ભુજમાં ૨.૧૦ કરોડના હેરોઈન સાથે ઝડપાયેલા પંજાબના ૫ આરોપીઓને ૧૦ વર્ષની સખ્ત કેદ
માધાપર નજીક કાર પર ફાયરિંગ કરીને પકડાયેલા નશીલા દ્રવ્યોના નેટવર્ક સામે ભુજ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો
ભુજ - કચ્છઉદય : ભુજ નજીક માધાપર પાસે ફિલ્મી ઢબે વિદેશી બનાવટનું કરોડોનું હેરોઈન ઝડપી પાડવાના બહુચર્ચિત કેસમાં ભુજની ખાસ એનડીપીએસ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પંજાબથી રૂ. ૨.૧૦ કરોડની કિંમતનું ૪૨૦ ગ્રામ હેરોઈન કચ્છમાં ઊંચા ભાવે વેચવા લાવેલા પાંચ પંજાબી યુવકોને ત્રીજા અધિક સેશન્સ જજ અને સ્પેશિયલ એનડીપીએસ કોર્ટના ખાસ જજ વી.એ. બુધ્ધે દોષી ઠેરવીને ૧૦ વર્ષની સખ્ત કારાવાસની સજા સાથે પ્રત્યેક આરોપીને બે-બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આ કેસની વિગત મુજબ, આશરે ત્રણ વર્ષ અગાઉ ૧૩ જુલાઈ ૨૦૨૩ના રોજ પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમને પંજાબથી કારમાં હેરોઈનનો જથ્થો કચ્છ તરફ આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે એસઓજી ટીમે માધાપર નજીકના નળવાળા સર્કલ પાસે વોચ ગોઠવી હતી. પોલીસને જોઈને આરોપીઓએ પોતાની બ્રેઝા કાર લઈને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો અને કારના ટાયર પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરીને વાહનને રોકી પાડ્યું હતું. તે સમયે પોલીસે કારમાંથી ત્રણ આરોપીઓની સ્થળ પર જ ધરપકડ કરી હતી, જ્યારે નાસી છૂટેલા અન્ય બે આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતા.
આ સરાહનીય કામગીરી બાદ એસઓજીના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદ વી. ભોલા દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને કોર્ટમાં ૩૧ દસ્તાવેજી પુરાવાઓ અને ૧૦ મહત્વના સાક્ષીઓ સાથે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
કોર્ટે બંને પક્ષોની દલીલો અને દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈને પંજાબના તરનતારન જિલ્લાના વિવિધ ગામોના નિવાસી રનજીતસિંઘ જગ્ગીરસિંઘ જાટ, હરપ્રીતસિંઘ જસવિન્દરસિંઘ જાટ, સરતાજસિંઘ ઊર્ફે સતરાજસિંઘ રસપાલસિંઘ જાટ, દલેરસિંઘ જોગિન્દરસિંઘ જાટ અને ગુરબેજસિંઘ ઊર્ફે ભેજા સલવિન્દરસિંઘ જાટને એનડીપીએસ એક્ટની કલમ ૮ (સી), ૨૨ (સી) અને ૨૯ હેઠળ દોષિત ઠેરવ્યા હતા. નોંધનીય છે કે આ ગુનામાં સામેલ અન્ય એક આરોપી કુલદીપસિંઘ, જેની પાસેથી આ આરોપીઓએ હેરોઈન ખરીદ્યું હતું, તે હજુ સુધી નાસતો ફરે છે અને તેની શોધખોળ ચાલુ છે.
ચુકાદો આપતાં અદાલતે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી કે, આરોપીઓએ પોતાના અંગત આર્થિક ફાયદા માટે એકસંપ થઈને યુવાનોને નિશાન બનાવી તેમને ગંભીર વ્યસનની ગરતામાં ધકેલવાનું કૃત્ય કર્યું છે, જેને કદાપિ સામાન્ય ગણી શકાય નહીં. અદાલતમાં કેસની સુનાવણી દરમિયાન મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ કાયદાકીય જોગવાઈઓ અને પુરાવાઓના આધારે ધારદાર દલીલો રજૂ કરી હતી.
------------

Comments