પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા અને ગાંધીધામથી ચાલતી પાંચ સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા
મુંબઈ, ભાગલપુર અને કચ્છ વચ્ચે મુસાફરી કરતા પ્રવાસીઓને ઓગસ્ટ માસ દરમિયાન મળશે સીધો લાભ
ભુજ - કચ્છઉદય : મુસાફરોની વધતી જતી ભીડ અને સતત રહેલી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળ હેઠળ કચ્છ જિલ્લા તરફ આવતી અને જતી મહત્વની સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મુંબઈ અને બિહાર તરફ મુસાફરી કરતા કચ્છના પ્રવાસીઓને ઓગસ્ટ મહિના દરમિયાન મોટી રાહત મળશે.
કચ્છ અને મુંબઈ વચ્ચે ચાલતી બાંદ્રા ટર્મિનસ અને ભુજ વચ્ચેની દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન નંબર ૦૯૦૩૭ ના ફેરા ૮થી ૨૯ ઓગસ્ટ સુધી અને સામે પક્ષે ટ્રેન નંબર ૦૯૦૩૮ ભુજ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે ૯થી ૩૦ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. આ ઉપરાંત બાંદ્રા ટર્મિનસ અને ભુજ વચ્ચેની અન્ય એક સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન નંબર ૦૯૦૦૯ ના ફેરા ૯થી ૩૦ ઓગસ્ટ સુધી અને ટ્રેન નંબર ૦૯૦૧૦ ભુજથી બાંદ્રા ટર્મિનસ માટે ૧૦થી ૩૧ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. તેમજ બાંદ્રા અને ભુજ વચ્ચેની ત્રીજી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન નંબર ૦૯૦૧૧ ના ફેરા ૧૧થી ૨૫ ઓગસ્ટ સુધી અને ટ્રેન નંબર ૦૯૦૧૨ ભુજથી બાંદ્રા માટે ૧૨થી ૨૬ ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યા છે.
કચ્છના ગાંધીધામ સ્ટેશનથી ઉપડતી ટ્રેન સેવાઓમાં પણ વધારો કરાયો છે. જે મુજબ ગાંધીધામ અને ભાગલપુર વચ્ચે ચાલતી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન નંબર ૦૯૪૫૧ ના ફેરા ૨૮ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યા છે અને સામે પક્ષે ભાગલપુરથી ગાંધીધામ આવતી ટ્રેન નંબર ૦૯૪૫૨ ના ફેરા ૩૧ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યા છે.
કચ્છ જિલ્લા સાથે જોડાયેલી આ તમામ વિસ્તૃત ટ્રેનો માટેનું એડવાન્સ ટિકિટ બુકિંગ તા ૨૯ જુલાઈ થી તમામ રેલવે પીઆરએસ કાઉન્ટરો તેમજ આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનોના સમય અને સ્ટોપેજ સંબંધિત વધુ વિગતો માટે મુસાફરો રેલવેની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
----------

Comments