કચ્છ પર રિઝ્યા મેઘરાજા : નવ તાલુકામાં વરસી મેઘમહેર
પૂર્વ કચ્છના વાગડ પંથકમાં વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ : રાપરમાં બે ઇંચ, ભચાઉમાં એકથી દોઢ ઇંચ વરસાદ : અંજાર - ગાંધીધામ પંથકમાં ઝરમર : ભુજમાં ધીમીધારના વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક : આગામી બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે સત્ય ઠરતાં ગઈકાલે રાતથી જ કચ્છની સૂકી અને તરસ્યી ધરતી પર મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કરી દીધું હતું. ખાસ કરીને પૂર્વ કચ્છના રાપર અને ભચાઉ વિસ્તારમાં મેઘરાજાએ કૃપા વરસાવી વાવણી લાયક સાર્વત્રિક વરસાદ આપતાં લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આનંદની લહેર દોડી ગઈ હતી. વરસાદની આ પધરામણીથી સમગ્ર પંથકના ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. સુકી ધરતી પર મેઘરાજાએ મેર વરસાવતા પશુપાલકો અને માલધારીઓના ચહેરા પર પણ મલકાટ જોવા મળી રહ્યો છે.ભચાઉ શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે રાત્રે પવનની ડમરીઓ અને ગાજવીજ સાથે શરૂ થયેલો વરસાદ આજે સવારે પણ ધીમીધારે ચાલુ રહ્યો હતો. આ મેઘમહેર અંગે વિસ્તારના અગ્રણીઓ અને ગ્રામજનો તરફથી ઉત્સાહજનક અહેવાલો સાંપડ્યા હતા. ચીરઈથી એપીએમસીના ચેરમેન વાઘુભા જાડેજા, આધોઈથી જશુભા જાડેજા, કંથકોટથી બળુભા જાડેજા તથા લક્ષ્મીચંદ ચરલા, લાખાવટથી ગણેશાભાઈ આહીર, એકલધામથી મહંત દેવનાથ બાપુ, ભરૂડિયાથી ઉપેન્દ્રસિંહ જાડેજા, પાંકડસરથી કૃષ્ણાનંદજી બાપુ, નાના કટારીયાથી કરસનભાઈ પટેલ, વોધથી સરપંચ રામજીભાઈ પટેલ, ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પેથાભાઇ રાઠોડ અને કિસાન અગ્રણી અંબાવીભાઈ ગોઠી દ્વારા પોતપોતાના વિસ્તારોમાં ધીમી ધારે વાવણીલાયક વરસાદ થયો હોવાની વિગતો આપવામાં આવી હતી. આ ઉપરાંત ભચાઉ તાલુકાના મનફરા, ચોબારી અને ખારોઈ ગામોમાં પણ ધોધમાર વરસાદી ઝાપટાં પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ વરસાદના કારણે માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ ખેતમજૂરોમાં પણ ખેતીકામ શરૂ થતાં પોતાની રોજગારી પુનઃ જીવંત થવાની નવી આશા બંધાઈ છે.વાગડ પંથકના રાપર તાલુકામાં ગઈકાલ સવારથી જ ઝરમર વરસાદી વાતાવરણ જામ્યું હતું. ત્યારબાદ રાત્રે નવ વાગ્યા પછી ગાજવીજ અને તેજ પવન સાથે મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી હતી. રાત્રે દસથી બાર વાગ્યા દરમિયાન જ એક ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. સમગ્ર રાપર શહેરમાં રાત્રિ દરમિયાન અવારનવાર વરસાદી ઝાપટાં પડવાનું ચાલુ રહ્યું હતું. મામલતદાર એચ.બી. વાઘેલાના જણાવ્યા અનુસાર રાત્રે દસ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધીમાં રાપરમાં કુલ ૭૩ મિલીમીટર એટલે કે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સતત વરસેલા વરસાદના લીધે રાપર શહેરના મુખ્ય બજારોમાંથી પાણી વહી નીકળ્યા હતા.માત્ર રાપર શહેર જ નહીં, પરંતુ સમગ્ર રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એકથી ત્રણ ઇંચ સુધીનો નોંધપાત્ર વરસાદ થયો છે. આ મેઘમહેરમાં ભીમાસર, વેરસરા, રવ, ગેડી, ફુલપરા તેમજ રણકાંઠો ધરાવતા ખડીર અને પ્રાંથળ વિસ્તારના બાલાસર, જાટાવાડા, શિવગઢ, મૌવાણા, બેલા અને વ્રજવાણી જેવા તમામ અંતરિયાળ ગામોમાં પણ વાવણીલાયક વરસાદ વરસ્યો છે. વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા સમગ્ર વાગડ પંથકના ખેડૂતો અને સામાન્ય પ્રજાજનોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે અને સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.જિલ્લા મથક ભુજ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલો ઝરમર વરસાદ આજે સવારે પણ યથાવત રહ્યો હતો. ભુજ તાલુકાના મોટા રેહા, કોટડા, હજાપર અને જદુરા સહિતના વિસ્તારોમાં સવારથી પડેલા અમી છાંટા અને ઝરમર વરસાદના કારણે નાના-મોટા સૌ કોઈમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, ઝરમર વરસાદની સાથે જ દર વખતની જેમ વીજ પુરવઠો ગુલ થઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. માત્ર હળવા છાંટા પડતાં જ લાઈટ બંધ થઈ જવાની પ્રક્રિયાથી તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ સામે લોકો મનમાં અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. આમ છતાં, આ વરસાદથી ખેડૂતોના મોં પર ખુશી છવાયેલી જોવા મળી હતી.બંદરીય શહેર મુન્દ્રા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ મેઘરાજાની ધીમી ધારે એન્ટ્રી થઈ હતી. મુન્દ્રા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી મેઘાવી માહોલ વચ્ચે વરસાદ વરસી રહ્યો હતો. જોકે, શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં યોગ્ય નિકાલ ન હોવાના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી અને નીચાણવાળા વિસ્તારોમાં ખાબોચિયા ભરાઈ ગયા હતા. મુન્દ્રા એસ.ટી. ડેપોના મુખ્ય ગેટ આગળ જ પાણીનો ભારે ભરાવો થતાં મુસાફરોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. આ અંગે એસ.ટી. ડેપો મેનેજર વિશાલ ગર ગુંસાઈએ જણાવ્યું હતું કે ડેપો પરિસરમાં ભરાયેલા પાણીના ઉકેલ માટે નગરપાલિકા તંત્રને જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે મુન્દ્રામાં મેઘરાજાની સૂચક ગેરહાજરી જોવા મળી રહી છે અને છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા માહોલ વચ્ચે પણ વરસાદ મન મૂકીને વરસતો નથી. બીજી તરફ બંદરીય માંડવી શહેર અને સમગ્ર માંડવી પંથકમાં ગઈકાલ રાતથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદી માહોલ જામ્યો હતો, જ્યાં કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં છાંટા સ્વરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. આજે પણ દિવસભર વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેતાં આગામી સમયમાં સારો વરસાદ થવાની પૂર્ણ સંભાવનાઓ સેવાઈ રહી છે. આ ઉપરાંત પૂર્વ કચ્છના ઔદ્યોગિક ક્ષેત્ર અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં પણ ગઈકાલે રાત્રે ૧૧ વાગ્યાના અરસાથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો, જે આજે સવારે પણ વાદળછાયા આકાશ વચ્ચે ઝરમર સ્વરૂપે સતત ચાલુ રહ્યો હતો. સમગ્ર કચ્છ જિલ્લામાં વરસાદી આગમનથી વાતાવરણ રમણીય અને ઠંડકભર્યું બની ગયું છે.
...............
ગઈકાલે રાત્રિથી સવારે ૮ સુધીનો વરસાદ (મિમિ)
તાલુકો સવાર મોસમનો
સુધી કુલ
લખપત ૩ ૩
રાપર ૭૩ ૧૭૭
ભચાઉ ૩૨ ૬૬
અંજાર ૧૩ ૨૦
ભુજ ૬ ૮
નખત્રાણા ૮ ૧૨
અબડાસા ૩ ૪
માંડવી ૨ ૧૨
મુન્દ્રા ૨ ૧૬
ગાંધીધામ ૧૧ ૩૭
............
ભારે વરસાદના પગલે સતત ત્રીજા દિવસે કચ્છનો રેલ વ્યવહાર ઠપ્પ
દક્ષિણ ગુજરાતમાં ટ્રેક ધોવાતાં મુંબઈ લાઇન ખોરવાઈ : મુંબઈથી આવતી કચ્છની બંને ટ્રેનો આજે પણ રદ્દ જાહેર : ભુજથી કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરીનું પ્રસ્થાન અનિશ્ચિત
ભુજ - કચ્છઉદય : દક્ષિણ ગુજરાતમાં વરસેલા અતિભારે વરસાદના કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેનો રેલવે વ્યવહાર સદંતર ખોરવાઈ ગયો છે. ગઈકાલે કચ્છથી મુંબઈ જનારી બંને ટ્રેનોને રદ્દ જાહેર કરી દેવામાં આવી હતી. જયારે ગઈકાલે રાત્રે ઉધનાથી ઉપડલી સયાજીનગરી અને કચ્છ એક્સપ્રેસ આજે સવારે ભુજ આવી પહોંચી હતી. તમામ રેક કચ્છમાં હોવાથી આજે મુંબઈથી આવનારી બંને ટ્રેનોને રદ્દ જાહેર કરવામાં આવી છે. જયારે ભુજથી કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરીના પ્રસ્થાન અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. દરમિયાન ભારે વરસાદથી વિરમગામ પાસે ભારે ટ્રાફિકજામ સર્જાતા રોડ વ્યવહાર પણ બાધીત બન્યો હતો. ગઈકાલે એકાએક મુંબઈની ત્રણ ટ્રેન કેન્સલ થતાં ઘણા પ્રવાસીઓ તુફાન સહિતની ગાડીઓ બુક કરીને આગળ જવા રવાના થયા હતા.
મુસળધાર વરસાદથી વલસાડથી દહાણું રોડ સુધી બોમ્બે સેન્ટ્રલ ડિવિઝનમાં રેલવે ટ્રેકનું ભારે ધોવાણ થતાં તેમજ ઉદવાડા પાસે માટી ધસી પડતાં સ્થિતિ વિકટ બની છે. આ મેઘતાંડવના કારણે કચ્છથી મુંબઈ તરફ જતી ટ્રેનો અધવચ્ચે જ અટવાઈ પડી હતી. ભુજથી ઉપડેલી સયાજીનગરી એક્સપ્રેસ અને કચ્છ એક્સપ્રેસને અનુક્રમે સાબરમતી અને અમદાવાદ ખાતે કલાકો સુધી રોકી રાખવી પડી હતી. આ ટ્રેનો કલાકોના વિલંબ બાદ મોડી રાત્રિના માંડ આગળ વધી શકી હતી, જેમાં કચ્છ એક્સપ્રેસ ૧૩ કલાક અને સયાજીનગરી ૯ કલાક મોડી નવસારી પહોંચી હતી. અંતે બંને ટ્રેનોને નવસારી અને દાદર વચ્ચે રદ કરવાની ફરજ પડી હતી, જ્યારે એસી એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરીને ભુજથી જ રદ કરી દેવાઈ હતી. જળભરાવના કારણે અમદાવાદ જતી આશરે ૧૫ જેટલી ટ્રેનોને રદ કરાતાં પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ કટોકટીના સમયે અમદાવાદમાં કવીઓ અચલ્લગચ્છ જૈન સંઘના કાર્યકરો દ્વારા અટવાયેલા મુંબઈના મુસાફરો માટે નવનીત ભવન ખાતે રહેવા-જમવાની અને સ્ટેશનથી વાહનવ્યવહારની સુવિધા પૂરી પાડવામાં આવી હતી, જે બદલ કચ્છ પ્રવાસી સંઘે આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત રેલવે પ્રશાસન દ્વારા પણ પ્રવાસીઓ માટે ચા-નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Comments