તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા ગાયોની સેવા માટે ઘાસની ગાંસડીઓનું વિતરણ
વરસાદ ખેંચાઈ જતા ઘાસચારાની તંગી સર્જાય છે અને લીલો ઘાસચારો પણ રહ્યો નથી ત્યારે કચ્છના ગામડાઓમાં પાણી અને ઘાસચારા વગર તરફ તરફડતા અબોલ પશુધન માટે સ્થાનિક અને દેશ-વિદેશમાં વસતા કચ્છીઓ અને સેવાભાવી સંસ્થાઓ સાથે મળી અને હંમેશા મદદે આવતી રહી છે : "તેરા તુજકો અર્પણ"એવું સુંદર નામ ધરાવતું ટ્રસ્ટ ઘાસચારાનું વિતરણ કરી અને ટ્રસ્ટનું નામ સાર્થક કરી રહ્યું છે
ભુજ - કચ્છઉદય : એક બાજુ કચ્છમાં વાદળો ઘેરાય છે અને એવું લાગે છે કે હમણાં જ વરસાદ તૂટી પડશે પરંતુ કોઈપણ કારણસર લોકો અને પશુપાલકોને નિરાશ કરી અને દિવસ પસાર થઈ જાય છે. વરસાદ ઘણો ખેંચાઈ ગયો છે ત્યારે કચ્છના અબોલ પશુધન ઘાસચારા અને પાણી વગર તરફડી રહ્યા હોવાની શરૂઆત થઈ ત્યાં જ ગુજરાત સરકાર અને સેવાભાવી સંસ્થાઓ ખૂબ જ જાગૃત થઈ ગઈ અને પશુઓની વહારે આવી રહી છે. પ્રજાકીય પ્રતિનિધિઓ પણ વધુ અને વધુ ઘાસચારો દરેક વિસ્તારને મળે તે માટે પોતપોતાના પ્રયત્નો કરી રહ્યા છે તો સ્વૈચ્છિક સંસ્થાઓ અને દાતાઓ પણ પાછળ નથી. "તેરા તુજકો અર્પણ" ટ્રસ્ટ ખુબ જ સુંદર જીવદયા અને માનવતાનું કામ પહેલેથી જ કરતી આવી રહી છે ત્યારે આ સંજોગોમાં ગાયો માટે ટ્રસ્ટ ઘાસચારો ભરેલી મોટી મોટી ટ્રક મોકલી અને મદદે આવ્યુ છે. ટ્રસ્ટ દ્વારા વિવિધ ગામો દહીસરા, ગડા, લોરીયા, ગોરેવલી, લુણા, ભુજોડી, ભગાડિયા, વાડાસર, અજાપર, મોમાય ટેકરી તથા જવાહરનગર ખાતે ગૌસેવાના પવિત્રભાવ સાથે ગાયોને ઘાસની ગાડીઓ અર્પણ કરવામાં આવી હતી. ઘાસચારો આવતા પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આવી જ રીતે કપરી પરિસ્થિતિ બધાની મદદથી પાર પડી જાય અથવા મન મૂકીને મેઘરાજા મહેર કરે તેવી પશુપાલકો આશા સેવી રહ્યા છે.
----

Comments