Trending News
સ્થાનિક સમાચાર

કોઈ પણ વર્ષે ટાટ પાસ કરનાર ઉમેદવાર જ્ઞાન સહાયક બની શકશે

27 July


ખોટી માહિતી આપનાર સામે લાલ આંખ, ૫ વર્ષ માટે થશે ગેરલાયક : શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ સહિત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતીના દ્વિતીય તબક્કાની જાહેરાત :  ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ જુલાઈ


ભુજ - કચ્છઉદય : કચ્છ સહિત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ ભરતીના બીજા તબક્કાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ તબક્કાની વિશેષતા એ છે કે દ્વિસ્તરીય ટાટ પરીક્ષા ઉપરાંત ભૂતકાળમાં કોઈપણ વર્ષે જૂની ટાટ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો પણ અરજી કરવા માટે યોગ્ય ગણાશે. જો આ તબક્કા બાદ પણ શાળાઓમાં જગ્યાઓ ખાલી રહેશે તો માધ્યમિક વિભાગ માટે સ્નાતક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અનુસ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને તક આપવાનું આયોજન કરાયું છે.
ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે મેરિટના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. રસ ધરાવતા ઉમેદવારોએ ૩૦ જુલાઈના રોજ રાત્રે ૧૧ઃ૫૯ વાગ્યા સુધી સત્તાવાર વેબસાઈટ પર જઈને માત્ર ઓનલાઈન માધ્યમથી જ અરજી કરવાની રહેશે. માધ્યમિક વિભાગ માટે મહત્તમ ૪૮ વર્ષ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ૫૦ વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન જો કોઈ ઉમેદવાર ખોટી કે ભૂલભરેલી માહિતી આપશે તો તેને પાંચ વર્ષ માટે ભરતી પ્રક્રિયામાંથી ગેરલાયક ઠેરવવામાં આવશે.
આ ભરતી હેઠળ પસંદગી પામેલા ઉમેદવારોને ૧૧ માસના કરાર પર રાખવામાં આવશે અને શૈક્ષણિક વર્ષ પૂર્ણ થતાં કરાર આપોઆપ રદ ગણાશે. વેતન અંગે માધ્યમિક જ્ઞાન સહાયકને માસિક રૂ. ૨૪,૦૦૦ અને ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન સહાયકને માસિક રૂ. ૨૬,૦૦૦ ફિક્સ માનદવેતન ચૂકવવામાં આવશે. અરજી સમયે ઉમેદવારે કોઈ એક જ જિલ્લાની પસંદગી કરવાની રહેશે. પ્રથમ તબક્કામાં શાળા ફાળવણી ન થાય તો ઉમેદવારને નિયત સમયપત્રક મુજબ ત્રણ તબક્કામાં ઓનલાઈન જિલ્લો બદલવાની સુવિધા મળશે.
જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ૩ ઓગસ્ટના રોજ બપોરે ૨ વાગ્યે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. મેરિટ અને જિલ્લા પસંદગીના આધારે પસંદ થયેલા ઉમેદવારોએ ૫ ઓગસ્ટના રોજ પોતાના અસલ પ્રમાણપત્રો અને ઝેરોક્ષ નકલો સાથે ડીઈઓ કચેરીએ હાજર રહીને ડોક્યુમેન્ટ ચકાસણી અને સ્થળ પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ બીજા તબક્કાની જિલ્લા પસંદગી ૭ ઓગસ્ટ અને ત્રીજા તબક્કાની જિલ્લા પસંદગી ૧૦ ઓગસ્ટના રોજ યોજાશે.
----------- 

Comments

COMMENT / REPLY FROM