બિદડા સર્વોદય ટ્રસ્ટના પ.પૂ. સાધુ-સાધ્વીજી વૈયાવચ્છ ફંડમાં માતબર અનુદાન
માતુશ્રી મોંઘીબાઈ ટોકરશી શવરાજ ફુરિઆ પરિવાર દ્વારા
બિદડા - કચ્છઉદય : બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા સંચાલિત પરમ પૂજ્ય સાધુ-સાધ્વીજી વૈયાવચ્છ ફંડમાં કચ્છના બિદડા ગામના માતુશ્રી મોંઘીબાઈ ટોકરશી શવરાજ ફુરિઆ પરિવાર દ્વારા પોતાના વડીલોના પવિત્ર સ્મરણાર્થે શ્રદ્ધાપૂર્વક માતબર રકમનું અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું.
પરિવારના સભ્યોએ વારસામાં પ્રાપ્ત થયેલા ધાર્મિક સંસ્કારો અને વડીલોના આદર્શોને જાળવી રાખવાના ઉદ્દેશ્યથી આ સેવા યજ્ઞમાં સહભાગી બની, પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્છ માટે ટ્રસ્ટને આ યોગદાન અર્પણ કર્યું હતું. ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા તથા પરિવારના વડીલ પ્રવીણભાઈ ફુરિઆ વચ્ચેના વર્ષો જૂના સ્નેહસંબંધોના અનુસંધાને આ શુભ પ્રસંગ યોજાયો હતો. આ સત્કાર્ય માટે અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કલાપ્રભસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય કચ્છરત્ન જયપદ્મસાગરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય એકલવીર કિરણકલાશ્રીજી મહારાજ સાહેબ તેમજ અન્ય પૂજ્ય ગુરુભગવંતોની પાવન પ્રેરણા મહત્વપૂર્ણ કારણભૂત બની હતી.
ફુરિઆ પરિવાર વર્ષોથી ધાર્મિક અનુષ્ઠાનો, સેવા અને દાનની પરંપરામાં અગ્રેસર રહ્યો છે. પરિવારના વડીલો દર વર્ષે ચાતુર્માસ દરમિયાન અંદાજે અઢી મહિના સુધી પોતાનો સંપૂર્ણ ધંધો-રોજગાર બંધ રાખીને પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્છ, ધાર્મિક આરાધના અને વિવિધ સેવાકાર્યોમાં પોતાનો સમય સમર્પિત કરતા હતા. સતત ૩૮ વર્ષ સુધી આ વિરલ પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું, જેને આજે પાંચ દાયકાથી વધુ સમય વીતી ગયો છે. પરિવારની નવી પેઢી પણ આ સેવાયજ્ઞને સમાન શ્રદ્ધા અને સમર્પણથી આગળ વધારી રહી છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ પ્રારંભિક સ્વાગત પ્રવચન આપતાં પૂજ્ય સાધ્વીજી ભગવંતો, દાતા પરિવાર તથા ઉપસ્થિત મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમણે બિદડા સર્વોદય ટ્રસ્ટનો ૫૨ વર્ષનો ગૌરવશાળી ઇતિહાસ, વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તથા આરોગ્યક્ષેત્રે આપવામાં આવતી આધુનિક અને ગુણવત્તાસભર સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોની આરોગ્ય સારવાર અને વૈયાવચ્છ માટે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી વિશિષ્ટ વ્યવસ્થાઓનો પરિચય કરાવ્યો હતો, જેને ઉપસ્થિત સૌએ ખૂબ પ્રશંસાપૂર્વક નિહાળ્યું હતું. વધુમાં રમેશભાઈ મહેતાએ ટ્રસ્ટ મધ્યે ચાલતી સાધુ સાધ્વીજી ભગવંતોની વૈયવચ્છની સેવા પ્રવૃતિઓને અમૂલ્ય ગણાવીને આ પ્રકારના કાર્યને બિરદાવ્યું હતું.
આ પ્રસંગે ભરતભાઈ પટેલ, શાંતિભાઈ ફુરિયા, વિરમભાઇ, શશીકાંતભાઈ, નાગજીભાઈ, ડૉ.મયુરભાઈ મોતા, મુલચંદભાઈ મામા, ખુશાલભાઈ વીરા, પ્રદીપભાઇ ફુરિયા, નેમજીભાઈ છેડા, જયંતભાઈ, કેશવજીભાઈ મારૂ, પોપટભાઈ ગાલા અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન મેહુલભાઈ ગોરે કર્યું હતું તેમજ સમસ્ત વ્યવસ્થા ભરતભાઈ સંગાર, ઉમરશીભાઈ ગોર અને જી.એસ. સૈયદે સંભાળી હતી. પ્રસંગના અંતે ટ્રસ્ટ પરિવાર દ્વારા માતુશ્રી મોંઘીબાઈ ટોકરશી શવરાજ ફુરિઆ પરિવારનો આ સેવાભાવી અને ધાર્મિક યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા તેમના પરિવાર પર પૂજ્ય ગુરુભગવંતોના આશીર્વાદ અને તીર્થંકર દેવની અનંત કૃપા સતત વરસતી રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.
--------------

Comments