કચ્છના પશુપાલકો માટે રાહત દરે ઘાસ વિતરણ નો નિર્ણય આવકાર-દાયક, પણ અમલવારીમાં નહી નડે આ મોટા પડકારો?
જે રીતે કચ્છ જિલ્લા કલેકટરશ્રી અબોલ પશુધનની વહારે આવવા માટે પુરજોશમાં મહેનત કરી સમસ્યાને પહોંચી વળવા ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે તે ધન્યવાદને પાત્ર છે..! : વહીવટીતંત્રની સાથોસાથ વિવિધ જીવદયાપ્રેમી-ધાર્મિક સંસ્થાઓએ પણ મદદમા જોડાઈ પશુધનને રાહત મળે તેવા પ્રયાાસે હાથ ધરી અબોલ જીવોના આર્શીવાદ મેળવવાની કરવી જોઈએ પહેલ : ફકત આવેદનો અને રજુઆતો માત્ર જ નહી પણ અબોલ જીવોને કે મદદરૂપ થવાય તે વિચારી અમલવારી કરવાનો સમય આવ્યો છે, હવે જરૂર છે મદદની..!
મોટો ભૌગોલિક વિસ્તાર વહીવટીતંત્રની કસોટી કરશે : ઘાસ કાર્ડ બનાવવામાં ભ્રષ્ટાચાર અને ટેન્કર માફિયાઓની જેમ ’ઘાસ માફિયાઓ’ સક્રિય ન થાય તે માટે કલેક્ટર તંત્રએ રાખવી પડશે કડક અગમચેતી
ગાંધીધામ : અછત અને દુષ્કાળનો કાયમી સામનો કરતા સરહદી કચ્છ જિલ્લાના માલધારીઓ માટે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા પ્રતિકિલો માત્ર બે રૂપિયા લેખે સૂકો ઘાસચારો આપવાનો નિર્ણય ખરેખર સંજીવની સમાન અને આવકારદાયક છે.
પરંતુ, વાતાનુકૂલિત ઓફિસોમાં બેસીને બનાવાતા સરકારી ઠરાવો અને કચ્છની વરવી વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત હોય છે. સરકારના આ આદેશની ગ્રાઉન્ડ લેવલ પર અમલવારી કરતી વખતે વહીવટીતંત્ર અને કલેક્ટર સામે કેવા ગંભીર પ્રશ્નો, નકારાત્મક પાસાઓ અને પડકારો આવી શકે છે અથવા તો આ આદેશની અમલવારીમાં કેટલાક પડકારો તંત્રને નહી નડે? તેવા સવાલો પણ આ ક્ષેત્રથી સંકળાયેલા અભ્યાસુવર્ગ દ્વારા કરવામા આવી રહ્યા છે.
..............
કંટ્રોલરૂમ કરવો જોઈએ શરૂ : માલધારી સીધી જ કરી શકે સમસ્યાની ફરીયાદ.!
ગાંધીધામ : સરકારની દાનત પશુપાલકોને મદદ કરવાની છે તેમાં કોઈ શંકા નથી, પરંતુ જો કચ્છનું વહીવટીતંત્ર ઊંઘતું ઝડપાશે તો આ યોજના માત્ર કાગળ પર જ સગેવગે થઈ જશે. તંત્રએ ’પ્રો-એક્ટિવ’ થઈને કંટ્રોલ રૂમ શરૂ કરવો જોઈએ, જેથી ઘાસચારાની અછત કે કાળાબજાર અંગે માલધારીઓ સીધી ફરિયાદ કરી શકે.
......................
૫ પશુઓની મર્યાદા અને કચ્છનો માલધારીઃ ઊંટના મોંમાં જીરા સમાન સાબિત નહી થાય?
ગાંધીધામ : સરકારી ઠરાવ મુજબ પરિવાર દીઠ વધુમાં વધુ ૫ પશુઓ માટે જ ઘાસ અપાશે. વાસ્તવિકતા એ છે કે કચ્છના નાના અને સીમાંત માલધારીઓ પાસે પણ સરેરાશ ૨૦ થી
પચાસ કે તેથી વધુ પશુઓ હોય છે. તેવામાં માત્ર ૫ પશુઓ લેખે અપાતું ઘાસ ઊંટના મોંમાં જીરા સમાન સાબિત થશે. બાકીના પશુઓ ક્યાં જશે? આ મર્યાદા પશુપાલકોમાં ભારે અસંતોષ ઊભો કરી શકે છે.
.......................
તંત્ર અને કલેક્ટર વહીવટીતંત્રએ રાખવાની અગમચેતીઓ..!
ગાંધીધામ : આ યોજનાનો લાભ સાચા અર્થમાં છેવાડાના માલધારી સુધી પહોંચે તે માટે કલેક્ટર તંત્રએ કેટલીક કડક અગમચેતી રાખવી અનિવાર્ય છેઃ
૧. બોગસ કાર્ડ અટકાવવા ડિજિટલ વેરિફિકેશન : ફોટાવાળા વિશેષ ઘાસ કાર્ડ બનાવતી વખતે ગ્રામ પંચાયતના પશુ રજીસ્ટર (૮-અ અને તલાટીના દાખલા) તેમજ પશુઓના કાનમાં મારેલા ટેગ નંબર સાથે ક્રોસ-વેરિફિકેશન કરવું જરૂરી છે, જેથી કોઈ લેભાગુ તત્વો ખોટી રીતે લાભ ન ખાટી જાય. ૨. સપ્લાય ચેઈન અને વજનમાં
પારદર્શિતા : વન વિભાગના ડેપો પર આવતો ઘાસચારો ગુણવત્તાયુક્ત અને સૂકો જ હોય તેમજ વજનમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે દરેક ડેપો પર સીસીટીવી અથવા કડક સુપરવિઝન ઓફિસરની નિમણૂક કરવી જોઈએ. સાત દિવસનો જથ્થો એકસાથે આપતી વખતે સડો લાગેલો ઘાસચારો ન ધાબડી દેવાય તે જોવું રહ્યું. ૩. ડેપોની સંખ્યામાં વધારો અને વિકેન્દ્રીકરણ : માત્ર વન વિભાગના ગણ્યાગાંઠ્યા ડેપો પર નિર્ભર રહેવાના બદલે, દરેક તાલુકા મથકે અને મોટા ગઢ (ગામો) મધ્યે હંગામી સબ-ડેપો શરૂ કરવા જોઈએ, જેથી માલધારીઓને પરિવહનનો મોટો ખર્ચ ન ભોગવવો પડે. ૪. મુદત અને પશુ મર્યાદા વધારવા સરકારમાં ત્વરિત રજૂઆત : કચ્છની ગંભીર પરિસ્થિતિને જોતાં કલેક્ટરે પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને અથવા રાજ્ય સરકારમાં તાત્કાલિક દરખાસ્ત મોકલીને ૧૫ દિવસની મુદત લંબાવીને ઓછામાં ઓછી બે મહિના કરવા અને પશુઓની મર્યાદા ૫ થી વધારીને ૧૫ કે ૨૦ કરવા માટે રજૂઆત કરવી જોઈએ.
.............
હયાત સ્ટાફ પર ભારણ અને ભૌગોલિક અંતર
ગાંધીધામ :નવા મહેકમ વગર હયાત સ્ટાફથી જ કામગીરી કરવાનો આદેશ છે. કચ્છના પશ્ચિમ છેડાના લખપત-અબડાસાથી લઈને રાપર-વાગડના અંતરિયાળ ગામો સુધી એક-બે ડેપો પરથી ઘાસ લેવા માટે માલધારીઓને ટ્રેક્ટર ભાડાના ખર્ચા ઘાસની કિંમત કરતાં વધી નહી જાય તેવી ભીતી પણ સેવાઈ રહી છે.
................
‘ઘાસ માફિયા’ અને કાળાબજારની આશંકા
ગાંધીધામ :ભૂતકાળમાં પાણી અને ખાતરમાં જે રીતે કાળાબજાર થાય છે, તેમ સસ્તા દરના આ ઘાસચારાનો જથ્થો બિન-પશુપાલકો કે મોટા તત્વો બોગસ કાર્ડ બનાવીને ડાયવર્ટ કરી જાય તેવી પૂરેપૂરી આશંકા છે.
......................
૧૫ દિવસની ટૂંકી મુદત
ગાંધીધામ :સરકારે આ યોજના માત્ર ૧૫ દિવસ માટે જ ચાલુ રાખવાનો આદેશ કર્યો છે. કચ્છ જેવા વિશાળ જિલ્લામાં જ્યાં અંતરિયાળ વાંઢો અને ગામડાઓ આવેલા છે, ત્યાં ૧૫ દિવસ તો માત્ર વ્યવસ્થા ગોઠવવામાં અને કાર્ડ બનાવવામાં જ નીકળી જશે. આ ટૂંકી મુદત મજાક સમાન સાબિત ન થઈ જાય તે જોવુ પડશે.

Comments