રાપર તાલુકામાં ચારથી પાંચ ઈચ વરસાદ થતાં આનંદની લાગણી
ગાંધીધામ - કચ્છઉદય : હવામાન વિભાગની આગાહી વચ્ચે ગત રાત્રે વાગડ વિસ્તારના રાપર તાલુકામા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, જેમાં તાલુકા મથક રાપરમા રાત્રે એક ઇંચ વરસાદ વરસ્યો હતો તો દિવસ દરમિયાન વરસાદના ઝાપટા વરસ્યા હતા, અંદાજે પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વાગડ વિસ્તારના રાપર તાલુકામા ખેડૂતોએ વાવેતર માટે ખેતર ખેડીને તૈયારી કરી હતી પરંતુ વરસાદ આવતો ન હતો આ વરસાદના લીધે ખેડૂતો તથા લોકોમા હરખની હેલી વ્યાપી હોવાનું ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ટેલિફોનિક મુલાકાતમા જણાવ્યું હતું.
કલ્યાણપરના સરપંચ ભાવનાબેન પરબતભાઈ કારોત્રાએ જણાવ્યું હતું કે, કલ્યાણપર, સલારી, ફતેહગઢ, શાનગઢ સહિતના ગામોમા વાવણી લાયક ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે, તો રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયાએ ગેડી, ફતેહગઢ, માંજુવાસ, થાનપર સહિતના વિસ્તારમા ત્રણ ઈંચથી વધુ વરસાદ થયો છે. રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પ્રવાસેથી આવેલ ધારાસભ્યના કાર્યાલય મંત્રી વિનુભાઈ થાનકીએ જણાવ્યું હતું કે, તાલુકાના બાલાસર, ધબડા, મૌવાણા, બેલા, આણંદપર, વ્રજવાણી, દેશલપર, રવ, રામવાવ, ખેંગારપર, ગવરીપર, આડેસર, માંજુવાસ, કુડા, લોદ્રાણી, નાગપુર, મોમાયમોરા, મોડા, કલ્યાણપર, નંદાસર, ખીરઈ, બાદરગઢ, ચિત્રોડ, ગાગોદર, મેવાસા, કાનમેર, પલાંસવા, આડેસર સહિતના વિસ્તારમા ચારથી પાંચ ઈંચ વરસાદ થયાનું અનુમાન જણાવ્યું હતું.
ખડીરના રતનપરના સરપંચ દશરથ આહિરના જણાવ્યા મુજબ ખડીરના ધોરાવીરા, રતનપર, અમરાપર, જનાણ, કલ્યાણપર સહિતના વિસ્તારમાં બે ઇંચથી વરસાદ વરસ્યો છે. રાપર તાલુકામાં ખેડુતોએ વાવણીની તૈયારી કરી લીધી છે. ઉઘાડ થતા વાવેતર કરવામાં આવશે, વાગડ સૌથી આગળ વરસાદમા પણ કચ્છમા આગળ કરી દીધું છે. કુંડા અને મોમાયમોરા મોડા વિસ્તારમાં વધારે વરસાદ હોવાથી નદી બંને કાંઠે વહેતી થતા વાહન વ્યવહાર બંધ કરવામા આવ્યો હતો.
-----

Comments