોથી ઉમટી પડ્યું આસ્થાનું સાગર

29 July


મુનિરાજ હિતવર્ધનસાગરજી મહારાજ સાહેબનું ભવ્ય સામૈયું; ૩૨૫ શ્રાવક-શ્રાવિકાઓની ઉપસ્થિતિમાં ધર્મમય વાતાવરણ સર્જાયું

કોઠારા - કચ્છઉદય : અબડાસા મોટી પંચતીર્થીના ઐતિહાસિક કોઠારા તીર્થે પરમ પૂજ્ય મુનિરાજ હિતવર્ધનસાગરજી મહારાજ સાહેબના ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે ગુરુભક્તો અને શ્રદ્ધાળુઓની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે ભવ્ય સામૈયું યોજાયું હતું. કોઠારા જૈન મહાજનશ્રીના આયોજન હેઠળ સમગ્ર ગામ ધર્મમય રંગે રંગાઈ ગયું હતું. પાળેશ્વર મહાદેવ મંદિર પ્રાંગણેથી ભવ્ય સ્વાગત યાત્રાનો પ્રારંભ થયો હતો. સાફા અને દુપટાથી સજ્જ શ્રાવકો, બાંધણીની વેશભૂષામાં સજ્જ શ્રાવિકાઓ, બેડા, ધ્વજા-પતાકાઓ અને ગહુંલીઓએ યાત્રાને અલૌકિક ભવ્યતા બક્ષી હતી. સમગ્ર માર્ગ પર જયઘોષ અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
સ્વાગત યાત્રામાં કોઠારા જૈન સમાજની ત્રણે સંસ્થાઓનાં ટ્રસ્ટી મધુકાન્તભાઇ શાહ, મિતેશભાઇ ધરમશી, પ્રવિણભાઇ ટી. લોડાયા, અબડાસા તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિનોદભાઇ દરજી, સિંધોડી ગામનાં સરપંચ ગોપાલભાઇ ગઢવી, કાનજીભાઇ ગઢવી, ગોવિંદજી પટેલ, પદમશીંભાઇ નાગડા, દીપકભાઇ ડાઘા, કાંતિલાલ લાલકા, પદમભાઇ લોડાયા, ચેતન ખોના, કીર્તી ધરમશી, જવેરચંદ કે. ખોના, રમેશ સોની, પ્રબોધ મુનવર, મહેન્દ્ર લોડાયા, ધનપતિ લોડાયા, પ્રવિણ મોતા, ગુલાબ ધરમશી, પ્રદિપ મુનવર, દીનેશ મોતા, દામજી ચૌહાણ, વીરચંદ લોડાયા, હીરાચંદ મૈશેરી, રઘુભા જાડેજા તથા અબડાસાના જૈન વસ્તીવાળા ગામોનાં શ્રાવક-શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા. પ્રેમચંદભાઈ મોમાયાએ ધાર્મિક નારાઓ સાથે રાસની રમઝટ જમાવી હતી, જ્યારે રમીલાબેન લોડાયા અને વિમલાબેન લોડાયાએ સ્વાગત ગીત રજૂ કરી સૌને ભાવવિભોર કર્યા હતા.
આ પ્રસંગે પૂજ્ય મુનિરાજ હિતવર્ધનસાગરજી મહારાજ સાહેબે માંગલિક સંભળાવી ચાતુર્માસના તપ, આરાધના અને આત્મકલ્યાણના મહિમાનું વિસ્તૃત વર્ણન કર્યું હતું. તેમણે કોઠારાની પવિત્ર ભૂમિ, શાંતિનાથ દાદાની છત્રછાયા, જિનાલય નિર્માણ કરનાર શ્રેષ્ઠીજનો તથા મુંબઈ, દેશાવર અને કચ્છમાં વસતા સમાજજનોની પોતાના વતન અને સમાજ પ્રત્યેની ભાવનાની પ્રશંસા કરી હતી સાથે જ ચાતુર્માસ દરમિયાન યોજાનારી વિવિધ ધાર્મિક આરાધનાઓમાં સૌને સક્રિય રીતે જોડાવા અનુરોધ કર્યો હતો.
કાનજીભાઇ ગઢવી, દીપકભાઈ ડાઘા, પ્રવિણ મોતા, ચેતન ખોના અને કિરણભાઈ કારાણીએ પ્રસંગોચિત વક્તવ્યોમાં જણાવ્યું હતું કે, ચાતુર્માસના ચાર મહિના તપ, જપ, સ્વાધ્યાય અને આરાધના દ્વારા જીવનને પવિત્ર અને અર્થપૂર્ણ બનાવવાની ઉત્તમ તક છે. આ અવસરે સૂત્ર વહોરાવવાનો લાભ માતુશ્રી બચુબેન જયંતિલાલ ડાયાલાલ ગાલા (દેવપુર પરિવાર) તથા ચરિત્ર વહોરાવવાનો લાભ મિતેશભાઈ મધુકાન્ત ધરમશી (ગાંધીધામ પરિવાર)એ લીધો હતો. કોઠારા જૈન મહાજને અબડાસા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિનોદભાઈ દરજી અને સિંધોડી ગામના સરપંચ ગોપાલભાઈ ગઢવીનું બહુમાન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમની વિશેષ આકર્ષણરૂપે સિંધોડી પ્રાથમિક શાળાના ૪૦ જેટલા બાળકોએ નવકાર મંત્ર, ચૈત્યવંદન અને જૈન સ્તવનોની સુંદર રજૂઆત કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ચારણ ગઢવી સમાજના બાળકોના શિસ્તબદ્ધ સંસ્કારોની સૌએ પ્રશંસા કરી હતી. પૂજ્ય મુનિરાજે અગાઉ સિંધોડીમાં કરેલા ચાતુર્માસ દરમિયાન આ બાળકોને ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું હતું, જેના સુંદર પરિણામો આ પ્રસંગે જોવા મળ્યા હતા. સવારની નવકારશીનો લાભ માતુશ્રી કસ્તુરબાઈ હીરાચંદ મુનવર પરિવારે તથા બપોરની સાધર્મિક ભક્તિનો લાભ માતુશ્રી કાન્તાબેન ગોવિંદજી અજાણી પરિવારે લીધો હતો. કાર્યક્રમનું અસરકારક સંચાલન પ્રવિણ ટી. લોડાયાએ કર્યું હતું, જ્યારે સમગ્ર આયોજન અને વ્યવસ્થા પનુભા ધલ તથા ગિરીશ મોમાયાએ સફળતાપૂર્વક સંભાળી હતી. કોઠારા ક.દ.ઓ. જૈન જ્ઞાતિ મહાજન પ્રમુખ નલીનભાઇ અજાણી તથા ટ્રસ્ટી ગણે કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી હતી. 
----------

Comments

COMMENT / REPLY FROM