Trending News
સ્થાનિક સમાચાર

લાયસન્સ વિના સ્કૂલમાં ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ

23 July



રાજ્ય સ્કૂલ સંચાલક મહામંડળનો કડક આદેશ : વાલીની લેખિત સંમતિ પણ ફરજિયાત :  ભુજ સહિત કચ્છના છાત્રોમાં ઈ-બાઈક અને મોપેડનો ક્રેઝ વધ્યો : સાઈકલ લઈને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ હવે ભાગ્યે જ જોવા મળે છે : આરટીઓ અને પોલીસના સેમિનાર છતાં અમલવારી શૂન્ય 


ભુજ : સગીર વયના વિદ્યાર્થીઓમાં  ટુ-વ્હીલર ચલાવવાનો ક્રેઝ અને સતત વધી રહેલા અકસ્માતના બનાવોના કારણે રાજ્ય સ્કૂલ સંચાલક મહામંડળે લાલ આંખ કરી છે. મહામંડળ દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે લાયસન્સ વિના જો કોઈ વિદ્યાર્થી ટુ-વ્હીલર લઈને આવશે, તો તેને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.રાજ્ય સ્કૂલ સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે રાજ્યની તમામ ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર (ખાનગી) સ્કૂલોના સંચાલકોને પત્ર પાઠવીને આ કડક સૂચનાઓનો તાત્કાલિક અમલ કરવા જણાવ્યું છે. નવી માર્ગદર્શિકા મુજબ કાયદેસર ડ્રાઇવિંગ લાઈસન્સ ધરાવતા વિદ્યાર્થીઓએ લાઈસન્સની નકલ સ્કૂલમાં જમા કરાવવાની રહેશે. વાહન લઈને આવવા માટે વાલીની લેખિત મંજૂરી (સંમતિ પત્રક) રજૂ કરવી ફરજિયાત છે. સ્કૂલોએ વાહન લઈને આવતા આવા તમામ વિદ્યાર્થીઓનો રેકોર્ડ જાળવવાનો રહેશે મહામંડળે ભારપૂર્વક જણાવ્યું છે કે સ્કૂલો માત્ર શિક્ષણ પૂરું પાડતી સંસ્થાઓ નથી, પરંતુ નિયમોના પાલનની ભાવના વિકસાવવામાં પણ તેમની મહત્વની ભૂમિકા છે. માર્ગ સલામતી માટે સ્કૂલ, વિદ્યાર્થી અને વાલી ત્રણેયની જાગૃતિ અને ભાગીદારી અનિવાર્ય છે. હાલમાં કચ્છ જિલ્લામાં, ખાસ કરીને ભુજ શહેરમાં, ધોરણ ૧૦ પછીના વિદ્યાર્થીઓમાં મોપેડ અને ટુ-વ્હીલર લઈને સ્કૂલે જવાનો એક નવો ટ્રેન્ડ બની ગયો છે. એક સમય હતો જ્યારે વિદ્યાર્થીઓ સાયકલ લઈને સ્કૂલે જતા હતા, પરંતુ હવે શાળાઓમાં સાયકલ ભાગ્યે જ જોવા મળે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ મોપેડ લઈને જ આવતા જોવા મળે છે. તેમાં પણ જ્યારથી બજારમાં ઈ-બાઈકની શરૂઆત થઈ છે, ત્યારથી આ ટ્રેન્ડમાં નોંધપાત્ર વધારો થયો છે. ઈ-બાઈક અને ઓછા પાવરવાળા વાહનોને પોલીસ પણ વધુ રોકતી ન હોવાથી સગીરોમાં તેનો ક્રેઝ બેફામ વધ્યો છે.આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા અવારનવાર સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓમાં માર્ગ સલામતી અને ટ્રાફિક અવેરનેસ અંગે સેમિનાર યોજવામાં આવે છે. અગાઉ કોલેજ અને યુનિવર્સિટીમાં આવતા વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ પહેરવું પણ ફરજિયાત કરવામાં આવ્યું હતું. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ નિયમોની કોઈ નક્કર અમલવારી થતી નથી. નિયમો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા હોય તેવી સ્થિતિ છે. હવે જ્યારે રાજ્ય સ્કૂલ સંચાલક મહામંડળે કડક વલણ અપનાવીને લાયસન્સ અને સંમતિ પત્રક ફરજિયાત કર્યા છે, ત્યારે કચ્છની સ્કૂલો અને તંત્ર આ નિયમોનો કેટલો કડક અમલ કરાવે છે તે જોવું રહ્યું.

.........


ટ્યુશન ક્લાસ અને સ્કૂલો બહાર વાહનોના પાર્કિંગ 

ભુજની પરિસ્થિતિ પર નજર કરીએ તો, ખાનગી સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસની બહાર મોટા પાયે વિદ્યાર્થીઓના મોપેડ અને બાઈક પાર્ક થયેલા જોવા મળે છે. જ્યા જુઓ ત્યાં વિદ્યાર્થીઓ વાહનો લઈને ફરતા નજરે પડે છે.

........


દેખાદેખી અને સ્પીડની મજા સજા બની શકે છે 

વિદ્યાર્થીઓમાં મિત્રો વચ્ચેની દેખાદેખી અને ઓવર-સ્પીડમાં વાહન ચલાવવાની હોડ ક્યારેક જીવલેણ અકસ્માતો નોતરે છે. અકસ્માતના અનેક બનાવો સામે આવતા હોવા છતાં વાલીઓ પોતાના સગીર બાળકોને વાહન આપી રહ્યા છે, જે અત્યંત ચિંતાજનક છે. વાહન ચાલકો અને વાલીઓએ જાતે જ આ બાબતે સભાન થવાની જરૂર છે.

........

 

Comments

COMMENT / REPLY FROM