Trending News
સ્થાનિક સમાચાર

અદાણી પોર્ટ્‌સના પ્રથમ ત્રિમાસિક ગાળામાં શાનદાર પરિણામો : આવક અને નફામાં મોટો ઉછાળો

29 July


આંતરરાષ્ટ્રીય બંદરોના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને સ્થાનિક કારોબારની મજબૂતીના બળે એબીટીડીએમાં ૧૯ ટકાનો વાર્ષિક વધારો નોંધાયો


મુન્દ્રા - કચ્છઉદય : ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન સંચાલક કંપની અદાણી પોર્ટ્‌સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. કંપનીએ ૩૦ જૂન ૨૦૨૬ના રોજ પૂરા થયેલા સમયગાળા દરમિયાન તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ નાણાકીય અને ઓપરેશનલ પ્રદર્શન નોંધાવ્યું છે. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવક વાર્ષિક ધોરણે ૧૯ ટકાના વધારા સાથે રૂ. ૧૦,૮૨૧ કરોડ પર પહોંચી છે, જે વિતેલા વર્ષના સમાન ગાળામાં રૂ. ૯,૧૨૬ કરોડ નોંધાઈ હતી. કંપનીનું એબીટીડીએ પણ ૧૯ ટકા વધીને રૂ. ૬,૫૪૧ કરોડ થવા પામ્યું છે. નાણાકીય મજબૂતી દર્શાવતા કંપનીના કર બાદના ચોખ્ખા નફામાં ૧૦ ટકાનો વૃદ્ધિદર જોવા મળ્યો છે, જે વધીને રૂ. ૩,૬૫૦ કરોડ નોંધાયો છે.
કંપનીની આ મજબૂત વૃદ્ધિ પાછળ તેના આંતરરાષ્ટ્રીય બંદરોના અસાધારણ કારોબારનો મુખ્ય ફાળો રહ્યો છે. ઓસ્ટ્રેલિયા અને કોલંબોમાં આવેલા બંદરોના શાનદાર કામગીરીના જોરે આંતરરાષ્ટ્રીય બંદરોથી થતી આવક ૮૦ ટકા વધીને રૂ. ૧,૭૪૭ કરોડ થઈ છે, જ્યારે આ વિભાગનું એબીટીડીએ ૨૫૬ ટકાના જંગી ઉછાળા સાથે રૂ. ૭૩૦ કરોડના સ્તરે પહોંચ્યું છે. આ ઉપરાંત, દરિયાઈ ક્ષેત્રમાં જહાજોના કાફલામાં થયેલો ઉમેરો અને યુરોપિયન સબ-સી ક્ષેત્રે વિસ્તરણના પરિણામે મરીન આવક ૬૭ ટકા વધીને રૂ. ૯૦૧ કરોડ નોંધાઈ છે. બીજી તરફ, સ્થાનિક બંદરોએ પણ કાર્ગો વોલ્યુમમાં વધારો, સુધારેલા પ્રોડક્ટ મિક્સ અને ઊંચી પ્રાપ્તિના દમ પર ૧૨ ટકાની આવક વૃદ્ધિ સાથે ૭૪ ટકાનું શ્રેષ્ઠ એબીટીડીએ માર્જિન જાળવી રાખ્યું છે.
કંપનીની આ નાણાકીય સફળતા અને સતત સુધરતી સ્થિતિને ધ્યાનમાં રાખીને અગ્રણી રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે અદાણી પોર્ટ્‌સનું લાંબા ગાળાનું ક્રેડિટ રેટિંગ સ્થિર આઉટલુક સાથે બીબીબી- થી સુધારીને બીબીબી કર્યું છે. આ સાથે જ કેર રેટિંગ્સ અને આઈસીઆરએ દ્વારા કંપનીના સ્થાનિક રેટિંગ ત્રિપલ એ ને પુનઃપુષ્ટિ આપવામાં આવી છે. નોંધનીય છે કે, પરિવહન ક્ષેત્રે પર્યાવરણ અને કુદરત પ્રત્યેની જવાબદારી સ્વીકારીને ટાસ્કફોર્સ ઓન નેચર-રીલેટેડ ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર રિપોર્ટ બહાર પાડનારી અદાણી પોર્ટ્‌સ દેશની પ્રથમ પરિવહન કંપની બની છે.
નાણાકીય પરિણામો અંગે ખુશી વ્યક્ત કરતા અદાણી પોર્ટ્‌સના પૂર્ણકાલીન ડિરેક્ટર અને મુખ્ય કારોબારી અધિકારી અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે, વિવિધ ભૌગોલિક વિસ્તારો અને ગ્રાહક વર્ગમાં ફેલાયેલા મલ્ટી-મોડલ એસેટ બેઝના કારણે કંપનીનું બિઝનેસ મોડેલ અત્યંત મજબૂત બન્યું છે. સ્થાનિક બંદર વ્યવસાયે કમાણીનો મજબૂત આધાર પૂરો પાડ્યો છે, જ્યારે આંતરરાષ્ટ્રીય પોર્ટફોલિયો અને લોજિસ્ટિક્સના વિસ્તરણે નફાકારકતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કંપની વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧,૦૦૦ એમએમટી કાર્ગોનું લક્ષ્યાંક હાંસલ કરવા અને વર્ષ ૨૦૩૧ સુધીમાં વૈશ્વિક સ્તરે અગ્રણી પરિવહન પ્લેટફોર્મ બનવાના પોતાના નિર્ધાર તરફ ઝડપથી આગળ વધી રહી છે.
------------ 

Comments

COMMENT / REPLY FROM