Trending News
સ્થાનિક સમાચાર

સમાજ સુરક્ષા ખાતાના નેજા હેઠળ કચ્છ કાર્નિવલ દરમિયાન ભિક્ષાવૃત્તિ નિવારણ અને માનસિક આરોગ્ય અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું

20 July


ભુજ - કચ્છઉદય :  સમાજ સુરક્ષા ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તથા કમિશનર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના સહયોગથી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ, ભુજ દ્વારા કચ્છ કાર્નિવલ દરમિયાન ભુજ ખાતે ભિક્ષાવૃત્તિ નિવારણ અને માનસિક આરોગ્ય અંગે વિશેષ જનજાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું.
આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોમાં માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ ભિક્ષાવૃત્તિ જેવી સામાજિક સમસ્યાના નિવારણ માટે લોકોમાં સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો. કચ્છ કાર્નિવલમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સ્થાનિક નાગરિકો તેમજ બહાર ગામથી  આવેલા પ્રવાસીઓ સુધી આ અભિયાનનો સંદેશ પહોંચે તે હેતુથી સંસ્થાના કાર્યકરોએ સ્થળ પર જઈ આશરે ૫,૦૦૦ જેટલા માહિતીપ્રદ પેમ્ફ્લેટનું વિતરણ કર્યું હતું. પેમ્ફ્લેટ દ્વારા લોકોને સમજાવવામાં આવ્યું કે ભિક્ષા આપવાના બદલે જરૂરિયાતમંદ, નિરાધાર અથવા માનસિક અસ્વસ્થ વ્યક્તિઓને પુનર્વસન, સારવાર અને આશ્રયની વ્યવસ્થા સાથે જોડવા માટે સંબંધિત તંત્રને જાણ કરવી વધુ યોગ્ય અને માનવતાભર્યો અભિગમ છે.
આ અભિયાન દરમિયાન માનસિક અસ્વસ્થ, નિરાધાર અને ભિક્ષાવૃત્તિમાં સંકળાયેલા લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં ગૌરવપૂર્ણ જીવન જીવવાની તક મળે તે માટે જનસહભાગિતા અને સામાજિક જવાબદારીનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતુું. આ જનજાગૃતિ અભિયાનને સફળ બનાવવા માટે રામજીભાઈ ગરવા, કે.સી. ગોપી, દર્શન પટેલ તથા નેહાબેન આહીર દ્વારા સક્રિય સહયોગ અપાયો હતો. લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ, ભુજ દ્વારા આવા લોકકલ્યાણકારી અને જનજાગૃતિના કાર્યક્રમો સતત યોજી સમાજમાં જાગૃતિ, સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીનો ભાવ વિકસાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
-----

Comments

COMMENT / REPLY FROM