ગાંધીધામની નવી મનપા બોડીને બદનામ કરવાનું કૌતુક કાવતરું? ક્યાં ‘રહી ગયેલા તત્વો’ ના પેટમાં તેલ રેડાયું!
પહેલા શહેરમાં માળખાગત સુવિધાઓ તો ઉભી કરો, પછી આજીવન-વાહન વેરાનો વિચાર કરજો!
બિનજરૂરી આજીવન વેરા વધારાનું ગતકડુંઃ વર્તમાન પ્રજાભિમુખ બોડીની છબી ખરડવાનો ખેલ? : માળખાગત સુવિધાઓના નામે મીંડુ અને વેરા વધારવાની ઉતાવડ પાછળનું રહસ્ય શું? શહેર હજુ વિકાસના પ્રારંભિક તબક્કામાં પગરણ માંડયા છે, અનેકવિસ્તારમાં રોડ-રસ્તા, સફાઈ, દબાણો, પાર્કીંગ, ગટર, ટ્રાફિક મેનેજમેન્ટ સહિતના પ્રશ્નો મો ફાડીને તંત્રની સામે ઉભા છે, લોકોને પરેશાન કરી રહ્યા છે, આવી સ્થિતીમાં સુવિધાઓ વધારવાના બદલે અસુવિધાઓના ભરડાની વચ્ચે ટેક્ષપેયર નાગરીકો પર વેરાનો બોજ વધારવાનો નિર્ણય તદન ગેરવ્યાજબી જ છે.
શહેરમાં પાણી, સફાઈ, ગટર, ટ્રાફિક, પાર્કીંગ, દબાણો સહિતના મુદાઓ અદ્વરતાલ જ પડયા છે, પ્રાથમિક સુવીધાઓ અડધી અધુરી મળી રહી છે, તેવામાં વેરા વધારા કરાશે શેના પેટે? નવી બોડી ચેતે, જો આ વધારા થયા તો લોકરોષનો ચોકકસથી ભોગ બનવાનો વારો આવશે : જાણકારોની લાલબત્તી
કમિશ્નરશ્રીને શહેર-સંકુલમાં મોટરકાર અને વાહનો દેખાયા અને અદેખાઈ આવી કે શું? શહેર-સંકુલને સુવિધા આપવાને પ્રાથમિકતા દેવાના બદલે લુંટવાનું આયોજન જ આજીવન વાહન વેરો લગાડવાનું કર્યુ હોવાનો વર્તારો
ગાંધીધામ : શહેરમાં મનપાની રચના થયાને હજુ તો ગણતરીના દિવસો જ થયા છે. અધિકારીઓ હજુ સુધી શહેર અને તેની પ્રાથમિક સમસ્યાઓને પૂરેપૂરી સમજી પણ શક્યા નથી. પાણી, ગટર, વરસાદી નાળા, ટ્રાફિક અને દબાણો જેવા અતિ ગંભીર અને પ્રાથમિક પ્રશ્નો ‘જૈસે થે’ સ્થિતિમાં પડ્યા છે. અધિકારીઓ એક બાજુ કામ કરવા જાય છે ત્યાં બીજી તરફ નવી મોકાણ સર્જાય છે. આવી વણસેલી સ્થિતિ વચ્ચે અચાનક આજીવન વાહન-વેરા વધારાનો વિષય ક્યાંથી અને કેમ ઉછાળવામાં આવ્યો? તેને લઈને હવે શહેરમાં ભારે ગરમાવો આવી ગયો છે. રાજકીય અને સામાજિક ક્ષેત્રના જાણકારો સ્પષ્ટ કહી રહ્યા છે કે, વેરા વધારાનો આ આખો વિષય માત્ર ને માત્ર એક ‘ડીંડક’ ઉભું કરવા માટે જ લાવાયો હોય તેમ દેખાઈ રહ્યું છે. વર્તમાન સમયનીપ્રમાણિક, કર્મનિષ્ઠ અને કાર્યદક્ષ નવી બોડીની છબી પર છાંટા ઉડાડવા અને તેમની લોકપ્રિયતા તથા પ્રતિભા સામે સવાલો ઊભા કરવા માટે આ ગતકડું કોઈ આચરી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.સત્તા કે હોદ્દાથી ‘રહી ગયેલા’ તત્વોના પેટમાં ભારે તેલ રેડાયું છે! જેના કારણે નવી બોડીને પ્રજા સમક્ષ ખરાબ ચિતરવા માટે આવા ઉંબાડિયા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકો અને અભ્યાસુઓ સવાલ પૂછી રહ્યા છે કે, એવા કયા પેટભરા તત્વો છે જેઓ વેરા વધારા જેવી વર્તમાન સમયે તદ્દન મૂર્ખતાભરી પહેલ કરાવવાના નાટકોનો દોરીસંચાર કરી રહ્યા છે? સંકુલના ટ્રાન્સપોર્ટજગત, વેપારી આલમ દ્વારા લાઈફ ટાઈક વ્હીકલ ટેક્ષ સામે સંકુલની વિવિધ પ્રતિષ્ઠીત ૪૦થી વધુ જેટલી સંસ્થાઓએ એકસુરથી વિરોધ નોંધાવ્યો છે . તેમનુ સ્પષ્ટ કહેવુ છે કે વેપાર, ઉદ્યોગ, ઓટોમોબાઇલ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના ૪૦થી વધુ નાના-મોટા સંગઠનોએ એકસૂરે આ નોટિફિકેશનનો કડક વિરોધ કરે છે. વેપારીઓ અને નિષ્ણાતોની મુખ્ય દલીલ છે કે ડબલ ટેક્ષેશનનો બોજ વધશે. વાહન માલિકો પહેલેથી જ રોડ ટેક્સ, જીએસટી, રજિસ્ટ્રેશન ફી, ગ્રીન ટેક્સ અને ટોલ ટેક્સ ભરે છે. આ સ્થાનિક વેરો લાદવાથી પ્રજા અને વેપારીઓ પર બમણો આર્થિક બોજ આ નિર્ણયથી પડશે. ગુજરાતની ૧૭ મહાનગરપાલિકાઓમાંથી માત્ર ૪ જેટલી મનપામાં જ આ વેરો છે, ત્યારે ગાંધીધામમાં પહેલીવાર લાગુ કરવાનો પ્રયાસ અયોગ્ય છે. કચ્છ દેશના આશરે ૪૦% એક્સપોર્ટ-ઈમ્પોર્ટ વેપાર સાથે જોડાયેલું પોર્ટ-હબ છે. વધારાના વેરાથી ટ્રક/ટેન્કર ભાડા વધશે, ઓપરેશનલ ખર્ચ વધશે અને વેપારની સ્પર્ધાત્મકતા પર સીધી પ્રતિકૂળ અસર પડશે. એટલુ માત્ર જ નહી પણ આ પ્રકારના ઉતાવડીયા નિર્ણયથી વાહનોની ખરીદી-વેચાણ ઘટી શકે છે અને આ વેરાનો અંતિમ બોજ સામાન્ય ગ્રાહક પર જ પડશે. હકીકતમાં તો મનપાના વહીવટદારોએ આ પ્રસ્તાવિત વાહન વેરા અંગેનું નોટિફિકેશન તાત્કાલિક અસરથી રોકી દેવુ જોઈએ. અને વેપારી, ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને સામાન્ય નાગરિકો સાથે સંવાદ સાધીને જ આગળનો નિર્ણય લેવો જોઈએ. જો નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે, તો જનજાગૃતિ અભિયાન સાથે તમામ લોકશાહી અને કાયદાકીય પગલાં ભરવામાંની પણ ચીમકી અસરગ્રસ્તો ઉચ્ચારઈ રહી છે. આવી સ્થીતીમાં નવી ચુંટાયેલી બોડીએ વધારે વિવેકપૂર્વક વીચાર કરી અને પ્રજાના રોષનો ભોગ બનતા અટકવુ હોય તો આ નોટીફીકેશન અને આજીવન વ્હીકલ ટેક્ષની વાતનો વિચાર જ
હાલતુરંત પડતો મુકી દેવો જોઈએ.
......................
ગાંધીધામ મનપાની સ્થિતિઃ વેરા વધારા માટે હજુ કેટલું અને શું ખૂટે છે?
ગાંધીધામ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા (મનપા)માં રૂપાંતરિત થયાને હજુ ખૂબ ઓછો સમય થયો છે. હાલની વાસ્તવિકતા જોતાં ગાંધીધામમાં કાયદાકીય, તકનીકી અને નૈતિક રીતે વેરા વધારો કરવા માટે ઘણી બાબતો ખૂટે છેઃ ૧. કાયદાકીય અને સંગઠનાત્મક ત્રુટિઓ : જીપીએમસી એક્ટ હેઠળનો ડ્રાફ્ટ રૂલ્સઃ નગરપાલિકામાંથી મનપા બન્યા બાદ મનપાના પોતાના બાય-લોઝ અને કરવેરાના નીતિ-નિયમો કાયદેસર રીતે તૈયાર થઈને
પબ્લિશ થવાના બાકી છે. ચૂંટાયેલી વિધિવત બોડી અને જનરલ બોર્ડઃ હાલ મનપા નવી છે. કોઈપણ વેરા વધારા માટે સત્તાવાર જનરલ બોર્ડમાં ચર્ચા અને ઠરાવ થવો જરૂરી છે. ૨. જીઆઈએસ સર્વે અને પ્રોપર્ટી ટેક્સ રિ-એસેસમેન્ટનો અભાવ : મનપા બન્યા પછી સમગ્ર શહેર (ગાંધીધામ, આદિપુર અને ભચાઉ/કંડલા વિસ્તારના જોડાયેલા ભાગો)નો ય્ૈંજી (ર્ય્ીખ્તટ્ઠિરૈષ્ઠ ૈંહર્કદ્બિટ્ઠર્ૈંહ જીઅજીંદ્બ) બેઝ્ડ સેટેલાઈટ સર્વે થાય છે. કઈ મિલકત વાણિજ્યિક છે અને કઈ રહેણાંક છે, તેનું નવું વર્ગીકરણ અને રિ-એસેસમેન્ટ (પુનઃ મૂલ્યાંકન) હજુ બાકી છે. આ સર્વે વિના સરખો વેરો પણ આકારવો મુશ્કેલ છે. ૩. માળખાગત સુવિધાઓની મોટી ખોટ : વેરો એ ‘સેવાઓ’ના બદલામાં લેવાતો ચાર્જ છે. ગાંધીધામમાં હાલમાં જળબંબાકાર, ગટરના ઉભરાતા પાણી, તૂટેલા રસ્તા, પીવાના પાણીની અનિયમિતતા, અને રોડ પરના દબાણો જેવા પ્રાથમિક પ્રશ્નો વિકરાળ છે. નિયમની નૈતિકતાઃ જ્યાં સુધી મનપા પ્રજાને ‘મહાનગર’ કક્ષાની પ્રાથમિક સુવિધાઓ (સુએજ ટ્રીટમેન્ટ, રોડ નેટવર્ક, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ) પૂરી ન પાડે, ત્યાં સુધી મનપા કક્ષાનો વેરો વસૂલવો તદ્દન અયોગ્ય ગણાય. ૪. જાહેર સર્વસંમતિ અને વ્યાપારી સંસ્થાઓનો સહયોગ : ગાંધીધામ વેપાર અને ઉદ્યોગનું ધામ છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી જેવી અગ્રણી સંસ્થાઓના સજ્જડ વિરોધ વચ્ચે જો વેરા વધારવાનો પ્રયાસ થાય, તો તે કાનૂની અને સામાજિક ગૂંચવણો ઊભી કરે છે.
...................
પહેલા પ્રાથમિક સુવિધાઓ આપો,
પછી વેરા વધારાનો વિચાર કરજો
ગાંધીધામ : અભ્યાસુ અને લોકલક્ષી વિચારધારા ધરાવતી નવી બોડીએ આ સમગ્ર વિષય પર ઠંડા મગજે વિચારવાની જરૂર છે. શહેરમાં હાલ પ્રાથમિક સગવડો અને માળખાગત સુવિધાઓનો તદ્દન અભાવ છે. આવી સ્થિતિમાં જો વેરા વધારવાનો જરાય પણ વિચાર કરાશે તો પ્રજાનો ભારે રોષ વેઠવાનો વારો આવશે. કાર્યભાર સંભાળ્યાના ગણતરીના દિવસોમાં જ લોકરોષ વહોરવો પડે તેવા મૂર્ખામીભર્યા નિર્ણયોને હાલ તુરંત પડતા મૂકી દેવા એ જ સમયનો તકાજો છે.
.................
પ્રાથમિકતા શું હોવી જોઈએ?
* પાણી, ગટર અને સફાઈની કાયમી અને જડબેસલાક વ્યવસ્થા. * ટ્રાફિક,પાર્કીગ વ્યવસ્થા અને ગેરકાયદેસર દબાણો પર પરિણામલક્ષી કામગીરી. * પ્રજાજનોને સુવિધાઓ મળી રહી છે તેવું પ્રત્યક્ષ રીતે દેખાય તેવા કામો. હાલમાં શહેર-સંકુલની જે બદહાલ સ્થિતિ છે, તે જોતા તો વેરા વધારવાનો વિચાર માત્ર આવવો પણ તદ્દન અનુચિત અને અયોગ્ય છે.
.............
મનપા તંત્ર કાયદા/નિયમ અનુસાર વેરા વધારો ક્યારે કરી શકે?
ગુજરાતમાં મહાનગરપાલિકાઓ માટે ‘ધી ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ’ અમલી છે. આ કાયદા હેઠળ વેરા વધારવા કે નવો વેરો લાદવા માટે ચોક્કસ પ્રક્રિયા અને સમયમર્યાદા નક્કી કરવામાં આવેલી છેઃ
૧. જેટ સત્ર દરમિયાન મંજૂરી (વાર્ષિક પ્રક્રિયા)ઃ નિયમ મુજબ, દર વર્ષે ૨૦ ફેબ્રુઆરી
પહેલાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા આગામી નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર (બજેટ) સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવાનું હોય છે. જો વેરાના દરમાં ફેરફાર કે વધારો કરવો હોય, તો તે બજેટ દરખાસ્તમાં જ દર્શાવવો પડે છે અને સ્ટેન્ડિંગ કમિટી તથા જનરલ બોર્ડ (સામાન્ય સભા)ની મંજૂરી લેવી પડે છે. ૨. જાહેર વાંધા-સૂચનો : કોઈપણ નવો વેરો લાદતા કે દર વધારતા પહેલાં વર્તમાન કાયદા મુજબ પ્રજાજનો અને વેપારી મંડળો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવા પડે છે. તેના માટે ૧૫ થી ૩૦ દિવસનો સમય
આપવો પડે છે. ૩.સરકારશ્રીનું નોટિફિકેશનઃ જનરલ બોર્ડમાં ઠરાવ પસાર થયા બાદ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા તેની ગેઝેટ નોટિસ બહાર પડાયા પછી જ નવા દર અમલી બનાવી શકાય છે. ૪. મધ્યસત્રમાં સીધો વધારો અશક્યઃ વર્ષની વચ્ચે માત્ર એક સામાન્ય ઠરાવ કરીને પ્રજા પર રાતોરાત વેરા વધારો લાદી શકાતો નથી.
...............
૪૦થી વધુ મોભાદાર સંસ્થાઓનો વિરોધઃ નિર્ણય લેવાશે તો જનરોષ ભભૂકશે
ગાંધીધામ :આજીવન વાહન વેરા વધારાના આ વણમાગ્યા વિષયને લઈને શહેરની સૌથી પ્રતિષ્ઠિત અને મોભાદાર એવી વેપારી મહામંડળ (ચેમ્બર ઓફ કોમર્સ) સહિતની વિવિધ
વ્યાપારી અને સામાજિક સંસ્થાઓએ પણ પોતાના અનુભવના આધારે આકરા મતો રજૂ કરીને વિરોધ પ્રદર્શિત કર્યો છે.વેપારી આલમ અને પ્રજાજનોના સ્પષ્ટ વિરોધ છતાં જો તંત્ર કે સત્તાધીશો દ્વારા વેરા વધારવાનો કોઈ ભૂલભરેલો નિર્ણય લેવામાં આવશે, તો ચોક્કસપણે શહેરમાં જનરોષનો જ્વાળામુખી ભભૂકી ઉઠશે તેમ કહેવું જરાય અસ્થાને નથી.
...................
જો જો આ નિર્ણય ઉતાવળીયો-ભુલભરેલો સાબિત ન થાય.?
ગાંધીધામ મનપા માટે હાલમાં વેરા વધારો કરવો કાયદાકીય અને વ્યવહારિક બંને રીતે ઉતાવળિયું અને ભૂલભરેલું પગલું સાબિત થઈ શકે.મનપા તંત્રે હાલમાં વેરા વધારાની વાત બાજુ પર મૂકીને કામો પર પ્રાથમિક ધ્યાન આપવું જોઈએઃ ૧. શહેરના ડ્રેનેજ, રોડ અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ. ૨. મિલકતોનો જીઆઈએસ સર્વે કરી જૂના બાકી લેણાં અને બિન-અધિકૃત મિલકતોને કરવેરા હેઠળ આવરી લેવી (જેનાથી વેરાના દર વધાર્યા વગર પણ મનપાની આવક વધશે). ૩. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી વહીવટી માળખું મજબૂત કરવું.

Comments