સેવાકીય પ્રવૃત્તિઓએ સમાજમાં માનવતા અને જીવદયાનો ઉત્તમ સંદેશ પ્રસરાવ્યો હતો : પૂજય નયશેખર મહારાજ
શંખેશ્વરમાં આચાર્ય રત્નશેખરસૂરી મ.સાની ૧૩મી વાર્ષિક પૂણ્યતિથિએ વિવિધ માનવતાલક્ષી સેવાકાર્યો કરાયા
શંખેશ્વર (પ્રતિનિધિદ્વારા) : પાટણ જીલ્લાના શંખેશ્વર મહાતીર્થ જહાજ મંદિર ખાતે અષાઢીય પાર્શ્વનાથ પ્રભુની આંગી એવં સ્ટાફ બહુમાન તથા દરેક કર્મચારીઓને બાળકો માટે ચોપડા આપવામાં આવેલ હતા. માનવતાના મસીહા પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્દ વિજય રત્નશેખરસુરીશ્વરજી મહારાજાની ૧૩મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વિવિધ માનવતાલક્ષી અને જીવદયાના સેવાકાર્યોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરમાત્માની આંગી, સાધર્મિક ભક્તિ, અનુકંપાદાન અને જીવદયા સહિતના અનેક સેવાકીય કાર્યક્રમો દ્વારા પૂજ્ય ગુરૂદેવને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મુંબઇના નાલાસોપારા મધ્યે પૂજ્ય ગુરૂદેવની ગુણાનુવાદ સભા મુનિરાજશ્રીના સાનિધ્યમાં યોજાઈ હતી.
આ પ્રસંગે વડગામમાં આવેલ અનાથ આશ્રમના બાળકો માટે ભોજન સેવા કરવામાં આવી હતી. ગૌસેવાના ભાગરૂપે ગાયોને લીલું ઘાસ અને ગોળનું વિતરણ કરવામાં આવ્યું. ઉપરાંત,શાળાના ૧,૦૦૦ થી અધિક વિદ્યાર્થીઓને બિસ્કિટ,ચોકલેટ અને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદના વિસામો વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને આખા દિવસનું ભોજન પીરસવામાં આવ્યું તેમજ આર્થિક રીતે નબળા ૧૩ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાલનપુર ખાતે સદ્દભાવના ભોજન રથ દ્વારા ૨,૦૦૦ જરૂરિયાતમંદ લોકોને ભોજન સેવા આપવામાં આવી. ઉપરાંત,૧૩ પાંજરાપોળોમાં જીવદયાના કાર્યો પણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું માર્ગદર્શન પ.પૂ. મુનિરાજ નયશેખર મહારાજ સાહેબના પાવન સાનિધ્ય અને પ્રેરણાથી પ્રાપ્ત થયું હતું. આયોજન પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરિવાર, શંખેશ્વર દ્વારા કરવામાં આવ્યું હતું, સાથે સાથે આ માનવતાના કાર્યમાં થરાના જૈન શ્રેષ્ઠી સંજયભાઈ શાહ એ અદભુત સાથ સહકાર આપેલ. જ્યારે આ સમગ્ર સેવાકાર્યોના લાભાર્થી તરીકે પરમ ગુરુભક્ત પરિવારો-મુંબઈ દ્વારા લાભ લેવામાં આવેલ હતો.
પૂજ્ય ગુરુદેવની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત આ સેવાકીય પ્રવૃત્તિઓએ સમાજમાં માનવતા, સેવા, કરૂણા અને જીવદયાનો ઉત્તમ સંદેશ પ્રસરાવ્યો હતો. ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ આવા સેવાકીય કાર્યોને ગુરુભક્તિનું શ્રેષ્ઠ સ્વરૂપ ગણાવી આયોજકોના પ્રયાસોને બિરદાવ્યાર હતા.
-----

Comments