અમરવાંઢ ખાતે પશુ સારવાર, ગર્ભપરીક્ષણ અને રસીકરણ કેમ્પનું આયોજન
નલિયા - કચ્છઉદય : અબડાસા તાલુકાના અમરવાંઢ ગામે પશુધનના સ્વાસ્થ્ય અને સંભાળને ધ્યાનમાં રાખીને કેમ્પ સ્થળ અમરવાંઢ ખાતે પશુ સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ગામના પશુપાલકોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કેમ્પમાં પશુ ચિકિત્સક ડો. શેરસિંહ ચૌહાણ તથા ડો. મિતેશ પટેલ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબો દ્વારા ૫૦ જેટલા પશુઓનું ગર્ભપરીક્ષણ (ગર્ભધારણ ટેસ્ટ) કરવામાં આવ્યું હતું અને તપાસના પરિણામ આધારે પશુઓને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગામના અન્ય પશુઓને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રસીકરણ કરવામાં આવ્યું હતું અને તેમને યોગ્ય સારવાર તેમજ દવાઓ પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં નલિયા પશુ દવાખાનાના કર્મચારી હાથુભા સોઢા, ગામના પશુપાલકો કાદરછા પીરઝાદા. લતીફછા, હાસમ મંધરા, અબ્દુલા કેર અબ્દુલાછા, ઈમામછા, અમીનછા, સીધીક કેર. ઈબ્રાહીમ કેર વગેરે પશુ માલિકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પશુ ચિકિત્સકો દ્વારા પશુપાલકોને પશુઓની યોગ્ય સંભાળ, પોષણ અને મોસમી બીમારીઓથી રક્ષણ મેળવવા અંગે ઉપયોગી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થતાં ગ્રામજનો અને પશુપાલકોએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
-------

Comments