Trending News
સ્થાનિક સમાચાર

આરબીએસકેના પ્રયાસોથી જન્મજાત હૃદયની ખામી ધરાવતી ૮ વર્ષની સાનવીને મળ્યું નવજીવન

28 July


મુન્દ્રાની બાળકીનું અમદાવાદમાં સફળ ઓપરેશન, પરિવારના ચહેરે ફરી ખીલ્યું સ્મિત

ભુજ - કચ્છઉદય : રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની સમયસર ઓળખ અને અવિરત મહેનત કોઈના જીવન માટે સંજીવની બની શકે છે તેનું ઉદાહરણ મુન્દ્રામાં જોવા મળ્યું હતું. આરબીએસકે ટીમની સંવેદનશીલ કામગીરીના કારણે જન્મજાત હૃદયની ખામી ધરાવતી સાનવી વિરાજ યાદવનું સફળ ઓપરેશન થયું અને તેને નવું જીવન મળ્યું.
નારણવાડી ગામમાં રહેતી સાનવીની તપાસ કરતાં ટીમે તેનામાં જન્મજાત હૃદયની ખામી હોવાનું નિદાન કર્યું. સાનવીનો પરિવાર મૂળ બિહારનો હોવાથી સારવાર માટે જરૂરી રહેઠાણના પુરાવા અને સરકારી દસ્તાવેજો મેળવવામાં ભારે મુશ્કેલી હતી. પરંતુ ટીમે ફક્ત રીફર કરીને પોતાની ફરજ પૂરી ન કરી. ડૉ. સંજય યોગી, ડૉ. અવની બેંકર, મનીષાબેન અને ફાર્માસિસ્ટ અકાંક્ષાબેન સહિતની ટીમે તલાટી, તાલુકા આરોગ્ય કચેરી અને મામલતદાર કચેરી સાથે સતત સંકલન કરી તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર કરાવ્યા હતા. 
ડૉ. મિતેશ ભંડેરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવી હતી. ટીમે પરિવારનો હિંમત આપી દરેક પગલે સાથ આપ્યો. ટીમના પ્રયાસોથી અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલ ખાતે સાનવીનું સફળ હૃદય ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ આરબીએસકે ટીમે ઘરે જઈને ફોલોઅપ પણ કર્યું. હાલ સાનવી સંપૂર્ણ સ્વસ્થ છે, સામાન્ય જીવન જીવી રહી છે. તેના ચહેરા પર ફરી ખુશી પરત ફરી છે. સાનવીના પરિવારે ડૉક્ટરો ટીમ, તાલુકા અને જિલ્લા આરોગ્ય ટીમનો આભાર માનતા કહ્યું કે આ સારવાર અમારા માટે નવી આશા અને નવું ભવિષ્ય લઈને આવી છે. 
------- 

Comments

COMMENT / REPLY FROM