Trending News
સ્થાનિક સમાચાર

 કચ્છ જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીમાં શિસ્તભંગ કરનારા સામે હાકલપટ્ટીની ચેતવણી

27 July


લોકપ્રશ્નો, ખેડૂતો, શિક્ષણ અને વહીવટી ધાંધિયા સામે આંદોલન છેડવા સર્વાનુમતે ૧૧ ઠરાવો પસાર કરાયા 

ભુજ - કચ્છઉદય : ભુજના રાજગોર સમાજવાડી ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. વંદે માતરમ ગાન અને દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલી આ બેઠકમાં વાલજીભાઈ દનીચા, ઈબ્રાહીમભાઈ મંધરા, નવલસિંહ જાડેજા, આદમભાઈ ચાકી, પુષ્પાબેન સોલંકી, રફીકભાઈ મારા, રસિકબા જાડેજા, જુમ્માભાઈ નોડે, ભીખાભાઈ રબારી, જયવીરસિંહ જાડેજા અને મેસોજી સોઢા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. બેઠકનું સ્વાગત પ્રવચન જિલ્લા મહામંત્રી પી.સી. ગઢવીએ કર્યું હતું. આ તકે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી જીતવાના લક્ષ્યાંક સાથે પક્ષના સંગઠનને વોર્ડ, બૂથ, ગ્રામ સમિતિ તેમજ તાલુકા મથકો સુધી મજબૂત બનાવવા આદેશ અપાયો હતો. સાથોસાથ પક્ષમાં શિસ્તભંગ કરનાર, સોશિયલ મીડિયા કે અન્યત્ર પક્ષવિરોધી ટિપ્પણી કરનાર અને હોદ્દા પર રહી કામ ન કરનાર સામે કડક હાકલપટ્ટી કરવાની સ્પષ્ટ ચેતવણી વી.કે. હુંબલે આપી હતી.
કારોબારી દરમિયાન મંચસ્થ વક્તાઓ યજુવેન્દ્રસિંહ જાડેજા, આદમભાઈ ચાકી, નવલસિંહ જાડેજા, રફીક મારા, કલ્પનાબેન જોશી, ભરતભાઈ ઠક્કર, નિતેશ લાલણ, ઈબ્રાહીમ મંધરા, વાલજીભાઈ દનીચા અને ભરત સોલંકીએ પ્રાસંગિક ઉદબોધનમાં ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે વર્તમાન વહીવટી તંત્ર અને સત્તાપક્ષ ભાજપને સાચવવા માટે ખોટી રીતે ધાર્મિક સ્થાનકો તોડી રહ્યા છે, તેની સામે તેમજ કાયદાની મર્યાદા બહાર કામ કરતી પોલીસ સામે પણ કોંગ્રેસ કાનૂની અને આંદોલનાત્મક લડાઈ લડશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્યો રાજેશ આહીર, મેઘબાઈ માનસી ગેલવા, નેહાબેન અશ્વિનભાઈ ચોપાટેલ, નેહલબા સુલતાનસિંહ જાડેજા સહિત જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણી લડેલા તથા ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ અને સીનિયર આગેવાનો દ્વારા સાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કચ્છના પ્રજાકીય પ્રશ્નો અને લોકહિતને સ્પર્શતા વિવિધ ૧૧ સર્વાનુમતે ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. જેમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા, ધાર્મિક દબાણો દૂર કરવાની નીતિ સામે લડવા, મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં પીવાનું પાણી, ગટર, રોડ-લાઈટ અને સફાઈની સુવિધા સુધારવા, ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનો માટે બજાર કિંમતથી ચાર ગણું વળતર આપવા અને ૪ જુલાઈના ખેડૂત વિરોધી પરિપત્રનો વિરોધ કરવાનો ઠરાવ કરાયો હતો. આ ઉપરાંત વરસાદ ખેંચાતા ગ્રામ્ય-શહેરી વિસ્તારોમાં નર્મદાના પાણીનો જથ્થો વધારવા, ખેડૂતોને ૮ના બદલે ૧૦ કલાક વીજળી આપવા, નીટ પેપર લીક મુદ્દે કડક કાયદો બનાવી શિક્ષાત્મક કાર્યવાહી કરવા, સરકારી હોસ્પિટલોમાં ૫૦ ટકા ખાલી પડેલી તબીબી જગ્યાઓ ભરવા, શાળાઓમાં પીટીસી અને બી.એડ. થયેલા સ્થાનિક બેરોજગારોને ભરતી કરી શિક્ષકોની અછત દૂર કરવા, ગેરકાયદેસર ખનન અટકાવી ખનિજ માફિયાઓ પાસેથી દંડ વસૂલવા અને સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર અટકાવવા કડક પગલાં ભરવાની માંગણી કરવામાં આવી હતી. આ બેઠકનું સંચાલન જિલ્લા ઉપપ્રમુખ રામદેવસિંહ જાડેજા અને ઈલિયાસ ઘાંચીએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ કરી હતી.
--------- 

Comments

COMMENT / REPLY FROM