ગાંધીધામનો બાવન લાખનોે વિદેશી દારૂકાંડ ચંદન ને કરો પાસા : ‘ખાખી’માંથી કોની સંડોવણી?
આ ચંદનના દારૂ પર અગાઉ મીઠીરોહરમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડીઓ પણ સફળતાથી કરી ચુકી છે રેડ : બે ટ્રેઈલર ૧૦૦૦ પેટી દારૂનો જથ્થો આ ચંદનનો અગાઉ વિજિલન્સ પકડી ચુકી છે, છતા પણ તે લાખોના દારૂની બિનધાસ્ત હેરફેર કરતો રહ્યો હેાવાનો છે વર્તારો
ગાંધીધામ : ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે દારૂના કાળા કારોબાર સામે મોટી લાલ આંખ કરીને સફળ કામગીરી પાર પાડી છે. પોલીસે ગુપ્ત બાતમીના આધારે ટેન્કર મારફતે ઘુસાડવામાં આવી રહેલો રૂ. ૫૨ લાખ (અડધા કરોડથી વધુ) ની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડ્યો છે. આ સાથે જ શરાબનો આ મોટો જથ્થો મંગાવનારા મુખ્ય બે આરોપીઓ ચંદન ગુપ્તા અને રાહુલસિંહ જાડેજાને ગણતરીના કલાકોમાં જ પકડી પાડીને જેલહવાલે કર્યા છે. ગાંધીધામ પૂર્વ ‘બી’ ડિવિઝન પોલીસની આ ત્વરિત અને પ્રશંસનીય કામગીરીની સર્વત્ર સરાહના થઈ રહી છે.ગાંધીધામ પૂર્વ ‘બી’ ડિવિઝન પોલીસે સફળતાપૂર્વક આટલો મોટો મુદ્દામાલ જપ્ત કરીને દારૂ માફિયાઓ પર પ્રહાર કર્યો છે, ત્યારે હવે આ તપાસ વધુ ઊંડાણપૂર્વક ચાલે અને કાળા કારોબારના મૂળ સુધી
પહોંચીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્પષ્ટ અપેક્ષા સેવાઈ રહી છે.
...........
જનતાનો સ્પષ્ટ અવાજ : કડક દાખલો બેસાડો !
ગાંધીધામ : જો ગાંધીધામ પોલીસ ખરેખર દારૂબંધીનો કડક અમલ કરાવવા માંગતી હોય, તો આરોપીઓ ચંદન ગુપ્તા અને રાહુલસિંહ જાડેજા સામે પાસા અને તડીપાર ની આકરી કાર્યવાહી કરવી જ પડશે. જો આમ કરવામાં નહીં આવે, તો જનતામાં એ મેસેજ જશે કે આ માત્ર ‘બતાવવાના દાંત’ છે અને પડદા પાછળ ખેલ ચાલુ જ રહેશે!CDR તપાસમાં કોના-કોના નામ ખુલશે?• સવાલઃ શું પોલીસ આરોપી ચંદન ગુપ્તાના કોલ ડિટેલ્સ રેકોર્ડ ની નિષ્પક્ષ તપાસ કરવાની હિંમત બતાવશે? •સવાલઃ ચંદનના સંપર્કમાં રહેલા કયા-કયા ખાખીધારીઓ તેની પાસેથી નિયમિત સેક્શન કે તગડી લાંચ ઉઘરાવતા હતા, તેમના નામ જાહેર થશે કે પછી મામલો રફેદફે કરી દેવાશે? •સવાલઃ અડધા કરોડનો દારૂ ભરેલું આખેઆખું ટેન્કર ગાંધીધામની સરહદમાં ઘૂસી જાય ત્યાં સુધી કોઈને ખબર કેમ ન
પડી? •સવાલઃ આટલી મોટી દારૂની લાઈન ચંદન ગુપ્તા બિન્દાસ રીતે ચલાવી રહ્યો હતો, તો તેની પાછળ કયા ‘મોટા આકાઓ’નો આશીર્વાદ હતો? •સવાલઃ વિસ્તારમાંથી કોઈ નાના-મોટા કટકીબાજોને સેક્શન નથી જતા એ વાત સ્પષ્ટ હોય, તો પછી હપ્તાની આ મોટી રકમો કોના ખિસ્સામાં જતી હતી? •સવાલઃ રિમાન્ડ દરમિયાન માત્ર દારૂ લાવનાર ડ્રાઇવર સુધી જ તપાસ સીમિત રહેશે કે દારૂનો વેપાર કરાવતા ‘સફેદપોશ’ આકાઓ સુધી પણ પોલીસના હાથ પહોંચશે?• સવાલ : અગાઉ પણ મીઠીરોહાર અને
પડાણા જેવા વિસ્તારોમાં કરોડોના દારૂના કેસોમાં જેનું નામ ઊછળ્યું છે, તેવો રીઢો બુટલેગર ચંદન ને કડક સબક કેમ નહિ? •સવાલઃ આવા કાયમી ધોરણે ગુના આચરતા તત્વો સામે પાસા નું શસ્ત્ર ઉગામીને તેને રાજ્ય બહાર કે દૂરની જેલમાં ધકેલી કેમ નથી દેવાતો? •સવાલઃ સમગ્ર ગાંધીધામ અને કચછ જિલ્લાની શાંતિ હણતા આ બુટલેગરને તાત્કાલિક હદપાર (તડીપાર) કરવાની મજબૂત દરખાસ્ત કેમ તૈયાર કરવામાં આવતી નથી?
.........
CDR ની તપાસ અને
ખાખીધારીઓ ની સંડોવણી ચકાસો
ગાંધીધામ : બુટલેગર ચંદન અને તેના સાગરીતોના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે તેમના કોલ ડિટેલ્સ ની ઊંડાણપૂર્વક ચકાસણી કરવી અત્યંત જરૂરી છે. * કયા કયા ખાખીધારીઓ કે કર્મચારીઓ આ ચંદન પાસેથી દારૂના સેક્શન કે તગડા હપ્તા ઉઘરાવતા હતા? * આટલા મોટા કારોબારમાં પડદા પાછળ બીજા કયા આકાઓ સંકળાયેલા છે? આ તમામ વિગતો પોલીસ રિમાન્ડ દરમિયાન બહાર આવે તેવી લોકમાગ ઉઠી રહી છે.
........
બન્દાસ ચાલતી દારૂની લાઈન અને ‘મહેરબાની’ સામે સવાલો
ગાંધીધામ : ગાંધીધામ વિસ્તારમાં લાંબા સમયથી બુટલેગર ચંદન દ્વારા દારૂનું વિશાળ નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. આટલી મોટી લાઈન સાથે બિન્દાસ દારૂનો કારોબાર ચલાવતો આ જૂનો બુટલેગર કોની મહેરબાનીથી આટલો બેફામ બન્યો હતો અને કોની સાથે મોટું ‘સેટિંગ‘ ધરાવતો હતો તે બાબત હવે ચર્ચાનો વિષય બની છે.
.........
અગાઉના ગુનાઓ અને ‘પાસા’ કે ‘તડીપાર’ની કડક માંગ
ગાંધીધામ : ઉલ્લેખનીય છે કે, ‘બી’ ડિવિઝન વિસ્તારમાં અગાઉ પણ મેથી રોડ અને ભડાણા સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં દારૂના કેસો નોંધાયેલા છે. જાણકારોના જણાવ્યા મુજબ જો આ ચંદન સામે અગાઉ પણ કેસો થયેલા હોય, તો માત્ર ધરપકડથી સંતોષ માનવાને બદલે તેની સામે પાસા અથવા તડીપાર જેવા આકરા કાયદાકીય પગલાં ભરવા જોઈએ.
..........
ગાંધીધામ હાઈવે પર ટેન્કરના ચોરખાનામાંથી ૮૧ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
બી ડિવિઝન પોલીસની ગણનાપાત્ર કાર્યવાહી; રાજસ્થાનથી લાવવામાં આવતો દારૂનો જથ્થો ઝડપી પડ્યો, ટેન્કર ચાલક ઝડપાયો, ત્રણ આરોપી વોન્ટેડ
ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓને નેસ્તનાબૂદ કરવા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ હેઠળ ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. મચ્છુનગર રોડ વિસ્તારમાં બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં ટેન્કરના ઓઈલ ટાંકીમાં ખાસ બનાવેલા ગુપ્ત ચોરખાનામાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહીમાં અંદાજે ૮૧.૧૩ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન તેમજ નાયબ
પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાના
નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મચ્છુનગર રોડ પરથી GJ-33-T-5925 નંબરનું ટેન્કર અટકાવી પોલીસ સ્ટેશન ખાતે તેની સઘન તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન ટેન્કરના ઓઈલ ભરવાના ખાનામાં અત્યંત ચાલાકીપૂર્વક અલગ-અલગ ગુપ્ત ચોરખાના બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હજારો બોટલો મળી આવી હતી. પોલીસે સમગ્ર જથ્થો કબજે કરી ટેન્કર ચાલકની
ધરપકડ કરી હતી.પકડાયેલા આરોપીની ઓળખ મોટારામ પુનમારામ જાટ (રહે. કંકરાલા, જિલ્લો બાડમેર, રાજસ્થાન) તરીકે થઈ છે. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર પવનસિંગ મહેચ્છા (બાડમેર) તેમજ દારૂ મંગાવનાર ચંદન ગુપ્તા અને રાહુલસિંહ જાડેજા (બંને રહે. મેઘપર બોરીચી) સામે પણ પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.કાર્યવાહીમાં ૨૧,૮૮૮ બોટલ (૧૮૦ મી.લિ.), ૮૪૦ બોટલ (૩૭૫ મી.લિ. રોયલ સ્ટેગ), એક ટેન્કર અને બે મોબાઇલ ફોન સહિત કુલ ૮૧,૧૩,૯૮૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ સફળ કામગીરી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા, પી.એસ.આઈ. એલ.એન. વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત રીતે પાર પાડી હતી.
.......

Comments