ભારે વરસાદની આગાહીના પગલે અધિકારીઓને એલર્ટ રહેવા જિલ્લા કલેક્ટરની તાકીદ
કલેક્ટર અનિલ રાણાવસિયાએ બેઠક યોજી : અતિ ભારે વરસાદની ચેતવણી હોય નાગરિકોને બહાર નહીં નીકળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા જિલ્લા કલેક્ટરનો અનુરોધ
ભુજ - કચ્છઉદય : જિલ્લા સેવા સદન ભુજ ખાતે આગામી ભારે વરસાદની આગાહીના પગલે વહીવટીતંત્રની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ બેઠક બોલાવી હતી.કલેક્ટરે કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી હોય તમામ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી હતી.
કલેક્ટરે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ પ્રાંત અધિકારીઓ, તમામ મામલતદાર સાથે વાત કરીને હાલની વર્તમાન પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. જિલ્લા કલેક્ટરે કચ્છના સરહદી વિસ્તાર સહિત તમામ તાલુકામાં અતિ ભારે વરસાદની સંભાવનાના પગલે આગોતરું આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત રૂટિન કામગીરીમાં ડિ-વોટરિંગ, ટ્રી ટ્રીમિંગ, પ્રવાસી સ્થળોને બંધ કરાવવા, એનડીઆરએફ - એસડીઆરએફ ટીમના ડિપ્લોયમેન્ટ, ભારે વરસાદની પરિસ્થિતિ વખતે સ્થળાંતર માટેની પૂર્વ તૈયારીઓ, રોડ રિસ્ટોરેશનની યુદ્ધના ધોરણે કામગીરી, નાગરિકોને મીડિયાના માધ્યમથી સચેત રાખવા, બંધ રસ્તાઓ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા સહિતની બાબતો અંગે સંબંધિત અધિકારીઓ જરૂરી સૂચનાઓ આપી હતી. અતિ ભારે વરસાદની આગાહી હોય નાગરિકોને વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ પાલન કરવા જિલ્લા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, જોખમી કૉઝ-વે, નાળાઓ, પાપડી, રસ્તાઓ કે વરસાદી પાણીમાં ઉતરવાનું જોખમ નહીં ખેડવા નાગરિકોને જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયા, અધિક કલેક્ટર પ્રણવ વીઠાણી, ડિઝાસ્ટર મામલતદાર પ્રકાશ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
---------
૧૦૮ સેવા ઓક્સિજન, પૂરતી દવાઓ અને સંસાધનો સાથે સુસજજ
ભુજ - કચ્છઉદય : કચ્છમાં ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને કલેક્ટરની સુચના અનુસાર જિલ્લાની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સને એલર્ટ પર મૂકવામાં આવી છે. ઇન્જેક્શનની ઉલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે. તેમજ પ્રસુતિ કીટ, ઈમરજન્સી દવાઓ અને ઑક્સિજન સહિત ડીઝલના પુરતાં જથ્થો અંગે પુષ્ટિ કરવામાં આવી છે. દરેક કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે અને હેડ ક્વાર્ટરમાં રહેવાની સુચના આપવામાં આવી છે.આ સાથે જિલ્લાના નાગરિકો માટેની ૧૦૮ સેવા દ્વારા અપીલ તેમજ સૂચનાઓ જાહેર કરી છે. જે અંતર્ગત નાગરીકોએ વરસાદ દરમિયાન સલામત સ્થળે સ્થળાંતર થઈ જવું જોઈએ. સગર્ભા માતા અને નવજાત શિશુની ખાસ કાળજી રાખવી. વરસાદ દરમિયાન અજાણ્યાં રોડ કે વિસ્તારમાં અવરજવર ન કરવી. નદી, નાળા કે ડેમ વિસ્તારમાં અવરજવર ન કરવી. પશુને બાંધી રાખવા નહીં. આગાહીની પરિસ્થિતિમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જે પ્રસુતાઓની પ્રસુતિની તારીખ નજીક છે, તેઓનો વ્યક્તિગત સંપર્ક કરવામાં આવ્યો છે, ઇમરજન્સીની સ્થિતિ સર્જાય તો આરોગ્ય વિભાગ તેમને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવા સજ્જ છે.
વધુમાં વીજળીથી બચવા સલામત સ્થળ અને પાકા મકાન ઉપર રહેવાનું પસંદ કરો. સગર્ભા માતાની પ્રસૂતિ નજીકના દિવસોમાં હોય તો વહેલાં તે પહેલાંના ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવી જોઈએ. કોઈ પણ આકસ્મિક ઘટનામાં ગભરાયા વગર ૧૦૮ સેવા અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરવો. હાથ બત્તી, મોબાઇલને પૂરતી ચાર્જ કરીને રાખવી. વૃક્ષો કે નબળી જમીન ઉપર ઉભા ન રહેવું. નીચાણવાળા વિસ્તારમાં લોકોએ જિલ્લા વહીવટી તંત્રના સંપર્કમાં રહેવું. આકસ્મિક સંજોગોમાં ચોક્કસ માહિતી જિલ્લા વહીવટી તંત્રને આપવી. ખોટી અફવાઓને પ્રોત્સાહન ન આપવું અને તેનાથી દૂર રહેવું. વૃદ્ધ, સગર્ભા અવસ્થા મહિલાઓ, નવજાત શિશુ વરસાદ દરમિયાન પ્રવાસ કરવાનું ટાળવો જોઈએ. કોઈ આરોગ્ય સબંધિત તકલીફ પડે તરત ૧૦૮ સેવા નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.
-----
રાપર - નખત્રાણામાં ૩ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં વરસાદના કારણે માર્ગ-મકાન વિભાગ દ્વારા નાગરિકોની સલામતી હેતુ રાપરનો જટાવાડા જીલારવાંઢ રોડતથા બેલા સુકનાવાંઢ રોડ બંધ કરવામાં આવ્યો છે. કોઝવે ઉપરથી પાણી ઓવરટોપિંગ થવાના કારણેજ્યાં સુધી સ્થિતિ પુર્વવત ન થાય ત્યાં સુધી નાગરિકો બંધ કરાયેલા રસ્તાના વિકલ્પમાં આંતરિક કાચા રસ્તાનો ઉપયોગ કરી શકશે. નખત્રાણા તાલુકામાં વેડહાર ફુલાય રોડને બંધ કરવામાં આવતા નાગરિકો વૈકલ્પિક રસ્તા તરીકે ફુલાય અજૂરીયાવાંઢ મોતીચૂર રોડનો ઉપયોગ કરી શકશે.
------
વરસાદની આગાહી વચ્ચે નાગરિકો માટે સલામતી અને સૂચિત કાર્યવાહી અંગેની મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર
ભુજ - કચ્છઉદય : વર્તમાન સમયમાં વરસાદી ઋતુ અને ભારે વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે સલામતી અને સૂચિત કાર્યવાહી માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી જણાય છે. આવા સમયમાં બિનજરૂરી મુસાફરી ટાળો અને લોકોએ ખાસ કરીને પૂરગ્રસ્ત અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવું. કોઈપણ મુસાફરી પહેલાં ટ્રાફિકની સ્થિતિ તપાસો. પ્રવાસ શરૂ કરતાં પહેલાં ટ્રાફિકની સ્થિતિ અને માર્ગ સંબંધિત સૂચનાઓ અવશ્ય ચકાસો.
ભારે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહો. પાણી ભરાયેલા રસ્તા, અંડરપાસ અથવા ઝડપથી વહેતા પાણીમાંથી ચાલીને કે વાહન ચલાવીને પસાર થવાનો પ્રયાસ ન કરો. તેમજ નદી, નાળા અને પાણીના સ્ત્રોતોથી દૂર રહો. નદી કિનારા, નાળા, ગટર તથા પાણીનું સ્તર વધી રહ્યું હોય તેવા અન્ય જળાશયોથી દૂર રહેવું. જોખમી સ્થળોએ આશરો ન લો. ભારે વરસાદ દરમિયાન વૃક્ષોની નીચે, વીજ પોલની નજીક અથવા અસ્થિર ઇમારતો / માળખાં નીચે આશરો ન લો. આ સમયગાળા દરમિયાન ખેડૂતોએ ખેતરોમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી તથા પાક, પશુધન અને ખેતીના સાધનોનું રક્ષણ કરવું. તાત્કાલિક જરૂરિયાતની સામગ્રી તૈયાર રાખો. જેમાં સૂકો નાસ્તો, પીવાનું ચોખ્ખું પાણી, જરૂરી દવાઓ, ટોર્ચ, બેટરી, પાવર બેંક, ચાર્જિંગ કેબલ, મીણબતી, બાકસ, લાઇટર, વ્હિસલ /સીટી, હેન્ડ સેનિટાઈઝર, જરૂરી ડોક્યુમેન્ટસ, કેશ વગેરે વોટરપ્રૂફ બેગમાં તૈયાર રાખવા.
આવા સમયમાં મોબાઈલ ફોન સંપૂર્ણ ચાર્જ રાખવો અને આપતકાલીન સંપર્ક નંબરો સરળતાથી ઉપલબ્ધ રાખવા. તેને અલગથી એક વૉટરપ્રૂફ ડાયરીમાં લખીને તૈયાર રાખવા. તમામ નાગરિકોએ આ તકે "સજ્જ રહો, સુરક્ષિત રહો’’ ના મંત્રને અપનાવીને સરકારી સૂચનાઓનું પાલન કરવું, સુરક્ષિત સ્થળ ઉપર સ્થળાંતર કરવું જોઈએ અને જિલ્લા વહીવટી તંત્રને સાથ સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવી છે.
---------
ચોમાસામાં નિયંત્રિત ગતિ, ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી
પેટા :
ભીના રસ્તા પર અચાનક બ્રેક મારવાનું ટાળો : ગતિ મર્યાદિત રાખવી અને વાહનની સ્થિતિ ચકાસવી : વરસાદી ધૂંધળા વાતાવરણમાં દિવસ દરમિયાન પણ વાહનની હેડલાઇટ ચાલુ રાખવી
ભુજ - કચ્છઉદય : ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે. વરસાદી મોસમમાં ભીના રસ્તાઓ અને ઓછી વિઝિબિલિટીના કારણે માર્ગ અકસ્માતોનું જોખમ વધી જતું હોય છે. આ સ્થિતિમાં વાહન ચાલકોએ વિશેષ કાળજી રાખવી જરૂરી છે. ભીના રસ્તા પર ટાયર અને રોડ વચ્ચેનું ઘર્ષણ ઘટી જાય છે. આથી વાહન નિયંત્રિત ઝડપે જ ચલાવવું. વાહન સ્લિપ થતું અટકાવવા અચાનક બ્રેક મારવાને બદલે ધીમેથી બ્રેકનો ઉપયોગ કરવો અને આગળ ચાલતા વાહનથી સલામત અંતર જાળવવું.રસ્તા પર વધુ પાણી ભરાયેલું હોય ત્યાં વાહન પૂરઝડપે ચલાવવું નહીં. પાણીના ઝડપી પ્રવાહથી એન્જિનમાં પાણી જવાનો ભય રહે છે તથા બ્રેક ફેઇલ થવાનું જોખમ પણ ઊભું થાય છે. ઘસાઈ ગયેલા ટાયર ભીના રસ્તા પર તુરંત ગ્રીપ ગુમાવે છે. ચોમાસા દરમિયાન ટાયરમાં પૂરતી ગ્રીપ હોય અને હવાનું યોગ્ય પ્રેશર જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવું. ભારે વરસાદમાં આગળનો રસ્તો સ્પષ્ટ દેખાય તે માટે કારના વાઇપર્સ યોગ્ય રીતે કાર્યરત હોવા જરૂરી છે. કારના કાચ પર અંદરથી જામતી ઝાકળ સાફ કરવા કારના ડિફોગર કે એસીનો ઉપયોગ કરવો જોઈએ, વરસાદી ધૂંધળા વાતાવરણમાં દિવસ દરમિયાન પણ હેડલાઇટ ચાલુ રાખવી, જેથી સામેથી આવતા વાહનોને તમારું વાહન સ્પષ્ટ દેખાઈ શકે. ઝાંખી કે પીળી પડી ગયેલી લાઇટો સમયસર બદલવી હિતાવહ છે.મુસાફરી દરમિયાન આપત્તિની સ્થિતિને પહોંચી વળવા વાહનમાં ટોર્ચ, ફર્સ્ટ-એઈડ કીટ, જરૂરી ટૂલ્સ, રેઈનકોટ સહિતની વસ્તુઓ સાથે રાખવી. મેઘમહેર વચ્ચે માર્ગ સલામતી જાળવવી એ દરેક વાહનચાલકની પ્રાથમિક ફરજ છે. ચોમાસામાં નિયંત્રિત ગતિ, ટ્રાફિક નિયમોનું પાલન અને જરૂરી તકેદારી અપનાવી સુરક્ષિત માર્ગવ્યવહારને પ્રોત્સાહન આપવું જોઈએ.
-------
ચોમાસાની ઋતુ દરમિયાન આરોગ્ય અંગે સાવચેતી રાખવા જિલ્લા આરોગ્ય તંત્રની અપીલ
પાણી સંગ્રહના સ્થળોએ પાણીનો નિકાલ કરવો તથા નિયમિત પાણીના ટાંકા, કૂલર તથા અન્ય વાસણો સાફ કરવા
ભુજ - કચ્છઉદય : ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદને કારણે પાણી ભરાવા, ભેજ અને મચ્છરોના ઉપદ્રવમાં વધારો થવાથી ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા-ઉલટી, ટાઈફોઈડ, કમળો સહિત પાણીજન્ય અને વાહકજન્ય રોગો ફેલાવાની સંભાવના વધી જાય છે. આથી કચ્છ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને આરોગ્ય પ્રત્યે વિશેષ સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવે છે.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં જરૂરી દવાઓ, નિદાન અને સારવારની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉપરાંત ગામડાં તથા શહેરી વિસ્તારોમાં મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે સર્વેલન્સ, લાર્વા નિયંત્રણ, ફોગિંગ તેમજ જનજાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓ સતત હાથ ધરવામાં આવી રહી છે.
ચોમાસાની ઋતુ દરમિયાન દરેક નાગરિકોએ માત્ર ઉકાળેલું અથવા શુદ્ધ પીવાનું પાણી જ વાપરવું, તાજું અને સ્વચ્છ ભોજન લેવું તેમજ ખુલ્લામાં વેચાતી ખાદ્ય વસ્તુઓનું સેવન ટાળવું, ઘરની આસપાસ તેમજ પાણી સંગ્રહના સ્થળોએ પાણી ભરાઈ રહેવા ન દેવું અને દર અઠવાડિયે પાણીના ટાંકા, કૂલર તથા અન્ય વાસણો સાફ કરવા, મચ્છરથી બચવા સંપૂર્ણ બાંયના કપડાં પહેરવા, મચ્છરદાની અથવા મચ્છર પ્રતિરોધક સાધનોનો ઉપયોગ કરવો, ભોજન પહેલા અને શૌચક્રિયા બાદ સાબુથી હાથ ધોવાની ટેવ રાખવી, તાવ, ઝાડા-ઉલટી, શરીરમાં દુખાવો અથવા અન્ય અસામાન્ય લક્ષણો જણાય તો સ્વયં દવા લેવાને બદલે નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક તપાસ અને સારવાર લેવી,
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય સાવચેતી અને સ્વચ્છતા જાળવવાથી મોટાભાગના ચેપી રોગોથી બચી શકાય છે. દરેક નાગરિકે પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવાની સાથે સમયસર આરોગ્ય સેવાઓનો લાભ લેવો જોઈએ. જિલ્લા આરોગ્ય તંત્ર તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. વરસાદી ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું જોખમ વધતું હોવાથી કોઈપણ પ્રકારનો તાવ, ઝાડા-ઉલટી, સતત ઉલટી, કમળો અથવા અન્ય ચેપી રોગના લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વિના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. સાથે જ ઘરની આસપાસ પાણી ભરાઈ રહેવા ન દેવું, મચ્છરોના પ્રજનન સ્થાનોનો નાશ કરવો, વ્યક્તિગત તથા સામૂહિક સ્વચ્છતા જાળવવી અને આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ નાગરિકોને સતર્ક રહી ચોમાસાની ઋતુ દરમિયાન સ્વચ્છતા જાળવવા, મચ્છરજન્ય તથા પાણીજન્ય રોગોથી બચવા જરૂરી તકેદારી રાખવા અને સ્વસ્થ, સુરક્ષિત તથા રોગમુક્ત કચ્છના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવે છે.
-------

Comments