ફોરેસ્ટ વિભાગના રોજમદાર કામદારોનો ઐતિહાસિક વિજય
૧૦૯૯ દિવસના અસાધારણ વિલંબના કારણે રાજ્ય સરકારની અપીલ ગુજરાત હાઈકોર્ટે ફગાવી
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા મજદૂર વિકાસ મંચ (ટ્રેડ યુનિયન)ના નેજા હેઠળ વર્ષોથી પોતાના હક માટે કાનૂની જંગ લડી રહેલા ગુજરાત સરકારના વન (ફોરેસ્ટ) વિભાગના રોજમદાર કામદારોને આખરે નિર્ણાયક અને ઐતિહાસિક ન્યાય મળ્યો છે. નામદાર ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે તારીખ ૨૦ જુલાઈના રોજ રાજ્ય સરકાર દ્વારા દાખલ કરાયેલી લેટર્સ પેટન્ટ અપીલ સાથે જોડાયેલી વિલંબ માફીની અરજી ૧૦૯૯ દિવસના અસાધારણ વિલંબ માટે પૂરતું અને વાજબી કારણ ન હોવાના આધારે રદ કરી દીધી છે. આ સાથે જ કામદારોની તરફેણમાં અગાઉ લેબર કોર્ટ દ્વારા અપાયેલો ચુકાદો હવે કાનૂની રીતે આખરી અને અમલપાત્ર બન્યો છે. વર્ષોથી અન્યાય અને અનિશ્ચિતતા સહન કરી રહેલા વન વિભાગના રોજમદાર કામદારોના અધિકારો પર આ ચુકાદાથી આખરી મહોર લાગી છે. તા. ૧૭.૧૦.૧૯૮૮ના ઠરાવ મુજબના કાયમી નોકરી અને એરિયર્સ સહિતના તમામ લાભો મેળવવાનો કામદારોનો હક હવે નિરુત્તર અને વિવાદરહિત બન્યો છે, જેનાથી સમગ્ર યુનિયન અને કામદારોમાં ભારે હર્ષ અને ઉત્સાહનો માહોલ છવાયો છે.
-----------

Comments