ગેરકાયદે ખનનનું મોટું કૌભાંડ કચ્છમાં ઇસીના અભાવે સરકારી ચોપડે સીલ થયેલી લીઝો પર રાત્રિના અંધકારમાં ખનીજ ચોરીનો ધમધમાટ
રાજકીય અને વહીવટી આકાઓના આશીર્વાદથી ચાલતી બેફામ ગેરપ્રવૃત્તિ : અંજાર, ભુજ, અબડાસા અને નખત્રાણામાં ભ્રષ્ટ તંત્ર અને ખનિજ માફિયાઓની મિલીભગતથી કરોડો રૂપિયાના બેન્ટોનાઇટ, ચાઇનાક્લે અને રેતીનું ગેરકાયદેસર ઉત્ખનન : જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓના પ્રહારોથી ખળભળાટ
ભુજ - કચ્છઉદય : રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણીય મંજૂરી એટલે કે એનવાયરન્મેન્ટલ ક્લિયરન્સના અભાવે અને માઇનિંગ પ્લાનના ગંભીર ઉલ્લંઘનને કારણે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં અનેક ખાણ લીઝ તાત્કાલિક અસરથી બંધ કરવાનો સ્પષ્ટ અને કડક આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશના પગલે કચ્છ જિલ્લામાં પણ કાયદાકીય રીતે અનેક કિંમતી ખનીજ ધરાવતી લીઝો સરકારી ચોપડે સીલ કરી દેવામાં આવી હતી. કચ્છની ધરાના પેટાળમાં કુદરતે કુદરતી સંપત્તિનો અખૂટ ખજાનો બક્ષ્યો છે અને આ અત્યંત કિંમતી ખનીજોના નિયમબદ્ધ ખનન તેમજ પરિવહન થકી દર વર્ષે રાજ્ય સરકારની સરકારી તિજોરીને કરોડો રૂપિયાની માતબર આવક પ્રાપ્ત થાય છે. કાયદાકીય જોગવાઈઓનું પાલન કરાવવા માટે સરકારે ચોક્કસ હેતુથી એન્વાયરન્મેન્ટલ ક્લિયરન્સ વગરની લીઝો બંધ કરાવી હતી, પરંતુ કાગળ પર અને સરકારી દફતરે સીલ કરી દેવાયેલી આ તમામ ખાણો વાસ્તવિક ધાતલ પર ગેરકાયદેસર રીતે ધમધમી રહી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. તાજેતરમાં જ યોજાયેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સ્થાનિક જનપ્રતિનિધિઓએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો અને ઇસીના વાંકમાં બંધ થયેલી ખાણો છૂટથી અને બેફામ રીતે ચાલી રહી હોવાના સણસણતા પ્રશ્નો રજૂ કરતા વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. માઇનિંગ ક્ષેત્રના અત્યંત આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર કચ્છ જિલ્લામાં પર્યાવરણીય મંજૂરીના વાંકે બંધ થયેલી ખાણોના કેટલાક ચમરબંધી અને વજનદાર સંચાલકો પોતાની અઢળક નાણાકીય શક્તિ અને રાજકીય વર્ચસ્વનો ખુલ્લેઆમ દુરુપયોગ કરીને આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિને અવિરતપણે ચલાવી રહ્યા છે. આ તત્વો સત્તાધારી રાજકીય વર્ગ અને જવાબદાર સ્થાનિક તંત્રવાહકો સાથે મિલીભગત કરીને છેક પાટનગર ગાંધીનગર સુધી પોતાના ઉચ્ચ સ્તરીય સંપર્કોનો ઉપયોગ કરી રહ્યા છે અને રાજ્યના કુદરતી ખજાનાની બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આ ખનિજ માફિયાઓનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળે છે. ખાસ કરીને અંજાર તાલુકાના વીડી વિસ્તાર ઉપરાંત ભુજ તાલુકાના ઐતિહાસિક કેરા અને બળદિયા ગામોની નજીક, તેમજ સરહદી અબડાસા અને નખત્રાણા તાલુકાના વિવિધ વિસ્તારોમાં આ ગેરકાયદેસર ખનીજ ખનનની કાળી પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. કાયદાનો કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર, રાજકીય અને વહીવટી છત્રછાયા હેઠળ તેમજ નાણાના જોરે રાત્રિના ઘોર અંધકારમાં જેસીબી અને પોકલેન જેવા ભારી મશીનો મૂકીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરવામાં આવે છે.
સ્થાનિક વર્તુળોનું માનવું છે કે માત્ર સામાન્ય કહી શકાય તેવી કપચી, પથ્થર અને નદીની રેતી જ નહીં, પરંતુ અત્યંત મૂલ્યવાન ગણાતા ચાઇનાક્લે અને ઉદ્યોગોમાં વ્યાપકપણે વપરાતા બેન્ટોનાઇટ જેવા કિંમતી ખનીજોનું પણ આ સ્થળો પરથી મોટા પાયે રાતોરાત ઉત્ખનન કરીને ગેરકાયદેસર રીતે વહન કરી દેવામાં આવે છે. આ પ્રવૃત્તિથી રાજ્ય સરકારને મળતી કરોડો રૂપિયાની રોયલ્ટીનું સીધું ધોવાણ થઈ રહ્યું છે અને સરકારી તિજોરીને આર્થિક ચૂનો લગાડવામાં આવી રહ્યો છે. જો રાજ્ય સરકાર અને ખાણ-ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સરકારી ચોપડે બંધ જાહેર કરાયેલી આ તમામ લીઝ સાઇટો પર કોઈ પણ જાતની પૂર્વ જાણ વગર અચાનક અને સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવે, તો કરોડો રૂપિયાના બહુચર્ચિત ખનીજ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થઈ શકે તેમ છે. હવે એ જોવું રહ્યું કે આ અહેવાલ બાદ જવાબદાર તંત્ર ઊંઘમાંથી જાગીને કડક પગલાં ભરે છે કે પછી માફિયાઓ સામે આંખ આડા કાન કરવાનું ચાલુ રાખે છે.
.........
ભુજ નજીકના ગ્રામ્ય પટ્ટામાં ચાઇનાક્લે અને કિંમતી બોક્સાઇટની ખુલ્લેઆમ ચોરી
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં એક તરફ પર્યાવરણીય મંજૂરીના વાંકે સરકારી ચોપડે અનેક લીઝો સીલ કરી દેવામાં આવી છે, ત્યારે બીજી તરફ ભુજ તાલુકાના નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં કિંમતી ખનીજોનું ગેરકાયદે ખનન ચિંતાજનક સપાટીએ પહોંચી ગયું છે. ખાસ કરીને ભુજ નજીક આવેલા પધ્ધર, ધાણેટી, મમુઆરા, લાખોદ, ડગાડા અને મોખાણા જેવા ગ્રામીણ પટ્ટામાં ખનિજ માફિયાઓ દ્વારા ચાઇનાક્લેનું બેફામ અને બિનઅધિકૃત રીતે ઉત્ખનન કરવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ-ખનીજ વિભાગ તથા સરકારી તંત્રની નાક નીચે જ ચાલતી આ કાળી પ્રવૃત્તિને કારણે સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વિસ્તારોમાં માત્ર ચાઇનાક્લે જ નહીં પરંતુ તેની સાથે નીકળતા અત્યંત મૂલ્યવાન બોક્સાઇટ જેવા ખનીજનું પણ રાતોરાત ગેરકાયદેસર ખનન કરીને તેને અન્યત્ર પધરાવી દેવામાં આવે છે. ભુજ શહેરની નજીકના જ સરહદી અને ગ્રામ્ય વિસ્તારોમાં આટલા મોટા પાયે કુદરતી સંપત્તિની લૂંટ ચાલતી હોવા છતાં, જવાબદાર તંત્રવાહકો અને ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ કેમ આંખ આડા કાન કરી રહ્યા છે તેવો તીખો સવાલ સ્થાનિક ગ્રામજનો ઉઠાવી રહ્યા છે. માફિયાઓ દ્વારા રાત્રિના અંધકારમાં ભારેખમ મશીનરી મૂકીને કિંમતી ખનીજો ઉલેચવામાં આવી રહ્યા છે, જેના કારણે રાજ્ય સરકારની તિજોરીને કરોડો રૂપિયાની રોયલ્ટીનું ધોવાણ થઈ રહ્યું છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે જો જવાબદાર વિભાગ દ્વારા આ વિસ્તારોમાં તાત્કાલિક અને તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો ખનીજ ચોરીના એક બહુમોટા કારસાનો પર્દાફાશ થઈ શકે તેમ છે.
..........

Comments