ભુજમાં મોડી રાત્રે પોલીસનો સપાટો : ગેસ્ટ હાઉસમાંથી ૨૦ લાખના હેરોઇન સાથે બે શખ્સ ઝડપાયા
પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાની ટીમની સમયસુચકતા ભરી કામગીરી સરાહનીય
પંજાબ અને રાજસ્થાનના બે આરોપીની ધરપકડ : એ-ડિવિઝન, બી ડિવિઝન, એસઓજી અને એલસીબીની સંયુક્ત કાર્યવાહી : પ્રાથમિક તપાસમાં માદક પદાર્થ હેરોઇન હોવાનું સામે આવ્યું : ભરબજારમાં કાર્યવાહીથી લોકોમાં કુતૂહલ
ભુજ - કચ્છઉદય : શહેરમાં સ્ટેશન રોડ પર આવેલ જનતા ઘરની બાજુના નીલકંઠ ગેસ્ટ હાઉસમાં મોડી રાત્રે ભુજ એ-ડિવિઝન, બી ડિવિઝન, એસઓજી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમે દરોડો પાડી આશરે ૯૫થી ૧૦૦ ગ્રામ શંકાસ્પદ હેરોઇન સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. જપ્ત કરાયેલા માદક પદાર્થની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રૂ.૨૦ લાખ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હરપ્રીતસિંગ (મૂળ રહેવાસી ફિરોઝપુર, પંજાબ) અને રામજસ પ્રતાપરામ બિશ્નોઇ (મૂળ રહેવાસી જોધપુર, રાજસ્થાન, હાલે ભુજ) નામના બંને શખ્સો ગત રાત્રે આશરે ૧૨ વાગ્યે ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા હતા. આ અંગે ચોક્કસ બાતમી મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સમગ્ર વિસ્તારને ઘેરી લઈને દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન બંનેના કબજામાંથી શંકાસ્પદ માદક પદાર્થ મળી આવતા તેને જપ્ત કરી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. રાત્રે ભરબજારમાં એકસાથે મોટી સંખ્યામાં પોલીસના વાહનો પહોંચી જતા સ્થાનિકોમાં ગભરાટ સાથે કુતૂહલ ફેલાયું હતું. સવારે વેપારીઓ દુકાનો ખોલવા પહોંચ્યા ત્યારે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળતા સમગ્ર વિસ્તારમાં આ કાર્યવાહીને લઈને ચર્ચાઓ જાગી હતી. પકડાયેલા શંકાસ્પદ પદાર્થની તપાસ માટે સવારે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમને બોલાવવામાં આવી હતી. એફએસએલ દ્વારા લેવાયેલા નમૂનાની પ્રાથમિક તપાસમાં આ પદાર્થ હેરોઇન હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા પંચનામું સહિતની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ અગાઉ માધાપરમાં ધોળા દિવસે ભરબજારમાં થયેલી ડ્રગ્સ વિરોધી પોલીસ કાર્યવાહીની યાદ તાજી કરાવી છે. તે સમયે પણ પંજાબથી વાહનમાં છુપાવીને લાવવામાં આવેલ હેરોઇનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને આરોપીઓને પકડવા પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.હવે પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને સપ્લાય કરવાનો હતો, આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તેમજ અગાઉ પણ આવી કોઈ ખેપ પહોંચાડવામાં આવી છે કે કેમ તે સહિતના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા ટૂંક સમયમાં વધુ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

Comments