Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં પ્રતિબંધિત ગ્લુ ટ્રેપના ગેરકાયદે વેચાણ સામે તંત્ર લાલઆંખ

19 July




પશુપાલન અને પોલીસ વિભાગ દ્વારા સઘન તપાસ અભિયાન શરૂ : ગાંધીધામ, ભુજ, અંજાર, મુંદરા સહિતના તાલુકાઓમાં મેડિકલ સ્ટોર્સ અને કરિયાણાની દુકાનોમાં ચેકિંગ : પ્રતિબંધિત ગ્લુ ટ્રેપ વેચનારા વેપારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. રાજેશ પટેલની ચેતવણી

ભુજ - કચ્છઉદય : સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવા માટે ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર કાયદાકીય પ્રતિબંધ લાદવામાં આવેલો છે. આ પ્રતિબંધનો કડક અમલ કરાવવા માટે હવે સરહદી કચ્છ જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. જિલ્લા કલેકટર અનીલ રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા પશુપાલન વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે જિલ્લાભરમાં એક સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.  આ ઝુંબેશ અંતર્ગત જિલ્લાના મુખ્ય મથક ભુજ, મહાનગર ગાંધીધામ તેમજ અંજાર, મુંદરા, રાપર, નખત્રાણા અને ભચાઉ સહિતના જુદા-જુદા તાલુકા મથકોએ આવેલી વિવિધ મેડિકલ સ્ટોર્સ, જંતુનાશક દવાઓની દુકાનો તેમજ જથ્થાબંધ કરિયાણાની દુકાનોમાં તંત્ર દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી રહી છે.
આ સઘન ઝુંબેશ અંગે માહિતી આપતાં કચ્છ જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. રાજેશ પટેલે જણાવ્યું હતું કે, ગ્લુ ટ્રેપનો ઉપયોગ ઉંદરો કે અન્ય નાના જીવોને પકડવા માટે થાય છે, પરંતુ તેના કારણે મૂંગા પ્રાણીઓ અને પક્ષીઓ અત્યંત દર્દનાક રીતે તરફડીને મૃત્યુ પામે છે, જે પ્રાણી ક્રૂરતા નિવારણ કાયદા હેઠળ ગંભીર ગુનો બને છે. કચ્છ જિલ્લાના તમામ નાના-મોટા વેપારીઓને આ બાબતે કડક સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ પોતાના વ્યાપારિક એકમોમાં પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ બિલકુલ ન કરે. તપાસ દરમિયાન અધિકારીઓની ટીમ દ્વારા વેપારીઓ અને નાગરિકોમાં પ્રાણી ક્રૂરતા નિવારણ કાયદા અંગે કાનૂની જાગૃતિ પણ ફેલાવવામાં આવી રહી છે. જિલ્લા પશુપાલન અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે, આગામી દિવસોમાં પણ આ સંયુક્ત તપાસ અભિયાન વધુ વેગવંતું બનાવવામાં આવશે. જો કોઈ પણ વેપારી પ્રતિબંધનો ભંગ કરીને ગ્લુ ટ્રેપનું વેચાણ કરતા પકડાશે, તો તેની સામે કાયદાના કડક પ્રાવધાનો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રની આ કડક કાર્યવાહીથી જિલ્લાના પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Comments

COMMENT / REPLY FROM