મધ્ય પૂર્વમાં વધતા તણાવની કચ્છના બંદરો પર ગંભીર અસર
કંડલા અને મુન્દ્રા ખાતે કન્ટેનર પરિવહન ખોરવાયું :લાલ સમુદ્રનો સલામત રૂટ બંધ થતાં કેપ ઓફ ગુડ હોપ ફરીને જતાં જહાજો : દરિયાઈ ભાડામાં ૨૦૦થી ૩૦૦ ટકાનો મસમોટો વધારો થતાં કચ્છ અને ગુજરાતના વેપાર - ઉદ્યોગ જગતને કરોડોનું નુકસાન
ગાંધીધામ - કચ્છઉદય : મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફરી શરૂ થયેલા સંઘર્ષ અને દરિયાઈ માર્ગો પર જહાજો પર થઈ રહેલા હુમલાઓના કારણે વૈશ્વિક શિપિંગ રૂટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે. આ વૈશ્વિક અસ્થિરતાની સીધી અને ગંભીર અસર ભારતના બે સૌથી મહત્વપૂર્ણ બંદરો એવા કંડલા (દીનદયાલ પોર્ટ) અને મુન્દ્રા પોર્ટ પર થતા કન્ટેનર પરિવહન પર પડી રહી છે. લાલ સમુદ્ર અને સ્વેઝ નહેરનો સલામત માર્ગ જોખમી બનતાં શિપિંગ કંપનીઓએ હવે આફ્રિકા ખંડના કેપ ઓફ ગુડ હોપ પરથી ફરીને લાંબો રૂટ અપનાવવો પડી રહ્યો છે. આ નવા રૂટના કારણે જહાજોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં ૧૨ થી ૨૦ દિવસનો વધારાનો સમય લાગી રહ્યો છે. પરિણામે જહાજોના આગમનમાં અનિશ્ચિતતા અને ભારે વિલંબ સર્જાઈ રહ્યો છે. સમયસર જહાજો ન પહોંચવાના કારણે ભારતમાં ખાલી કન્ટેનરોની ભારે તંગી ઊભી થઈ છે, જેના લીધે નિકાસકારોને કન્ટેનર બુક કરાવવા માટે અઠવાડિયા સુધી રાહ જોવી પડે છે. આ વિલંબની સાથે જ શિપિંગ લાઈનો દ્વારા દરિયાઈ ભાડામાં ૨૦૦ થી ૩૦૦ ટકા સુધીનો કમરતોડ વધારો કરી દેવામાં આવ્યો છે. જે કન્ટેનરનું ભાડું અગાઉ યુરોપ કે અમેરિકા માટે ૧,૫૦૦ થી ૨,૦૦૦ ડોલર હતું, તે વધીને હાલ પ,૦૦૦ થી ૭,૦૦૦ ડોલર કે તેથી પણ વધુ થઈ ગયું છે. સાથોસાથ શિપિંગ કંપનીઓ દ્વારા વોર રિસ્ક ચાર્જ અને પીક સિઝન સરચાર્જ જેવા વધારાના આર્થિક બોજ પણ વેપારીઓ પર ઝીંકવામાં આવ્યા છે.આ પરિવહન કટોકટીના કારણે સ્થાનિક બંદરો અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે પણ ભારે અરાજકતા સર્જાઈ છે. જહાજોના શિડ્યુલ ખોરવાઈ જવાથી બંદર પર એકસાથે અનેક જહાજો પહોંચતા બર્થિંગ માટે લાંબો સમય રાહ જોવી પડે છે. મુન્દ્રા અને કંડલાના યાર્ડ, કન્ટેનર ફ્રેટ સ્ટેશન અને આઈસીડી પર કન્ટેનરોના ભરાવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. યાર્ડ ફૂલ થઈ જતાં ટ્રક અને ટ્રેલરોને બિનજરૂરી વેઈટિંગ કરવું પડે છે, જેથી સ્થાનિક લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ ખર્ચમાં ભારે વધારો નોંધાયો છે.આ સ્થિતિની સૌથી માઠી અસર કચ્છ અને ગુજરાતના મુખ્ય ઉદ્યોગો પર પડી રહી છે. કચ્છના સ્થાનિક મીઠા ઉદ્યોગ અને બલ્ક કાર્ગોના લોડિંગ-અનલોડિંગ ખર્ચ વધતાં નિકાસકારોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાંથી મુન્દ્રા મારફતે વિદેશ મોકલાતી ટાઇલ્સના ઓર્ડર, કન્ટેનરની અછત અને ભાડા વધારાના કારણે કેન્સલ થઈ રહ્યા છે. ઉપરાંત કપાસ, તલ અને રાયડા જેવી એગ્રી પ્રોડક્ટ્સ તેમજ ટેક્સટાઈલ ક્ષેત્રની નિકાસ અટકી પડી છે. બીજી તરફ આયાતકારો માટે પણ ચીન અને પૂર્વ એશિયાથી આવતો કાચો માલ મોંઘો થવા સાથે વિલંબથી પહોંચી રહ્યો હોવાથી સ્થાનિક ફેક્ટરીઓમાં ઉત્પાદન ધીમું પડી ગયું છે. આમ, વૈશ્વિક સપ્લાય ચેઈન તૂટવાથી વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો બંને ઊંડા આર્થિક સંકટમાં મુકાયા છે.

Comments