Trending News
સ્થાનિક સમાચાર

ઓમનગર અને ચમનપુરા વચ્ચે નિર્માણાધીન લિમિટેડ હાઇટ સબવેનું ડીઆરએમ વેદ પ્રકાશ અને ધારાસભ્ય કંચનબેન રાદડિયાએ નિરીક્ષણ કર્યું

29 July



અમદાવાદ - કચ્છઉદય : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ તથા ઠક્કરબાપા નગર વિધાનસભા ક્ષેત્રની માનનીયા ધારાસભ્ય કંચનબેન વિનુભાઈ રાદડિયાએ અસારવા - હિંમતનગર રેલખંડ પર આવેલા ઓમનગર અને ચમનપુરા વચ્ચેના લેવલ ક્રોસિંગ નં. ૩ પર નિર્માણાધીન લિમિટેડ હાઇટ સબવેનું સંયુક્ત નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન તેમણે ચાલી રહેલા બાંધકામની પ્રગતિની સમીક્ષા કરી તથા સંબંધિત અધિકારીઓને નિર્ધારિત સમયમર્યાદામાં ઉચ્ચ ગુણવત્તા સાથે કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી. 
તાજેતરમાં અમદાવાદની મુલાકાત દરમિયાન કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંડરબ્રિજનું નિર્માણ કાર્ય આગામી નવરાત્રી મહોત્સવ પહેલાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. તે અનુસંધાને પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા માટે આ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું. આશરે રૂા. ૧૯ કરોડના ખર્ચે નિર્માણાધીન આ લિમિટેડ હાઇટ સબવેની લંબાઈ ૨૬૫ મીટર અને પહોળાઈ ૮.૫ મીટર હશે. આ પ્રોજેક્ટનું નિર્માણ બોક્સ પુશિંગ પદ્ધતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે. રેલવે ટ્રેકની નીચે બોક્સ પુશિંગનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે હાલમાં એપ્રોચ રોડનું કામ ચાલુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગટર લાઇનનું કાર્ય તથા ટોરેન્ટ પાવર દ્વારા વીજ કેબલના સ્થાનાંતરણની કામગીરી પ્રગતિમાં છે. કામગીરી પૂર્ણ થયા બાદ બાકીના નિર્માણ કાર્ય ને વધુ ઝડપથી આગળ વધારવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રોજેક્ટને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. હાલમાં આસપાસની રહેણાંક સોસાયટીઓના રહેવાસીઓને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મંડળ રેલ પ્રબંધકે સંબંધિત અધિકારીઓને ડ્રેનેજ તથા સાઇડ રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી, જેથી સ્થાનિક નાગરિકોની અવરજવર સરળ બની શકે. સાથે જ તેમણે એ પણ સુનિશ્ચિત કરવા જણાવ્યું કે આ કામગીરી દરમિયાન લિમિટેડ હાઇટ સબવેનું નિર્માણ કાર્ય કોઈપણ વિક્ષેપ વિના સતત ચાલુ રહે. લિમિટેડ હાઇટ સબવેના નિર્માણથી લેવલ ક્રોસિંગ પર વાહનવ્યવહાર વધુ સુરક્ષિત, સરળ અને અવરોધરહિત બનશે. સાથે જ માર્ગ વપરાશકર્તાઓને સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત થશે અને વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. નિરીક્ષણ દરમિયાન રેલવે તેમજ સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 
------

 

Comments

COMMENT / REPLY FROM