ધ્રબ ગામે રૂ.૬૪.૬૮ લાખની સરકારી જમીન પરથી દબાણ દૂર
દબાણકર્તાએ સ્વેચ્છાએ હટાવ્યું બાંધકામ
મુંદરા - કચ્છઉદય : તાલુકાના ધ્રબ ગામે સરકારી કિંમતી જમીન પર થયેલું ગેરકાયદેસર દબાણ શનિવારે દૂર કરવામાં આવ્યું હતું. મામલતદાર કચેરી દ્વારા હાથ ધરાયેલી કાયદેસરની કાર્યવાહી બાદ દબાણકર્તાએ સ્વેચ્છાએ બાંધકામ હટાવી દીધું હતું. ત્યારબાદ જમીનનો કબજો સરકાર દ્વારા પોતાના હસ્તક લેવામાં આવ્યો હતો.મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા જણાવાયું હતું કે ધ્રબ ગામની સર્વે નં. ૧૬૯ પૈકીની ૯૮૦ ચોરસ મીટર સરકારી જમીન પર પરવાનગી વિના વાણિજ્ય હેતુસર લોખંડના પતરાની બાઉન્ડ્રી અને એક દુકાનનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ મામલે જ.મ.કા.ક.-૬૧ હેઠળ કાર્યવાહી કરીને સંબંધિત પક્ષને રજૂઆતની સંપૂર્ણ તક આપવામાં આવી હતી. ત્યારબાદ દબાણ દૂર કરવાનો હુકમ કરાયો હતો. શનિવારે કલેક્ટર કચ્છના માર્ગદર્શન અને મુંદરા પ્રાંત અધિકારીની દેખરેખ હેઠળ મામલતદારની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ દરમિયાન દબાણકર્તાએ સ્વેચ્છાએ ગેરકાયદેસર બાંધકામ દૂર કરતાં સમગ્ર ૯૮૦ ચોરસ મીટર જમીન સરકારના કબજામાં લેવામાં આવી હતી. જંત્રી દર મુજબ આ જમીનની અંદાજિત બજાર કિંમત રૂ.૬૪.૬૮ લાખ હોવાનું તંત્રએ જણાવ્યું છે.
------

Comments