અદાણી પાવરનો ચોખ્ખો નફો ૪૭ ટકાથી વધુ વધીને રૂ. ૪,૮૬૭ કરોડ થયો
જૂન ત્રિમાસિકમાં મજબૂત આવક દર્શાવી : પાવરની વધતી માંગ, કાર્યકારી ક્ષમતામાં વધારો અને ઉત્કૃષ્ટ ટેરિફ રિયલાઇઝેશનને કારણે કંપનીએ પ્રથમ ત્રિમાસિક ગાળામાં શાનદાર દેખાવ કર્યો : રૂ. ૧૫,૦૦૦ કરોડ એકત્ર કરવા મંજૂરી મેળવી
નવી દિલ્હી : ઊંચી આવક અને વિજળીની મજબૂત માંગના બળે દેશની અગ્રણી પાવર ક્ષેત્રની કંપની અદાણી પાવરે જૂન ત્રિમાસિક ગાળામાં તેના ચોખ્ખા નફામાં ૪૭.૨૪ ટકાનો મોટો ઉછાળો નોંધાવ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો વધીને રૂ. ૪,૮૬૬.૬૦ કરોડ થયો છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. ૩,૩૦૫.૧૩ કરોડ હતો. કંપનીના સતત સુધરતા નફાકારકતાના પરિમાણો અને પૂર્વ અવધિની આવકની એકીકૃત ગણતરીના કારણે કરવેરા પહેલાનો નફો પણ લગભગ ૫૦ ટકા વધીને રૂ. ૬,૩૦૦.૪૯ કરોડ પર પહોંચી ગયો છે.
કંપની માટે પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિવિધ મોરચે સકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે. જયપ્રકાશ પાવર વેન્ચર્સ લિમિટેડમાં હિસ્સો હસ્તગત કર્યા બાદ અદાણી પાવર લિમિટેડે સહયોગી કંપનીમાંથી રૂ. ૧૧૭.૬૯ કરોડના નફાનો હિસ્સો પણ નોંધાવ્યો છે. આ ઉપરાંત, વિવિધ વિજ ખરીદ કરારો હેઠળ ઐતિહાસિક ઉર્જા શુલ્કમાં સુધારાને કારણે રૂ. ૧,૩૮૬.૩૪ કરોડની પૂર્વ અવધિની એકમશ રકમની આવક પ્રાપ્ત થઈ છે. આ તમામ પરિબળોના પરિણામે, જૂન ત્રિમાસિક ગાળામાં કંપનીની સળંગ કાર્યકારી આવક ૨૮.૦૮ ટકા વધીને રૂ. ૧૭,૫૫૦.૪૩ કરોડ નોંધાઈ છે, જે અગાઉના વર્ષે રૂ. ૧૩,૭૦૨.૯૪ કરોડ હતી.
દેશમાં વધી રહેલી વિજળીની માંગ અને બુટીબોરી તેમજ મુતિયારા (તૂતીકોરીન) જેવા પાવર પ્લાન્ટ્સના ક્ષમતા ઉમેરાને કારણે વીજ વેચાણના જથ્થામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. કંપનીનું કુલ કન્સોલિડેટેડ વીજ વેચાણ ૧૬.૯ ટકા વધીને ૨૮.૮ અબજ યુનિટ પર પહોંચ્યું છે. આ ગાળા દરમિયાન કંપનીની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા વધીને ૧૮,૩૩૦ મેગાવોટ થઈ છે. આ ઉપરાંત, વિજ ખરીદ કરારો હેઠળ વીજ વેચાણ ૩૦.૩ ટકા વધ્યું છે અને સરેરાશ ટેરિફ રિયલાઇઝેશન ૮.૫ ટકા વધીને રૂ. ૫.૯૫ પ્રતિ કિલોવોટ-અવર રહ્યું છે, જ્યારે મર્ચેન્ટ અને ટૂંકા ગાળાનું રિયલાઇઝેશન ૧૩.૧ ટકા સુધરીને રૂ. ૭.૦૪ પ્રતિ કિલોવોટ-અવર નોંધાયું છે.
ભવિષ્યના વિસ્તરણ અને મૂડી ભંડોળ અંગે વાત કરતા અદાણી પાવરના સીઈઓ એસ. બી. ખ્યાલિયાએ જણાવ્યું હતું કે, કંપની જયપ્રકાશ એસોસિએટ્સના પાવર એસેટ્સ હસ્તગત કરવા ઉપરાંત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય જળવિદ્યુત પ્રકલ્પોમાં વૈવિધ્યકરણ કરી રહી છે અને પરમાણુ ઊર્જાના નવા ક્ષેત્રોમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. કંપની દેશની લાંબા ગાળાની વિકાસ યાત્રામાં વિશ્વસનીય વીજ પુરવઠો પૂરો પાડવા માટે કટિબદ્ધ છે. પોતાની ઉત્પાદન ક્ષમતા ૪૫ ગીગાવાટ સુધી પહોંચાડવાના આયોજન સાથે કંપનીના બોર્ડે ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યુશનલ પ્લેસમેન્ટ અથવા અન્ય માધ્યમો દ્વારા રૂ. ૧૫,૦૦૦ કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાની અને ઉધાર લેવાની મર્યાદા રૂ. ૭૫,૦૦૦ કરોડથી વધારીને રૂ. ૧,૦૦,૦૦૦ કરોડ કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે.
-------------

Comments