Trending News
સ્થાનિક સમાચાર

બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ ધારશી છેડાને ‘લાઈફ ટાઇમ અચિવમેન્ટ કોજૈન રત્ન એવોર્ડ’થી સન્માનિત કરાયા

27 July



બિદડા - કચ્છઉદય : બિદડા સર્વોદય ટ્રસ્ટ, બિદડાના ચેરમેન વિજયભાઈ ધારશી છેડાને સમાજસેવા અને માનવતાના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ અમેરિકા મધ્યે યોજાયેલ ૧૦માં કોજૈન સંમેલનમાં ‘કોજૈન રત્ન એવોર્ડ ફોર કમ્યુનિટી સર્વિસ - ૨૦૨૬’ એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માન સમગ્ર કચ્છ તેમજ શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ પરિવાર માટે ગૌરવની ક્ષણ છે.
વિજયભાઈ છેડાએ પોતાના જીવનની શરૂઆત ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જઈ કરી હતી, જ્યાં તેમણે કોસ્મેટિક્સ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવી. વિદેશમાં રહેવા છતાં તેઓ જૈન સમાજની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સક્રિય રીતે જોડાયેલા રહ્યા અને જૈના તથા જૈન સેન્ટર ઓફ સધર્ન કેલિફોર્નિયા જેવી સંસ્થાઓમાં મહત્વપૂર્ણ સેવા આપી. કોજૈનામાં પ્રમુખ રહી હંમેશા સક્રિય રહી સંસ્થામાં આગળ પડતો ભાગ લીધો હતો. ભારતથી આવતા વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરી સ્કોલરશીપ માટે વર્ષો સુધી કાર્ય કરેલ છે. 
વર્ષ ૧૯૮૦માં ભારત પરત ફર્યા બાદ તેઓ બિદડા સર્વોદય ટ્રસ્ટ સાથે સ્વયંસેવક તરીકે જોડાયા. વર્ષ ૧૯૮૬માં ટ્રસ્ટી તરીકે નિયુક્ત થયા અને વર્ષ ૨૦૧૪થી ટ્રસ્ટના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. તેમના દ્રઢ દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ ટ્રસ્ટે કચ્છ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં હજારો દર્દીઓને ગુણવત્તાસભર આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવી છે. મુંબઈ નાણાવટી હોસ્પિટલમાં કચ્છ થી આવતા દર્દીઓને રહેવા જમવાની સગવડ વર્ષો સુધી પુરી પાડી અને મારુ હોસ્પિટલમાં શરૂઆતથી આજરોજ સુધી ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે.  
વિજયભાઈ કચ્છી જૈન ફાઉન્ડેશન અને મહાજનના સ્થાપક ટ્રસ્ટી પણ છે. કચ્છી જૈન ફોઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ ૨૨૦૦થી વધુ પરિવારોને આવાસની સુવિધા ઉપલબ્ધ થઈ છે તેમજ ૭૦૦થી વધુ નાના ઉદ્યોગકારોને વ્યાજમુક્ત લોન દ્વારા આત્મનિર્ભર બનવામાં સહાય મળી છે. તેમના સેવાકાર્ય બદલ તેઓને અગાઉ પણ ગુજરાતના મુખ્યમંત્રી તરફથી ફોકિઆ હ્યુમિનિટેરીયન એવોડર્ડ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને હાલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કચ્છ હેલ્થ એવોર્ડ સહિત અનેક પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા છે. હાલમાં અમદાવાદ ખાતે ગુજરાત ફર્સ્ટ ન્યુઝ દ્વારા આયોજીત હેલ્થ કોન્કલેવ - હેલ્થ આઇકોન ઓફ ગુજરાત ૨૦૨૬ કાર્યક્રમમાં સમાજ સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન બાદલ લાઈફ ટાઈમ એક્સેલેન્સ એવોર્ડ ઈન ઇન્ટટિગ્રટેડ હેલ્થ કેર ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરિયાના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું. બિદડા જયા રિહેબ સેન્ટરની મુલાકાતે આવેલ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્રસ્ટની પ્રવૃત્તિની પ્રશંસા કરી વિજયભાઈનું સન્માન કર્યું હતું.  બિદડા સર્વોદય ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, ડૉક્ટરો, કર્મચારીઓ, દાતાઓ અને શુભેચ્છકોએ વિજયભાઈ છેડાને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ માનવસેવાના કાર્યમાં સતત નવી ઊંચાઈઓ સર કરતું રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. 
------

Comments

COMMENT / REPLY FROM