Trending News
સ્થાનિક સમાચાર

નર્મદા કેનાલમાંથી પાણીની બેફામ ચોરી 

20 July


પૂર્વ કચ્છમાં ઉદ્યોગો અને હોટલોને ‘લીલા લહેર’ : જનતાને પાણી માટે વલખા

તંત્રની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે પૂર્વ કચ્છમાં પાણીચોરો બેફામ ; હાઈવે પર સિક્યુરિટી ગાર્ડ ગોઠવીને રાત-દિવસ થાય છે કિંમતી જળની ખુલ્લેઆમ લૂંટ : જનતાના હકનું પાણી ઉદ્યોગપતિઓ અને હોટલ માલિકો ઉસેડી રહ્યા છે અને વહીવટી તંત્ર મૌન પ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે તમાસો 


પાણીના ગેરકાયદેસર જોડાણોની જિલ્લા વ્યાપી તપાસ કરાવો : સંકલનમાં આ વિષય બાબતે વિવીધ અધિકારીઓના લ્યો કડક ઉધડા : પાણી પુરવઠા સહિતના જેઓની જવાબદારી બની રહી છે તે તમામ શું કરી રહ્યા છે આ દીશામા?


ભચાઉ - કચ્છઉદય : કચ્છ જિલ્લાની સૂકી ભઠ્ઠ ધરતી પર નર્મદાના નીરના આગમન બાદ એક તરફ ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે, પરંતુ આ સિક્કાની બીજી બાજુ અત્યંત કાળી અને ચિંતાજનક છે. કચ્છના પૂર્વ વિભાગમાં નર્મદાની મુખ્ય કેનાલ જાણે સ્થાનિક ખાનગી ધંધાર્થીઓ, હાઈવેની હોટલો અને મોટા ઉદ્યોગ ગૃહો માટે મફત કમાણીનું સાધન બની ગઈ છે. પૂર્વ કચ્છના રાપર અને ભચાઉ પંથકમાં નર્મદાની કેનાલમાંથી પાણીની બેફામ ચોરી થવાની ફરિયાદો અવારનવાર ઉઠી રહી છે, પરંતુ જવાબદાર તંત્ર દ્વારા આ ગંભીર બાબતે જાણીજોઈને ખાડા કાન કરવામાં આવતા હોવાથી પાણી ચોરીનું આ દૂષણ હવે અત્યંત વકરી ગયું છે.સ્થાનિક સૂત્રો પાસેથી મળતી ચોંકાવનારી વિગતો મુજબ, ભચાઉથી શરૂ કરીને કુંજીસર, મેઘપર, સામખીયાળી, લાકડીયા, પલાસવા, ગાગોદર, કટારીયા, શિકારપુરથી માંડીને છેક માળિયા હાઈવે પર આવેલી હોટલોમાં ચોવીસે કલાક પાણીની રેલમછેલ જોવા મળે છે. આ તમામ હોટલો અને સર્વિસ સ્ટેશનોમાં કોઈ કાયદેસરના કનેક્શન વિના, માત્ર નર્મદાની કેનાલમાંથી ગેરકાયદેસર પાઈપલાઈનો નાખીને ખુલ્લેઆમ પાણીની ચોરી કરવામાં આવી રહી છે. નવાઈની વાત તો એ છે કે, હાઈવે પર ધમધમતી આ મોટી હોટલો ઉપરાંત આ ઔદ્યોગિક વિસ્તારના રાક્ષસી ઉદ્યોગ જૂથો પણ પાણીની ચોરી કરવામાં જરાય પાછળ રહ્યા નથી.આ ઉદ્યોગો અને ખાનગી ધંધાર્થીઓની હિંમત એટલી હદે વધી ગઈ છે કે જ્યારે કેનાલમાંથી મોટા મોટા પંપો દ્વારા પાણી ખેંચવામાં આવતું હોય, ત્યારે હાઈવે પર સરકારી તંત્ર કે પોલીસની કોઈ તપાસ ગાડી આવે છે કે નહીં તેની વોચ રાખવા માટે ખાસ ખાનગી સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવે છે. આ સિક્યુરિટી ગાર્ડ્‌સ બાજ નજર રાખે છે અને કોઈ સરકારી અધિકારીની હિલચાલ દેખાય તો તરત જ પાણી ખેંચવાનું ઓપરેશન બંધ કરી દેવાય છે.આ સમગ્ર કૌભાંડમાં સૌથી વધુ આઘાતજનક બાબત વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની ભૂમિકા છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ સાથે ચર્ચા છે કે તંત્રના કેટલાક ભ્રષ્ટ બાબુઓની મિલીભગત અને સીધી સાઠગાંઠના કારણે જ આ પાણીચોરોને મોકળું મેદાન મળી ગયું છે. કાયદાનો કોઈ ડર ન હોય તેમ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રાત-દિવસ ચાલી રહી છે. જ્યારે બીજી તરફ, આ વિસ્તારના સામાન્ય શહેરી અને ગ્રામીણ જનતાને પીવા માટે પૂરતું પાણી પણ નસીબ થતું નથી. આમ, જનતાના હકનું પાણી ઉદ્યોગપતિઓ અને હોટલ માલિકો ઉસેડી રહ્યા છે અને વહીવટી તંત્ર મૌન પ્રેક્ષક બનીને આ તમાશો જોઈ રહ્યું છે. જો તાત્કાલિક ધોરણે આ પાણીચોરો સામે કડક કાનૂની પગલાં ભરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં પૂર્વ કચ્છમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાશે અને જનઆંદોલન ફાટી નીકળે તો નવાઈ નહીં.

Comments

COMMENT / REPLY FROM