ગાંધીધામમાં અમી છાંટણામાં જ ‘પ્રિ-મોન્સૂન’ કામગીરીની પોલ ખુલીઃ ઠેકેદારો અને એન્જિનિયરોની મિલીભગત સામે રોષ
નવી ચૂંટાયેલી બોડીના હોદ્દેદારો પ્રજાની સેવામાં રાત-દિવસ એક કરી રહ્યા છે : જ્યારે મનપાના એન્જિનિયરો ભાગબટાઈમાં મસ્ત હોવાનો લોકઆક્ષેપ
ગાંધીધામ : ગાંધીધામ સંકુલમાં ગઈકાલે માત્ર સામાન્ય વરસાદી આંકડા કે અમી છાંટણા જેવો જ વરસાદ વરસ્યો હતો. હજુ તો ચોમાસાએ પોતાના અસલી તેવર પણ દેખાડ્યા નથી, ત્યાં જ પાલિકા/મનપાના બની બેઠેલા એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ ગઈ છે. માત્ર હળવા વરસાદી ઝાપટાંમાં જ શહેરના માર્ગો પર પડેલા ખાડાઓ અને વરસાદી નાળાઓની અવ્યવસ્થાએ વાહનચાલકો તથા પ્રજાજનો માટે મોટો અડચણરૂપ કોયડો ઊભો કરી દીધો છે.એક તરફ નવી ચૂંટાયેલી બોડીના પદાધિકારીઓ પ્રજાજનોને ચોમાસા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોતે રૂબરૂ સ્થળ પર દોડી જઈ રાત-દિવસ પરિશ્રમ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ, સંકુલના કેટલાક અધિકારીઓ અને એન્જિનિયરો ઠેકેદારો (કોન્ટ્રાક્ટરો) સાથે મિલીભગત રચીને માત્ર ભાગબટાઈ કરવામાં જ વ્યસ્ત હોય તેવી ગંભીર સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે.“સામાન્ય વરસાદમાં જ રોડ-રસ્તાઓ ધોવાઈ જવા, વરસાદી નાળાઓ ચોકઅપ થઈ જવા અને રસ્તા પરના ખાડાઓને કારણે વાહનો વૃક્ષો સાથે અથડાઈ જવા જેવા અકસ્માતો સર્જાવા લાગ્યા છે. જેને પગલે પ્રશ્ન ઊભો થાય છે કે તંત્ર દ્વારા કાગળ પર દર્શાવવામાં આવેલી ‘પ્રિ-મોન્સૂન કામગીરી’ આખરે ગઈ ક્યાં?શહેરના જાગૃત નાગરિકો અને લોકમુખેથી ચર્ચા થઈ રહી છે કે હજુ જો ભારે વરસાદી હેલી શરૂ થશે તો સંકુલની હાલત વધુ બગડશે. આથી, પ્રજાહિત માટે સતત દોડધામ કરતી નવી બોડીના પદાધિકારીઓ આવા નિષ્કાળજી દાખવતા બની બેઠેલા એન્જિનિયરો અને ભ્રષ્ટ મિલીભગત ધરાવતા તત્વો સામે આકરાં પગલાં ભરી યોગ્ય
પાઠ ભણાવે તે અત્યંત જરૂરી બન્યું છે.

Comments