રાપર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની કારોબારીની રચના, અધ્યક્ષ પદે ભાવસિંહ ઝાલાની વરણી
ગાંધીધામ - કચ્છઉદય : શિક્ષકોના પ્રશ્નો અને હિતો માટે સતત કાર્યરત ‘પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ - ગુજરાત’ સંલગ્ન કચ્છ જિલ્લાના ઘટક રાપર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘને વધુ મજબૂત અને વેગવંતુ બનાવવાના હેતુથી સંગઠનની નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી. પ્રાંત અને જિલ્લા કક્ષાના વરિષ્ઠ હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક સંપન્ન થઈ હતી. વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આ નૂતન કારોબારીમાં રાપર તાલુકાના અધ્યક્ષ તરીકે ભાવસિંહ ઝાલા અને મહામંત્રી તરીકે વિષ્ણુભાઈ ચૌધરીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સંગઠન મંત્રી તરીકે અભિજીતભાઈ ઝા, વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે ભાઈલાલ જોષી અને કોષાધ્યક્ષ તરીકે ભરતભાઈ ગામોટને જવાબદારી સોંપાઈ હતી. સંગઠનના કાર્યોમાં દરેક શિક્ષક ઉત્સાહપૂર્વક જોડાય અને તાલુકાના પે-સેન્ટર વાઇઝ તમામ શિક્ષકોને પૂરતું પ્રતિનિધિત્વ મળી રહે તે માટે અન્ય કારોબારી સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી હતી.
આ પ્રસંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજય ઉપાધ્યક્ષ ગઢવી, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજય મંત્રી રમેશભાઈ ગાગલ, રાજય પ્રતિનિધિ રામસંગજી જાડેજા, માધ્યમિક સંવર્ગ જિલ્લા અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ જાડેજા,પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જિલ્લા અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા, મહામંત્રી મયુરભાઇ પટેલ,સંગઠન મંત્રી રમેશભાઈ મઢવી,પ્રચાર પ્રમુખ તરુણ શાહ અને કાર્યાલય મંત્રી વશરામભાઈ આહીર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ નવનિયુક્ત હોદ્દેદારોને શિક્ષકો અને સંગઠનના હિતમાં શ્રેષ્ઠ કાર્ય કરવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ તરુણ શાહની યાદીમાં જણાવાયું હતું.
-----

Comments