ભેડમાતા ડુંગર ખાતે ભવ્ય વૃક્ષારોપણ મહાઅભિયાન યોજાયું
ભુજ - કચ્છઉદય : ભુજ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ભેડમાતા ડુંગર વિસ્તારમાં બિરાજમાન શ્રી રાઉવારી મોમાય માતાજીના આંગણે અષાઢી બીજના પાવન અવસરે એક ભવ્ય વૃક્ષારોપણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ભજુ તને ભેળવાળી માતાજી ગ્રુપ’ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર ડુંગરાળ વિસ્તારને હરિયાળો બનાવી ભવિષ્યમાં તેને એક સુંદર નંદનવન તરીકે વિકસાવવાનો છે.
આ પર્યાવરણલક્ષી કાર્યક્રમની શરૂઆત ભુજ સ્વામીનારાયણ મંદિરના પૂજ્ય સંતોના આશીર્વાદ સાથે અને તેમના જ પાવન હસ્તે વૃક્ષારોપણ કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે માતાજીના ભુવાજી, કચ્છ જળ મંદિરના જયેશભાઈ લાલકા, સાવધરિયા પરિવાર, નારાણબાપા, તેમજ ’મિશન હરિઓમ’ના હરી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાઅભિયાનમાં મોટા બંદરા, સણોસરા અને કૈલાશનગર સહિતના આજુબાજુના ગામોના ગ્રામજનો, હરિભક્તો અને મોટી સંખ્યામાં પર્યાવરણપ્રેમીઓ તન, મન અને ધનથી જોડાયા હતા.
આ અભિયાન અંતર્ગત ડુંગર પર ૨૦૦થી વધુ મોટા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. માત્ર વૃક્ષો વાવવા પૂરતું જ નહીં, પરંતુ તેના નિયમિત ઉછેર, પાણી પાવાની વ્યવસ્થા અને સંપૂર્ણ જાળવણી કરવાની જવાબદારી પણ ઉપસ્થિત સૌ ભક્તોએ ઉત્સાહપૂર્વક સ્વીકારી હતી. માતાજીના આ ધામના સર્વાંગી વિકાસ અને વૃક્ષોના સંરક્ષણ માટે વિવિધ દાતાઓ દ્વારા બોર, પાઇપલાઇન, પાણી અને વીજળીની સુવિધા તેમજ વૃક્ષોની સુરક્ષા માટે લોખંડની વાડ (ટ્રી-ગાર્ડ) જેવી જરૂરી સેવાઓ સમર્પિત કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન મિશન હરિઓમના હરીભાઈ, નારાણબાપા અને માતાજીના ભક્તો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકોએ પર્યાવરણનું જતન કરવા, વધુમાં વધુ વૃક્ષો વાવવા અને ‘હરિયાળો કચ્છ’ બનાવવાના મક્કમ સંકલ્પ સાથે આ પ્રેરણાદાયી અભિયાનને વિરામ આપ્યો હતો.
-----

Comments