DRI ની તપાસે આધોઈ સોપારી કૌભાંડ માં નવો વળાંક આપ્યો
પોલીસે તો કાંઈ ન ઉકાડ્યું..
મુંબઈથી ધરપકડ બાદ લખનૌ સુધી ટીમ દોડી : મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા
પોલીસની તપાસ ઠંડી પડતા ડીઆરઆઈ સક્રિય : કંડલા એસઈઝેડમાંથી ડ્યુટીચોરીના કરોડોના રેકેટના વધુ તાર ખુલવાની દિશામાં તપાસ તેજ
મુંબઈથી સંબંધિત યુનિટના રજિસ્ટર્ડ સંચાલકની ધરપકડ, પૂછપરછમાં ‘રાજવીર’નું નામ ખુલતાં લખનૌ સુધી તપાસનો ધમધમાટ : ચાર કન્ટેનર સોપારી સહિતના દસ્તાવેજી પુરાવા હાથ લાગ્યાની ચર્ચા
ગાંધીધામ : આધોઈ ખાતે પકડાયેલા અંદાજે દોઢ કરોડ રૂપિયાની ડ્યુટીચોરીયુક્ત સોપારીના બહુચર્ચિત પ્રકરણમાં ફરી એકવાર મહત્વનો વળાંક આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. અગાઉ કચ્છ બોર્ડર રેન્જના આઈજીની સાયબર ક્રાઇમ ટીમે આ કૌભાંડનો પર્દાફાશ કરી સાતથી વધુ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (કે.એસ.ઈ.ઝેડ.)માંથી એક્સપોર્ટના નામે આયાત કરાયેલી સોપારી સ્થાનિક બજારમાં ડાયવર્ટ થતી હોવાનો પ્રાથમિક ખુલાસો થયો હતો. જોકે ત્યારબાદ પોલીસની તપાસ ધીમી પડી ગઈ હોવાની ચર્ચાઓ વચ્ચે હવે પાછલા અઠવાડિયાથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડી.આર.આઈ.)ની ટીમે સમગ્ર પ્રકરણમાં ફરીથી સક્રિય તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ, ડીઆરઆઈની ટીમે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલા સંબંધિત યુનિટમાં તપાસનો સપાટો બોલાવી ચાર કન્ટેનર સોપારીનો જથ્થો તેમજ અગાઉ સ્થાનિક બજારમાં ડાયવર્ટ કરાયેલા કન્ટેનરો અંગેના મહત્વના દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યા હોવાનું જાણવા મળે છે. આ તપાસ દરમિયાન અનેક નવા તથ્યો સામે આવ્યા હોવાનું પણ સૂત્રો જણાવી
રહ્યા છે.સૂત્રોના જણાવ્યા મુજબ, સંબંધિત યુનિટ જેના નામે નોંધાયેલું છે તે શખ્સને ડીઆરઆઈએ મુંબઈથી ઝડપી લઈ કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે ‘રાજવીર’ નામના શખ્સની સંડોવણી અંગે માહિતી આપતાં ડીઆરઆઈની એક વિશેષ ટીમ તેની શોધખોળ અને ધરપકડ માટે લખનૌ તરફ રવાના થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.તપાસ સાથે સંકળાયેલા વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે જો અત્યાર સુધી ઝડપાયેલા તમામ
આરોપીઓની સઘન અને સામસામી પૂછપરછ કરવામાં આવે તો માત્ર એકાદ-બે નહીં પરંતુ આવા અનેક કન્ટેનરો સ્થાનિક બજારમાં ડાયવર્ટ કરાયા હોવાનો ભાંડો ફૂટી શકે છે. પરિણામે કરોડો રૂપિયાની ડ્યુટીચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.સાથે જ લાંબા સમયથી ઝોન વિસ્તારમાં સક્રિય હોવાનું કહેવાતા રાજેશ, આનંદ, મહાદેવ સહિતના શખ્સોની સંભવિત ભૂમિકા પણ તપાસના દાયરામાં આવી શકે છે. તપાસના તાર આ સમગ્ર નેટવર્કને આશ્રય
આપતા અન્ય પ્રભાવશાળી તત્વો અને ભ્રષ્ટાચારના સંભવિત કડીઓ સુધી પણ લંબાય તેવી સંભાવનાઓ તપાસ વર્તુળોમાં વ્યક્ત થઈ રહી છે.જોકે, ઉપરોક્ત તમામ વિગતો તપાસ સાથે જોડાયેલા સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી છે. સમગ્ર મામલે ડીઆરઆઈ અથવા સંબંધિત તપાસ એજન્સી દ્વારા સત્તાવાર પુષ્ટિ થવાની હજુ બાકી છે અને તપાસ આગળ વધતાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
.........
સવાલોનો મારો
•પોલીસે સાતથી વધુ આરોપીઓ પકડ્યા બાદ તપાસ અચાનક કેમ ઠંડી પડી ગઈ?• ડીઆરઆઈને ફરી મેદાનમાં ઉતરવાની જરૂર શા માટે પડી? • કંડલા એસઈઝેડમાંથી એક્સપોર્ટના નામે કેટલી સોપારી સ્થાનિક બજારમાં ડાયવર્ટ થઈ? • માત્ર ચાર કન્ટેનર જ કે પછી અગાઉના અનેક કન્ટેનરોનો પણ ભેદ ખુલશે? • મુંબઈથી ઝડપાયેલા યુનિટ સંચાલકે પૂછપરછમાં કયા નવા નામો જાહેર કર્યા? • ‘રાજવીર’ની ભૂમિકા શું છે? લખનૌ સુધી તપાસ પહોંચવા પાછળનું કારણ શું? • કરોડોની ડ્યુટીચોરીના આ રેકેટમાં માસ્ટરમાઇન્ડ કોણ? • કૌભાંડમાં અન્ય વેપારીઓ, આયાતકારો કે અધિકારીઓની સંડોવણી છે?• લાંબા સમયથી ચાલી રહેલા આ કથિત ગોરખધંધા પર અગાઉ કોઈ કાર્યવાહી કેમ થઈ નહીં? • કચ્છમાં પકડાયેલો કેસ દેશવ્યાપી ડ્યુટીચોરીના મોટા નેટવર્ક સાથે જોડાયેલો છે? • કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની દેખરેખ વ્યવસ્થામાં ક્યાં ખામી રહી? • તપાસ હવે માત્ર આરોપીઓ સુધી મર્યાદિત રહેશે કે સમગ્ર નેટવર્ક સુધી પહોંચશે?• કરોડોની ડ્યુટીચોરીથી સરકારને કેટલું નુકસાન થયું? • ડીઆરઆઈની તપાસમાં હજુ કેટલા નવા ચહેરા બેનકાબ થવાના બાકી છે? • આ સમગ્ર પ્રકરણમાં ભ્રષ્ટાચારને આશ્રય આપનારાઓ સામે પણ કાર્યવાહી થશે?
.......

Comments