Trending News
સ્થાનિક સમાચાર

અખિલ કચ્છી રાજગોર મહાસભા દ્વારા આયોજિત ૪૫મા સમૂહ લગ્ન ભુજ મુકામે યોજાશે

21 July



ભુજ - કચ્છઉદય : શ્રી અખિલ કચ્છી રાજગોર મહાસભાની નવ નિયુક્ત ટીમની પ્રથમ કારોબારી બેઠક માધાપર સ્થિત યક્ષ મંદિરે યોજાઈ હતી. બેઠકનો પ્રારંભ સંસ્થાના મહામંત્રી દિલીપભાઈ ગોર દ્વારા સ્વાગત પ્રવચનથી કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ ગત કાર્યકાળના પ્રમુખ જયપ્રકાશભાઈ ગોર દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓ અને સેવાકીય કાર્યોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સંસ્થાના વર્તમાન પ્રમુખ ભરતભાઈ ગોર દ્વારા આગામી કાર્યક્રમો તથા સંસ્થાની ભાવિ કાર્યયોજનાની માહિતી આપવામાં આવી હતી. જણાવવામાં આવ્યું હતું કે, સંસ્થા દ્વારા દર સોમવારથી શનિવાર સાંજે ૫ઃ૩૦થી ૮ઃ૩૦ વાગ્યા સુધી વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન માટે "ઇન્સ્યોરન્સ પોઈન્ટ", સંસ્કાર નગર ખાતે સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.બેઠક દરમિયાન હીરાલાલભાઈ એલ. મોતા દ્વારા ગત વર્ષના આવક-જાવકના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા, જેને કારોબારીના તમામ સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી હતી. સંસ્થામાં આપેલી વિશિષ્ટ અને નોંધપાત્ર સેવાઓ બદલ જયપ્રકાશભાઈ ગોર તથા હીરાલાલભાઈ મોતાનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ મહાસભાના વિવિધ કાર્યોને વધુ સુવ્યવસ્થિત બનાવવા અલગ-અલગ સમિતિઓની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બેઠકનું મુખ્ય આકર્ષણ આગામી ૪૫મા સમૂહ લગ્નોત્સવ અંગેની જાહેરાત રહી હતી. આગામી સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી નીતિનભાઈ વી. કેશવાણીએ જાહેરાત કરી હતી કે, શ્રી અખિલ કચ્છી રાજગોર મહાસભા દ્વારા આયોજિત ૪૫મા સમૂહલગ્ન તા. ૨૧/૦૨/૨૦૨૭, રવિવારના રોજ ભુજ ખાતે યોજાશે. અંતે સંસ્થાના મંત્રી અરવિંદભાઈ દેવજી મોતા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
બેઠકમાં હીરાલાલભાઈ નાનજી મોતા, બાલકૃષ્ણભાઈ માકાણી, વિરેનભાઈ ગોર, અરવિંદભાઈ સી. ગોર, ચંદ્રકાંતભાઈ મોતા, ધીરજભાઈ ગોર, નિકુલભાઈ ગોર, મહેશભાઈ રાજગોર, સુરેશભાઈ ગોર તથા ગીરીશભાઈ ગોર સહિત કારોબારીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
----

Comments

COMMENT / REPLY FROM