Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ રેલવેના ગાંધીધામ રેલવે હોસ્પિટલમાં મોટી તબીબી સિદ્ધિ

29 July


૬૬ વર્ષીય મહિલાના આશરે ૩ કિલોગ્રામ વજનની વિશાળ ઓવેરિયન ગાંઠનું સફળ ઓપરેશન
 

ગાંધીધામ - કચ્છઉદય : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળની ઉપ-મંડળ રેલવે હોસ્પિટલ, ગાંધીધામમાં અદ્યતન તબીબી સુવિધાઓ અને નિષ્ણાત ડૉક્ટરોની ટીમ દ્વારા ૨૮ જુલાઈના રોજ એક જટિલ અને ઉચ્ચ જોખમવાળી સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. ડૉક્ટરોની ટીમે ૬૬ વર્ષીય મહિલાના પેટમાંથી આશરે ૩ કિલોગ્રામ વજન અને અંદાજે ૨૦ : ૧૮ સેમી કદની દુર્લભ અને વિશાળ ઓવેરિયન ગાંઠ સફળતાપૂર્વક દૂર કરી હતી. આ સર્જરીના કારણે દર્દીને વધુ ઉચ્ચ કક્ષાની હોસ્પિટલમાં રિફર કરવાની જરૂર પડી નહોતી અને સ્થાનિક સ્તરે જ સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ બની હતી.
૬૬ વર્ષીય મહિલા દર્દી પેટમાં ભારે દુખાવો અને સોજાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેમના પેટમાં ખૂબ મોટી ગાંઠ હોવાની પુષ્ટિ થઇ. દર્દીની ઉંમર અને ગાંઠના મોટા કદને ધ્યાનમાં લેતા આ સર્જરી અત્યંત જોખમી હતી, જેમાં વધુ રક્તસ્રાવ અને અન્ય જટિલતાઓની સંભાવના હતી. ગાંધીધામ રેલવે હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં ડૉ. જિગ્નેશ મહેતાના નેતૃત્વ હેઠળ આ જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. એક્સપ્લોરેટરી લેપરોટોમી પ્રક્રિયા સ્પાઇનલ એનેસ્થેશિયા હેઠળ કોઈપણ પ્રકારની જટિલતા વિના સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. વિશાળ ગાંઠને કોઈપણ પ્રકારની જટિલતા કે નુકસાન વિના સંપૂર્ણપણે શરીરમાંથી દૂર કરવામાં આવી હતી. સર્જરી બાદ દર્દીની તબિયતમાં સંતોષજનક સુધારો નોંધાયો છે અને હાલ તેમની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર છે. તેઓ ડૉક્ટરોની દેખરેખ હેઠળ સ્વસ્થ થઈ રહ્યા છે. ગાંઠના નમૂનાને હિસ્ટોપેથોલોજિકલ તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યો છે, જેથી કેન્સરની સંભાવનાને સંપૂર્ણપણે નકારી શકાય. તપાસ અહેવાલ પ્રાપ્ત થયા બાદ જરૂરી હોય તો આગળની સારવાર અંગે નિર્ણય લેવામાં આવશે.
આ સફળતા ઉપ- મંડળ રેલવે હોસ્પિટલોની વધતી તબીબી ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે. સામાન્ય રીતે આવા મોટા અને જટિલ ટ્યુમરના કેસોમાં દર્દીઓને સુપર-સ્પેશિયાલિટી અથવા ખાનગી હોસ્પિટલોમાં રિફર કરવામાં આવે છે. ગાંધીધામ રેલવે હોસ્પિટલમાં આ દુર્લભ સર્જરીનું સફળ આયોજન એ દર્શાવે છે કે પશ્ચિમ રેલવે પોતાના કર્મચારીઓ અને તેમના પરિવારજનોને તેમના નજીકના સ્થળે જ ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રતિબદ્ધ છે.
-----

Comments

COMMENT / REPLY FROM