લાલન કોલેજ ખાતે સંસ્કૃત કક્ષનું કરાયું ઉદ્દઘાટન
ભુજ - કચ્છઉદય : આર. આર. લાલન કોલેજ ભુજ ખાતે પ્રથમ વર્ષ બી.એ. તેમજ બીએસ.સી.ના વિદ્યાર્થીઓનાં પ્રવેશ નિમિત્તે અને કોલેજ ખાતે નવી શિક્ષણનીતિ સંદર્ભે સાતમું સેમેસ્ટર શરૂ થતાં વિદ્યાર્થીઓના પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે ગુજરાત સરકારની નીતિ હેઠળ કૉલેજ ખાતે એક સંસ્કૃતકક્ષ તૈયાર કરવામાં આવ્યો જેનું ઉદ્દઘાટન મહાનુભાવોને હસ્તે કરવામાં આવ્યું હતો. આરંભે પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓ રબારી હેતલ અને ગુસાઈ દિયાએ સરસ્વતીવંદનાની પ્રસ્તુતિ કરી હતી. ત્યારબાદ દીપપ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. પ્રવેશોત્સવમાં અતિથિ તરીકેભુજના ધારાસભ્ય કેશુભાઇ પટેલ, તાલુકા પંચાયત ભુજના પ્રમુખ લક્ષ્મીબેન ખેતાણી, રાજકોટ લો કોલેજના આચાર્ય ડો. કમલેશભાઈ બુધ્ધભટ્ટી, આર. આર. લાલન કોલેજ-ભૂતપૂર્વ વિદ્યાર્થીમંડળના પ્રમુખ મુરબ્બી જોરાવરસિંહ રાઠોડ, ઉપપ્રમુખ ઝવેરીભાઈ સોનેજી, ઉપપ્રમુખ ડો. મહેન્દ્રભાઈ ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. સર્વે મહેમાનોનું શાલ અને પ્રતીક ભેટથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. સી. એસ. ઝાલાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.આ તબક્કે મહેમાનોના હસ્તે બીએ, બીએસસી અને દિવ્યાંગ વિદ્યાર્થી તરીકે ત્રણ વિદ્યાર્થીઓ- શર્મા પ્રીત સંજીવભાઈ, વરસાણી સાહિલ કરસનભાઈ અને મહેશ્વરી અર્જુન ભીમજીભાઈનું કીટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. સેમેસ્ટર સાતમાં આ વર્ષથી શરુ થનાર ઓનર્સમાં પ્રવેશ મેળવનાર નાકરાણી કૃપા જયેશભાઈને પણ સમગ્ર વિદ્યાર્થીઓના પ્રતિનિધિરૂપે આવકાર આપવામાં આવ્યો. કાર્યક્રમના અતિથિ કેશુભાઈ પટેલે વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો અને કારકિર્દી ઘડવા સક્ષમ બનવા પ્રેરિત કર્યા હતા સાથે તેમણે ઓડીટોરીયમમાં પંખાની સવલત કરાવી આપવા માટે જાહેરાત કરી હતી. સૌએ તેમના આ વચનોને વધાવી લીધાં હતા. પધારેલા મહેમાન જોરાવરસિંહ રાઠોડ અને કે.કે. બુધ્ધભટ્ટીએ કોલેજમાં નૂતન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રેરક વચનો કહ્યાં હતાં તેમજ સ્વઓળખ સાથે સહઅભ્યાસિક પ્રવૃતિઓમાં જોડાવા સૂચન કર્યું હતું. સપ્તધારાના કો-ઓર્ડીનેટર અને સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. મેહુલ શાહે કૉલેજની વિવિધ ધારાઓનો તેમજ કૉલેજનો પ્રાથમિક પરિચય આપ્યો હતો. સંચાલન ગુજરાતી વિભાગના ડૉ. ચૈતાલી ઠક્કરે કર્યું હતું. આભારદર્શન ડૉ. મેહુલ શાહે કર્યું હતું.
-------------

Comments