Trending News
ક્રાઈમ

૧૪ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને અંતિમ શ્વાસ સુધીની કેદ

24 July


ભુજની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને કડક સજા સાથે રૂ. ૫૦ હજારનો દંડ ફટકાર્યો : પીડિતાને રૂ. ૪ લાખનું વળતર ચૂકવવા હુકમ : પ્રોસિક્યુશન પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા અને પીડિતાના કાયદા સહાયક તરીકે એડવોકેટ માલશ્રીબેન ગઢવી અને ફરિયાદીના વકીલ તરીકે કાંતાબેન વેકરીયા હાજર રહી ધારદાર દલીલો કરી

ભુજ - કચ્છઉદય : ભુજ તાલુકાના સામત્રા ગામે રહેતી ૧૪ વર્ષ અને ૯ માસની સગીરાનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં ભુજના સ્પેશિયલ જજ જે. એ. ઠક્કરની અદાલતે ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી સાહીદ સલીમભાઇ બાફણ (ઉં.વ. ૨૦, રહે. મફતનગર, સામત્રા, તા. ભુજ) ને દોષિત ઠેરવીને અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા તથા રૂ. ૫૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે.
કેસની મળતી વિગતો અનુસાર, ૨૭ નવેમ્બર ૨૦૨૫ના રોજ માનકુવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ભોગ બનનાર સગીરા સાંજના સમયે સ્વામિનારાયણ મંદિરે જતી હતી ત્યારે આરોપીએ તેને રસ્તામાં રોકી ડરાવી-ધમકાવીને મોબાઇલ નંબર મેળવી લીધો હતો અને ઇન્સ્ટાગ્રામ મારફતે વાતચીત કરવા બળજબરી કરી હતી. ત્યારબાદ એક દિવસ સગીરા દર્શન કરીને પરત ફરી રહી હતી ત્યારે આરોપીએ તેનું બળજબરીપૂર્વક અપહરણ કરી ગામની મસ્જિદ નજીક આવેલ જૂના ખંડરમાં લઈ ગયો હતો. ત્યાં તેને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો.
આ બનાવ અંગે માનકુવા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ.એ. એમ. પટેલે તપાસ હાથ ધરી અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી. અદાલતમાં કેસ ચાલવા પર આવતા પ્રોસિક્યુશન તરફથી ૩૦ દસ્તાવેજી પુરાવા અને ૧૧ સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાને રાખીને નામદાર કોર્ટે પોક્સો એક્ટની કલમ ૫(એલ), ૬ મુજબ આરોપીને કસૂરવાર ઠેરવી અંતિમ શ્વાસ સુધીની કેદ અને રૂ. ૫૦,૦૦૦ના દંડની સજા સંભળાવી છે. આ ઉપરાંત બી.એન.એસ. ૨૦૨૩ની અન્ય કલમો હેઠળ પણ વધારાની સજા અને દંડ ફટકારવામાં આવ્યા છે. અદાલતે ભોગ બનનાર સગીરાને રૂ. ૪ લાખનું વળતર ચૂકવવા ડીએલએસએને ભલામણ કરી છે. સાથોસાથ સીડબલ્યુસી. અને ડીસીપીયુને પીડિતાના સંપર્કમાં રહી તેના જીવન અને શિક્ષણના પુનઃસ્થાપન માટે યોગ્ય માર્ગદર્શન આપવા આદેશ કર્યો છે. પ્રોસિક્યુશન પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી, જ્યારે પીડિતાના કાયદા સહાયક તરીકે એડવોકેટ માલશ્રીબેન ગઢવી અને ફરિયાદીના વકીલ તરીકે કાંતાબેન વેકરીયા હાજર રહ્યા હતા.
-------- 

Comments

COMMENT / REPLY FROM