Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના દરિયાઈ વિસ્તારમાં મરીન કમાન્ડો દ્વારા લક્કીનાળાથી રામેન્દ્રા સુધી સઘન ફુટ પેટ્રોલિંગ

20 July


ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના સરહદી અને સંવેદનશીલ દરિયાઈ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવા માટે પોલીસ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. રાજ્યની દરિયાઈ સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સંભવિત આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં રાષ્ટ્રવિરોધી તત્વો પર કડક નજર રાખવાના હેતુથી એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અંતર્ગત દરિયાકાંઠાના વિસ્તારોમાં શંકાસ્પદ શખ્સોની હિલચાલ, શંકાસ્પદ વસ્તુઓ, ડ્રગ્સના પેકેટ, બિનવારસી બેગ તેમજ ડ્રોનની ગતિવિધિઓ, દાણચોરી અને કેફી પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી જેવી તમામ દેશવિરોધી પ્રવૃત્તિઓ પર પૂર્ણપણે અંકુશ મેળવવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા અને નાયબ પોલીસ મહાનિરિક્ષક (દરિયાઈ સુરક્ષા) એ. એમ. મુનિયાની ખાસ સૂચનાઓ તેમજ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર કમાન્ડર એસ. જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર લીડરની કચેરી, કોટેશ્વર દ્વારા આ સઘન ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ પોલીસ અધિક્ષક બી. કે. ઝાલા, પોલીસ ઇન્સ્પેક્ટર આર. ડી. ઝાલા સહિત પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને મરીન કમાન્ડોની ટીમોએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું હતું.
આ સુરક્ષા અભિયાન અંતર્ગત મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમો દ્વારા કચ્છ જિલ્લાના લક્કીનાળાથી શરૂ કરીને રામેન્દ્રા વિસ્તાર સુધીના દરિયાઈ કાંઠા પર પાંચ કિલોમીટર કરતાં પણ વધુ અંતરનું કપરૂં ફુટ પેટ્રોલિંગ એટલે કે પગપાળા પ્રવાસ કરીને સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ વિશેષ ડ્રાઇવ દરમિયાન સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારમાં ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક કક્ષાએ શંકાસ્પદ જણાતા ઇસમોની પૂછપરછ કરવામાં આવી હતી તેમજ શંકાસ્પદ વાહનો અને દરિયામાં અવરજવર કરતી શંકાસ્પદ બોટોની પણ સઘન તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત કાંઠા વિસ્તારમાં આવેલા અવાવરુ અને સુમસામ સ્થળોને પણ ખાસ ચેક કરવામાં આવ્યા હતા જેથી ભવિષ્યમાં કોઈપણ અનિચ્છનીય ઘટના કે સુરક્ષામાં ચૂક થવાની શક્યતાઓને નિર્મૂળ કરી શકાય. 
------- 

Comments

COMMENT / REPLY FROM