સરક્રીકમાંથી ફરી બિનવારસી બોટ ઝડપાઈ : સવાલ એ છે કે તેને લાવનારા નાપાક તત્વો ક્યાં ગુમ થઈ ગયા?
ચોમાસાની ‘ઓફ-સિઝન’માં ઘૂસણખોરી : મોટી ગફલતની આશંકા !
’
શું બોટ આપોઆપ દરિયાના મોજાં પર તરીને ભારતીય સરહદમાં ઘૂસી આવી? એજન્સીઓ મૌન કેમ? કચ્છના નિર્જન ટાપુઓ પર ઘૂસણખોરો છુપાયા હોવાની ભીતિ : ચોમાસાની ‘ઓફ-સિઝન’માં માછીમારીના બહાને મોટી સાજિશની આશંકા!
ભુજઃકચ્છની સરહદી ક્રીક લાઈન અને દરિયાઈ વિસ્તારમાંથી અવારનવાર પાકિસ્તાની માછીમારોની બિનવારસી બોટ પકડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તાજેતરમાં જ સરક્રીક વિસ્તારમાંથી વધુ એક બિનવારસુ બોટ સુરક્ષા દળોના હાથે ઝડપાઈ છે. પરંતુ દર વખતની જેમ આ વખતે પણ એક જ મોટો અને વેધક સવાલ હવામાં તરી રહ્યો છે કે, આ બોટમાં સવાર થઈને આવેલા તત્વો ક્યાં ‘છૂ’ થઈ ગયા? શું આ બોટો આપોઆપ જ પાકિસ્તાનથી સરહદ પાર કરીને કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ઘૂસી આવે છે? તેને લાવનારા ઘૂસણખોરો ક્યાં ગુમ થઈ ગયા, તેની કોઈ જ સ્પષ્ટતા સુરક્ષા એજન્સીઓ દ્વારા કેમ કરવામાં આવતી નથી? જડબેસલાક સુરક્ષાના દાવા વચ્ચે સત્તાવાર ફોડ કેમ નહીં?એકતરફ કચ્છના દરિયાઈ અને ક્રીક ક્ષેત્રમાં બીએસએફ, કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસ દ્વારા જડબેસલાક સુરક્ષા કિલ્લેબંધી હોવાના દાવાઓ કરાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ , હાઈટેક કેમેરા અને ડ્રોન સર્વેલન્સ સિસ્ટમ વિકસાવવાની મોટી-મોટી વાતો થાય છે, ત્યારે બીજીતરફ આવી બોટો લઈને સરહદમાં ઘૂસી આવતા નાપાક તત્વો ક્યાં ગાયબ થઈ જાય છે તે રહસ્ય વધુ ઘેરૂ બન્યું છે. સવાલ તો એ પણ થાય છે કે, શું તેઓ સુરક્ષા એજન્સીઓની નજર ચૂકવીને ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી ચૂક્યા છે?કે પછી બોટ અહીં છોડીને દરિયાઈ માર્ગે પરત પાકિસ્તાન જતા રહ્યા છે?આ બાબતે કોઈ જ સત્તાવાર ફોડ ન પાડવામાં આવતા સરહદી વિસ્તારના નાગરિકોમાં અનેક શંકા-કુશંકાઓ જન્મી રહી છે. કચ્છના વિશાળ દરિયાઈ પટ્ટામાં અનેક એવા ટાપુઓ આવેલા છે જે સંપૂર્ણપણે નિર્જન અને વેરાન છે. આ ભૌગોલિક પરિસ્થિતિનો ગેરલાભ લઈને પાકિસ્તાન તરફથી આવેલા શંકાસ્પદ તત્વો આ નિર્જન ટાપુઓ પાછળ છુપાઈ ગયા હોવાની આશંકા નકારી શકાતી નથી. જો આ તત્વો દેશની આંતરિક સુરક્ષાને નુકસાન પહોંચાડવાના ઈરાદા સાથે ભારતીય સરહદમાં પગપેસારો કરી ગયા હોય, તો તે રાષ્ટ્રીય સુરક્ષા માટે બહુ મોટો ખતરો સાબિત થઈ શકે છે. પાકીસ્તાની માછીમારીનો ઈરાદો માની લેવો ભારે પડી શકે છે!“અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે, દરિયો ભારે કરંટ સાથે રફ હોય છે. આ દિવસોમાં કાયદેસરની માછીમારી પર પણ પ્રતિબંધ જેવો માહોલ હોય છે અને દરિયામાં ‘ઓફ-સિઝન’ ચાલે છે. આવા જોખમી હવામાનમાં પણ જો પાકિસ્તાની બોટ કચ્છના કાંઠે ઘૂસી આવતી હોય, તો તેના ઈરાદા માત્ર ‘માછીમારી’ પૂરતા જ રહ્યા હશે તેમ માની લેવું એ વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓ માટે ભારે ગફલતભર્યું સાબિત થઈ શકે છે. માત્ર બિનવારસી બોટ પકડીને સંતોષ માની લેવાના બદલે, એજન્સીઓએ હવે કડક રૂખ અપનાવવી પડશે. ક્રીકના ગૂંચવણભર્યા માર્ગો અને નિર્જન ટાપુઓ પર તાત્કાલિક મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવું અનિવાર્ય બન્યું છે. દેશની જનતા અને સરહદી કચ્છના રહિશોને એ જાણવાનો પૂરો હક છે કે આ બોટો લાવનારા અસલી ચહેરાઓ અત્યારે ક્યાં છે?

Comments