Trending News
સ્થાનિક સમાચાર

ક્રિસ્ટોફર નોલનની ‘ધ ઓડિસી’ સાયન્સ સિટીના આઈમેક્સમાં પ્રદર્શિત કરવા કચ્છના યુવાનની મુખ્યમંત્રીને અપીલ

29 July


કચ્છના લોડાઈ ગામના સંજયકુમાર વાણિયા દ્વારા ઓનલાઈન પિટિશન અભિયાન શરૂઃ ગુજરાતના સિનેમાપ્રેમીઓને ઘરઆંગણે જ વિશ્વસ્તરીય આઈમેક્સ અનુભવ આપવા વ્યાપક લોકઝુંબેશ

ભુજ - કચ્છઉદય : વિશ્વવિખ્યાત હોલિવૂડ દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલનની આગામી બહુપ્રતિક્ષિત ફિલ્મ ’ધ ઓડિસી’ તેના થિયેટ્રિકલ રિલીઝ સમયે અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટીના આઇમેક્સ થિયેટરમાં પ્રદર્શિત કરવામાં આવે તે માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને એક જાહેર હસ્તાક્ષર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના લોડાઈ ગામના નિવાસી સંજયકુમાર વાણિયા દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ રાજ્યના ફિલ્મપ્રેમીઓ, યુવાનો અને સિનેમારસિકોની વ્યાપક માંગ તરફ રાજ્ય સરકારનું ધ્યાન દોરવાનો છે.
દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલનની ફિલ્મો તેમના ભવ્ય દ્રશ્ય શ્રાવ્ય અનુભવ અને વિશેષ આઇમેક્સ ફોર્મેટ માટે સમગ્ર વિશ્વમાં જાણીતી છે. મહાકવિ હોમરના અમર મહાકાવ્ય પરથી પ્રેરિત ફિલ્મ ’ધ ઓડિસી’ પણ આ ભવ્ય ફોર્મેટમાં બની રહી છે. સમગ્ર ગુજરાતમાં ૭૦ એમએમ ફોર્મેટ ધરાવતી વિશાળ સ્ક્રીન માત્ર ગુજરાત સાયન્સ સિટી ખાતે જ ઉપલબ્ધ હોવાથી, ફિલ્મ તેના મૂળ સિનેમેટિક સ્વરૂપમાં જોવાની ઉત્તમ તક અહીં જ શક્ય બની શકે તેમ છે. આથી જ આ ફિલ્મ સાયન્સ સિટીના આઇમેક્સ થિયેટરમાં રજૂ થાય તેવી પ્રબળ જનભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ જાહેર અરજી મારફતે મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરવામાં આવી છે કે સંબંધિત વિભાગો તથા સાયન્સ સિટીના સત્તાધિકારીઓ સાથે જરૂરી સંકલન કરીને, ફિલ્મના વિતરણ અધિકારો, લાયસન્સિંગ અને અન્ય તકનીકી તથા વ્યવસ્થાકીય બાબતોને ધ્યાનમાં રાખીને આ પ્રદર્શનની શક્યતાઓ પર વિચારણા કરવામાં આવે. આ અભિયાનના સમર્થકોનું માનવું છે કે સાયન્સ સિટીમાં આ ફિલ્મ દર્શાવવાથી રાજ્યના પ્રેક્ષકોને આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ મળશે, યુવાનોમાં સાહિત્ય, ઇતિહાસ અને વિશ્વ સિનેમા પ્રત્યે રસ વધશે તેમજ રાજ્યમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે.
કચ્છના આ યુવક દ્વારા તમામ ફિલ્મપ્રેમીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આમ નાગરિકોને આ જાહેર હસ્તાક્ષર અભિયાનમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. લોકો ઓનલાઈન પિટિશન લિંક મારફતે પોતાના ડિજિટલ હસ્તાક્ષર કરીને આ અભિયાનને વધુમાં વધુ સપોર્ટ આપી રહ્યા છે.
----------- 

Comments

COMMENT / REPLY FROM