સતત અકસ્માતો વચ્ચે કુકમા અને વરસામેડી ટોલનાકે વાહન ચાલકોના ખીસ્સા વધુ ખંખેરાશે
૧૦૦ દિવસમાં બીજીવખત ટોલમાં ચુપચાપ વધારો ઝીંકી દેવાયો : રસ્તામાં આડેધડ ખાડા, રતનાલ બાયપાસ સહિતના સ્થળોએ થતા અકસ્માતો, અધુરા કામો છતાં ટોલ લેવામાં મનમાનીના કારણે લોકોનો વધતો આક્રોશ
ભુજ - કચ્છઉદય : ભીમાસર, અંજાર, ભુજ નેશનલ હાઈવેનું કામ અધુરૂં છે, છતાં ટોલ વસુલવા માટે કુકમા અને વરસામેડી ટોલનાકા શરૂ કરી દેવામાં આવ્યા છે. પ્રસિદ્ધિ માટે ઝંખતી સરકાર ૧૧૦૦ કરોડના આ પ્રોજેકટમાં ચુપકીદી સેવીને બેસી ગઈ છે. આ નેશનલ હાઈવે ૧૧૦૦ કરોડથી વધુના ખર્ચે બનાવાયો છે. શરૂઆતમાં રોડના કામમાં ખનિજ ચોરીના ૧૦ થી વધુ મામલા સામે આવ્યા હતા. બીજી તરફ અધુરા કામ હોવા છતાં ટોલ શરૂ કરી દેવાયા અને હવે ૧૦૦ દિવસના અંતરાલમાં બીજી વખત વધારો કરાયો છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ જાન્યુઆરીમાં શરૂ થયા બાદ ગત ૧ એપ્રીલથી કુકમા અને વરસામેડી ટોલનાકા પર ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો હતો. જે બાદ હવે ર૦ જુલાઈની મધ્યરાત્રીથી બીજો ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે. કુકમા ટોલનાકે કાર, જીપ જેવા વાહનો માટે અગાઉ એક દિવસની રીટર્ન મુસાફરી માટે ૯૦ રૂપિયા ટોલ હતો તેના ૯પ રૂપિયા કરવામાં આવ્યા છે. જયારે પ૦ મુસાફરી માટે માસિક પાસ અગાઉ ર૦૦પ રૂપિયા હતો તેમાં હવે ર૦૬પ રૂપિયા દર લગાવવામાં આવ્યા છે. આ સિવાય લાઈટ કોમર્શીયલ વ્હીકલમાં ૯પ થી ૧૦૦, બસ - ટ્રકમાં ર૦પ થી ર૧૦, ત્રણ એકસલમાં રર૦ થી ર૩૦, હેવી વ્હીકલમાં ૩ર૦ થી ૩૩૦ અને મોટા વાહનોમાં ૩૦૦ થી ૪૦૦ નો વધારો સીંંગલ મુસાફરી માટે કરવામાં આવ્યો છે. તમામ દરોમાં સીધો પ થી ૧૦૦ રૂપિયાનો વધારો લાગુ કરવામાં આવ્યો છે. આ સિવાય વરસામેડી ટોલનાકે પણ હેવી વાહનોમાં અગાઉ ર૬૦ હતા જયાં ર૬પ કરવામાં આવ્યા છે. જયારે મોટા વાહનો ૭ એકસલમાં અગાઉ ૩૧પ ની તુલનાએ ૩રપ નો ભાવ વધારો કરાયો છે. કાર, જીપ અને લાઈટ કોમર્શીયલમાં પ૦ અને ૮૦ રૂપિયા બરકરાર રાખવામાં આવ્યા છે. માસિક પાસમાં પણ ૧૦ રૂપિયાનો વધારો થયો છે.
ખરેખર આ નેશનલ હાઈવે ભીમાસરથી ભુજ થઈ ખાવડા રોડને જોડે છે પરંતુ આજદિન સુધી માધાપર નળસર્કલથી પોલીસ ચોકી થઈ શેખપીર સુધી નેશનલ હાઈવે આ રસ્તો પોતા હસ્તક લીધો નથી. આ રસ્તો જીએસઆરડીસીમાં આવે છે. હાલમાં અહીં વ્યાપક ખાડા તેમજ રસ્તાની બન્ને બાજુ દબાણો છે. કુકમાથી વરસામેડીને જોડતા રોડ પર રેલડી ફાટકનું કામ ચાલુ છે. નેશનલ હાઈવે પર ફાટક હોય જ નહીં છતાં અહીં ફાટક પર ઓવરબ્રીજ બન્યો ન હોવા છતાં ટોલ વસુલવામાં આવ્યો હતો. આ સિવાય અવારનવાર રતનાલ સહિતના રસ્તા પર અકસ્માત થાય છે. અગાઉ આંદોલનો થયા છે તેમ છતાં કોઈ જાતની મરંમત કરવામાં આવતી નથી. કુકમા ટોલનાકે તકનીકી ખામીથી ટ્રાફીક જામ પણ થાય છે. ટોલ વસુલવા કરતા લોકોને સુવિધા મળે તે વધુ જરૂરી બની રહે છે.
.....................
રતનાલ નજીક નિંગાળ ફાટકે બાઈક ડીવાઈડર સાથે ભટકાતા માધાપરના યુવકનું મોત
ભુજ - કચ્છઉદય : ભુજ - અંજાર નેશનલ હાઈવે પર રતનાલ નજીક નિંગાળ ફાટક પાસે ગઈકાલે રાત્રે ૧૧.પ૦ વાગ્યાના અરસામાં અકસ્માત થયો હતો. જી.કે. જનરલ હોસ્પિટલ ચોકીમાંથી મળતી વિગતો મુજબ હતભાગી માધાપરમાં રહેતા કલ્પેશભાઈ વાલજીભાઈ જોગી બાઈક લઈને જતા હતા ત્યારે રોડ પર ડીવાઈડર સાથે બાઈક ભટકાતા મોપેડ સ્લીપ થવાથી માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે સારવાર માટે જી.કે.માં લઈ આવ્યા હતા. જયાં તેઓનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જયારે પવનભાઈ મેહુલભાઈ બાવાજીને ઈજાઓ થવાથી તેઓને સારવાર માટે જી.કે.માં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પધ્ધર પોલીસને જાણ કરવામાં આવી હતી.

Comments