Trending News
સ્થાનિક સમાચાર

પતંજલિના લોટમાં ક્ષમતા કરતાં વધુ જંતુનાશક મળ્યા : કચ્છના ગ્રાહકોમાં ચિંતાનો માહોલ 

27 July


કેરળમાં તપાસ દરમિયાન ‘ક્લોરપાયરીફોસ’ નામના જંતુનાશકની માત્રા મર્યાદા બહાર નીકળતા કાર્યવાહી :  બેચ નંબર કે જથ્થા અંગે સ્પષ્ટતા ન થતાં ગ્રાહકો અને વેપારીઓ મૂંઝવણમાં


ભુજ - કચ્છઉદય : યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્‌સ દ્વારા તૈયાર કરવામાં આવતા બ્રાન્ડેડ ઘઉંના લોટના એક ચોક્કસ જથ્થાને બજારમાંથી પરત ખેંચી લેવાનો (રિકોલ) આદેશ આપવામાં આવતાં સમગ્ર દેશ સહિત કચ્છ જિલ્લાના ગ્રાહકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી સત્તાવાર માહિતી અનુસાર, ખાદ્ય સુરક્ષા વિભાગની તપાસમાં લોટના આ જથ્થામાં નક્કી કરેલી સીમા કરતાં વધુ પ્રમાણમાં જંતુનાશક દવાનો અંશ મળી આવ્યો છે. કેરળના કોટ્ટાયમ સ્થિત ખાદ્ય સુરક્ષા મદદનીશ કમિશનરની કચેરી દ્વારા હાથ ધરાયેલા પરીક્ષણમાં આ લોટમાં ’ક્લોરપાયરીફોસ’ નામક અત્યંત હાનિકારક જંતુનાશકની માત્રા મર્યાદા કરતાં ઘણી વધારે હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં પણ પતંજલિની પ્રોડક્ટ્‌સનો વપરાશ કરનાર બહોળો વર્ગ છે. ભુજ, ગાંધીધામ, માંડવી, અંજાર અને અબડાસા જેવા શહેરી તથા ગ્રામીણ વિસ્તારોની કરિયાણાની દુકાનો તેમજ સુપર સ્ટોર્સમાં પતંજલિનો લોટ મોટા પ્રમાણમાં વેચાય છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગ્રત કચ્છી જનતા આ બ્રાન્ડ પર વિશ્વાસ મૂકીને ખરીદી કરતી હોય છે, ત્યારે આ અહેવાલ આવતાં જ સ્થાનિક ગ્રાહકો અને કરિયાણાના વેપારીઓમાં ભારે મૂંઝવણ ઊભી થઈ છે.
સરકારી તંત્ર દ્વારા આ રિકોલનો આદેશ ૨૦ જુલાઈના રોજ જારી કરવામાં આવ્યો હતો અને પતંજલિ ફૂડ્‌સને આ અંગેની જાણ ૨૪ જુલાઈના રોજ થઈ હતી. જોકે, આ મામલે કંપની તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ વિગતો જાહેર કરવામાં આવી નથી. અસરગ્રસ્ત લોટનો બેચ નંબર કયો છે, તે કેટલા પ્રમાણમાં બજારમાં પહોંચ્યો છે અને આ જથ્થો કયા કયા બજારોમાં સપ્લાય કરવામાં આવ્યો હતો તે અંગે કંપનીએ મૌન સેવ્યું છે. સ્પષ્ટ માહિતીના અભાવે કચ્છના ગ્રાહકો પોતાના રસોડામાં વપરાતા લોટની ગુણવત્તાને લઈને ભારે અસમંજસમાં મુકાયા છે.
--------- 

Comments

COMMENT / REPLY FROM