પૂર્વ કચ્છના વાગડમાં ખનીજ માફિયાઓનો બેફામ આતંક :તંત્રનું ભેદી મૌન
કાયદાના ખોફ વગર ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ : રાપર અને ભચાઉ પંથકમાં વ્યાપક ખનીજ ચોરીથી પ્રાકૃતિક સંપદાનો રોષપૂર્ણ વિનાશ : ફરિયાદીઓ પર હુમલાથી ભયનો માહોલ
ભચાઉ - કચ્છઉદય : પૂર્વ કચ્છના સરહદી વાગડ વિસ્તારમાં કુદરતી સંપદાની સરેઆમ લૂંટ ચલાવતા ખનીજ માફિયાઓનો ત્રાસ દિન-પ્રતિદિન વકરી રહ્યો છે. ખાસ કરીને રાપર અને ભચાઉ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન અને વહનનું દૂષણ અત્યંત ચિંતાજનક સપાટીએ પહોંચી ગયું છે. કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને નેવે મૂકીને બેફામ બનેલા ખનીજ ચોરો સામે જવાબદાર તંત્રવાહકો તેમજ સ્થાનિક પોલીસનો કોઈ જ ખૌફ રહ્યો ન હોય તેમ ખુલ્લેઆમ કુદરતી સંપદાનો સફાયો કરવામાં આવી રહ્યો છે.
વાગડ પંથકના ગાગોદર, કકરવા, ભરૂડિયા અને બાલાપર સહિતના અનેક નાના-મોટા વિસ્તારોમાં રાત-દિવસ જોયા વગર મોટા પાયે ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. આ વિસ્તારોમાં જેસીબી અને હિટાચી જેવા વિશાળ કાય મશીનો વડે જમીનનું ઊંડું ખોદકામ કરીને સરકારી મિલકત સમાન ખનીજનો અસીમ જથ્થો તસ્કરી કરીને બારોબાર વેચી દેવામાં આવે છે. સ્થાનિક રહેવાસીઓ અને જાગૃત નાગરિકો દ્વારા આ અંગે ખાણ-ખનીજ વિભાગ તેમજ પોલીસ તંત્રને અવારનવાર વ્યાપક અને લેખિત ફરિયાદો કરવામાં આવી હોવા છતાં, સંબંધિત તંત્ર દ્વારા સેવવામાં આવી રહેલું ભેદી મૌન અનેક પ્રશ્નો ઊભા કરે છે. તંત્રના આવા નિષ્ક્રિય અને શંકાસ્પદ વલણને કારણે ખનીજ માફિયાઓને મોકળું મેદાન મળી ગયું છે.
પરિસ્થિતિ એટલી હદે વણસી ચૂકી છે કે હવે ખનીજ માફિયાઓ માત્ર પ્રકૃતિની લૂંટ ચલાવીને જ અટકી જતા નથી, પરંતુ કાયદાને પોતાના હાથમાં લેતા પણ જરાય અચકાતા નથી. જો કોઈ સ્થાનિક ગ્રામજન કે જાગૃત નાગરિક આ ગેરકાયદે પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે અથવા ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરે, તો ખનીજ ચોરો તેમના પર જીવલેણ હુમલા કરવા સુધી પહોંચી જાય છે. આવા હુમલા અને ધમકીઓના કારણે સમગ્ર વાગડ પંથકમાં ભારે દહેશત અને ભયનું મોજું ફરી વળ્યું છે.
સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું ખાતર પાડતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી પર્યાવરણને પણ અગણિત નુકસાન થઈ રહ્યું છે. જમીનનું અસંતુલિત ખોદકામ, રસ્તાઓનો વિનાશ અને કુદરતી સ્ત્રોતોની જાનહાનિ થવા છતાં સ્થાનિક પ્રશાસનની લાચારી અને નિષ્ક્રિયતા અત્યંત આશ્ચર્યજનક છે. વાગડ વિસ્તારની પ્રજા હવે આક્રોશ સાથે માગણી કરી રહી છે કે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક ધોરણે ખાસ તપાસ ટીમોની રચના કરવામાં આવે, તમામ ગેરકાયદેસર ખાણો પર દરોડા પાડવામાં આવે અને આ ખનીજ માફિયાઓ તેમજ તેમને પરોક્ષ રીતે મદદગાર બનતા તત્વો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
..........
વાગડ પટ્ટામાં બેફામ ખનીજચોરીઃ કયા ખાખીધારીની ભાગબટાઈ ?
ખનીજચોરોને કોના આશીર્વાદ? ઉચ્ચ અધિકારીઓ તટસ્થ તપાસ
કરાવે તો મોટા કદના ખાખીધારીઓના નામ બહાર આવવાની શક્યતા’
રાપર/વાગડઃ કચ્છના વાગડ પટ્ટામાં છેલ્લા કેટલાક સમયથી ખનીજચોરીની પ્રવૃત્તિ બેફામપણે ચાલી રહી છે. સ્થાનિક સ્તરે અવારનવાર રજૂઆતો અને ફરિયાદો થવા છતાં ખનીજ માફિયાઓ નિર્ભય બનીને કુદરતી સંપત્તિનું નિકંદન કાઢી રહ્યા છે, ત્યારે આ સમગ્ર કાળા કારોબારમાં સ્થાનિક પોલીસ એટલે કે ખાખીધારીઓની ભૂમિકા સામે ગંભીર શંકાની સોય ચીંધાઈ રહી છે. મુખ્ય પ્રશ્નો અને લોકચર્ચાના મુદાઓની જો વાત કરીએ તો વાગડ પટ્ટામાં મોટા પાયે થઈ રહેલી ખનીજચોરીમાં કયા ‘મોટા કદના’ ખાખીધારીની સીધી કે આડકતરી ભાગબટાઈ અથવા હપ્તાખોરી છે તે અંગે પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસ અજાણ કે અજાણ હોવાનો ડોળ દિવસ-રાત ધમધમતા ખનીજચોરીના રોયલ્ટી વગરના વાહનો અને વિસ્તારમાં ચાલતા અનધિકૃત ઉત્ખનનથી સ્થાનિક પોલીસ કેમ અજાણ છે? કે પછી બધું જાણવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? વાગડ પટ્ટામાં ખનીજચોરોને આટલી હિંમત કોના તરફથી મળી રહી છે? કયા અધિકારીઓ કે કર્મચારીઓ આ તત્વોને છાવરી રહ્યા છે તે તપાસનો વિષય બન્યો છે. ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ તપાસની માંગ“સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જિલ્લા પોલીસ વડા (જીઁ) તથા રાજ્યના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વાગડ પટ્ટામાં ચાલતી ખનીજચોરી અને તેમાં સંડોવાયેલા સ્થાનિક ખાખીધારીઓની ઉંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે. જો કોઈ ઉચ્ચ કક્ષાની સ્પેશિયલ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવે અને તપાસ થાય, તો ખનીજચોરી પાછળનું મોટું નેટવર્ક અને તેને આશરો આપતા ખાખીધારીઓના ચહેરા ખુલ્લા પડી શકે તેમ છે.

Comments