કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા આયોજિત ‘ચોવીસી લેવા પટેલ કબડ્ડી ટુર્નામેન્ટ’ સંપન્ન
ભાઈઓમાં સુખપર ‘એ’ અને બહેનોમાં માંડવી વિજેતા
ભુજ - કચ્છઉદય : કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ - ભુજ તથા કચ્છી લેવા પટેલ યુવક સંઘ - ભુજના સંયુક્ત ઉપક્રમે ચોવીસી લેવા પટેલ સમાજના ભાઈઓ અને બહેનો માટે એક ભવ્ય કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતોત્સવના આ માહોલમાં ખેલાડીઓએ રમતગમતની ક્ષમતા અને ઉત્કૃષ્ટ ખેલદિલીનો પરિચય આપ્યો હતો. આ ટુર્નામેન્ટમાં સમગ્ર ચોવીસી સમાજમાંથી અનેક ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભારે રોમાંચક અને રસાકસીભરી મેચોના અંતે વિજેતા અને રનર-અપ ટીમો તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી હતી. ટુર્નામેન્ટના પરિણામોમાં ભાઈઓનો વિભાગમાં વિજેતા ટીમ સુખપર ‘એ’, રનરઅપ ટીમ માંડવી તેમજ બહેનોનો વિભાગમાં વિજેતા ટીમ માંડવી તથા રનરઅપ ટીમ રામપર અને વ્યક્તિગત એવોર્ડ્સમાં (શ્રેષ્ઠ ખેલાડીઓ) મેદાન પર પોતાના શાનદાર કૌશલ્યથી દર્શકોના દિલ જીતનાર ખેલાડીઓને વિશેષ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા, જેમાં બેહનોના વિભાગમાં બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ધનલક્ષ્મી કેરાઈ (વાડાસર), શ્રેષ્ઠ રેડર જિજ્ઞા વાલાણી (માંડવી), શ્રેષ્ઠ ડિફેન્ડર અપેક્ષા કેરાઈ (રામપર) અને ભાઈઓના વિભાગમાં શ્રેષ્ઠ રેડર નિલેશ ખેતાણી (સુખપર), શ્રેષ્ઠ ડિફેન્ડર દિનેશ હિરાણી (માંડવી) રહ્યા હતાં.
સમાજના યુવાનો અને મહિલાઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે અને ભાઈચારો દ્રઢ બને તેવા શુભ આશયથી આયોજિત આ સ્પર્ધાને સફળ બનાવવા માટે આયોજક સંસ્થા કચ્છી લેવા પટેલ સમાજ ભુજ, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડીકલ ટ્રસ્ટ ભુજ તથા કચ્છી લેવા પટેલ યુવક સંઘ ભુજના ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ ભારે જહમત ઉઠાવી હતી. વિજેતા ટીમો અને ખેલાડીઓને સમાજની ત્રણેય પાંખનાં અગ્રણીઓ દ્વારા ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામો આપીને બિરદાવવામાં આવ્યા હતા.
----

Comments