રાપરમાં ૫.૦૭ લાખની વીજચોરી કેસમાં કડક ચુકાદોઃ આરોપીને ૩ વર્ષની સખત કેદ અને ૫.૪૧ લાખનો દંડ
ભચાઉ સ્પેશિયલ ઇલેક્ટ્રિસિટી કોર્ટનો ચુકાદો
ગેરકાયદે વીજ જોડાણથી બ્લોક બનાવવાના કારખાનામાં વીજચોરી સાબિત, દંડ નહીં ભરે તો વધુ ૩ માસની સાદી કેદ
ગાંધીધામ : ભચાઉ સ્થિત સ્પેશિયલ ઇલેક્ટ્રિસિટી કોર્ટે વીજચોરીના એક મહત્વપૂર્ણ કેસમાં કડક ચુકાદો આપતા રાપર તાલુકાના બાંભણકા ગામના રહેવાસી નવીન મગનલાલ દવેને ધી ઇલેક્ટ્રિસિટી એક્ટ, ૨૦૦૩ની કલમ-૧૩૫ સાથે વાંચતા કલમ-૧૫૦ હેઠળ દોષિત ઠેરવ્યા છે.કોર્ટે આરોપીને ૩ વર્ષની સખત કેદ,૫,૪૧,૨૨૬નો દંડ અને દંડ નહીં ભરે તો વધુ ૩ માસની સાદી કેદની સજા ફટકારી છે. સાથે જ અગાઉ મળેલા જામીન પણ રદ કરવાનો હુકમ કર્યો છે.કેસની વિગતો મુજબ તા. ૨૦ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ પીજીવીસીએલની લોકલ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન બાંભણકા ગામે બ્લોક બનાવવાના કારખાનામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી દ્વારા અન્ય ગ્રાહકના વીજ કનેક્શનમાંથી ટી.સી.ની એલ.ટી. સાઇડ પરથી આશરે ૭૦ મીટર કેબલ દ્વારા ગેરકાયદે વીજ જોડાણ કરી વીજ વપરાશ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી ગેરકાયદે કેબલ અને સ્ટાર્ટર કબજે કરી વીજ પુરવઠો બંધ કરાયો હતો.તપાસ બાદ પીજીવીસીએલે આરોપી સામે ૫,૦૭,૨૨૫.૭૩ની વીજચોરી તથા ૩૪,૦૦૦ના કમ્પાઉન્ડિંગ ચાર્જ અંગે ફરિયાદ નોંધાવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી અને કેસ ભચાઉની સ્પેશિયલ ઇલેક્ટ્રિસિટી કોર્ટમાં ચાલ્યો હતો.ચુકાદામાં કોર્ટે નોંધ્યું કે વીજચોરી માત્ર વીજ કંપનીને આર્થિક નુકસાન પહોંચાડતો ગુનો નથી, પરંતુ દેશના વિકાસ અને જરૂરીયાતમંદ લોકોને મળતા વીજ પુરવઠા પર પણ ગંભીર અસર કરે છે. આવા ગુનાઓમાં સમાજમાં દાખલો બેસે તે માટે કડક સજા જરૂરી હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે.સરકાર પક્ષ તરફથી એ.જી.પી. ડી.એસ. જાડેજાએ કડક સજાની માંગણી કરી હતી, જ્યારે બચાવ પક્ષે આરોપી પ્રથમ ગુનેગાર હોવા, પરિવારની જવાબદારી અને સ્વાસ્થ્યના કારણો દર્શાવી ઓછી સજાની વિનંતી કરી હતી. જોકે, તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપીને દોષિત ઠેરવી ઉપરોક્ત સજા ફટકારી હતી.
......

Comments