Trending News
ક્રાઈમ

હિન્દુ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ધર્માંતરણનું દબાણ કરનાર આરોપીને આજીવન કેદ

18 July


ભુજની સ્પેશિયલ કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીને બે લાખના દંડ સાથે સજાનો હુકમ સંભળાવ્યો : ભોગ બનનાર સગીરાને ચાર લાખનું વળતર આપવા અને તેના પુનઃવસન માટે પણ કર્યા આદેશો 


ભુજ - કચ્છઉદય : ભુજ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક અત્યંત ચકચારી અને ગંભીર એવા લવ જેહાદ તેમજ સગીરા પર બળાત્કારના કેસમાં ભુજના સ્પેશિયલ જજ દ્વારા આરોપીને અંતિમ શ્વાસ સુધીની સખત આજીવન કેદની સજા ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. મૂળ મહારાષ્ટ્રના પુના જિલ્લાના ઇન્દાપુર તાલુકાના કાલઠન ગામના વતની એવા ૨૨ વર્ષીય આરોપી જીયાદ ઉર્ફે જીગર ઉર્ફે સમીર લતીફ શેખે હિન્દુ છોકરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવવાના મલિન ઇરાદા સાથે ત્રણ વર્ષ પહેલાં મોબાઈલ ફોનમાં ફ્રી ફાયર મેક્સ નામની ગેમમાં પોતાની સાચી ધાર્મિક ઓળખ છુપાવીને ‘જીગર’ નામથી હિન્દુ આઈડી બનાવ્યું હતું. આ ઓનલાઈન ગેમ રમતી વખતે તેણે કચ્છની એક સગીર વયની અને અનુસૂચિત જાતિની દીકરી સાથે મિત્રતા કેળવી હતી. સગીરાની નાની ઉંમર અને તેની સામાજિક પૃષ્ઠભૂમિની જાણ હોવા છતાં, આરોપીએ તેને વિશ્વાસમાં લઈ લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, આરોપીએ સગીરાની જાણ બહાર તેના કઢંગી હાલતના વાંધાજનક ફોટા પોતાના મોબાઈલમાં પાડી લીધા હતા અને ત્યારબાદ તે ફોટા વાયરલ કરવાની ધમકી આપીને ફરી એકવાર સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આરોપીએ સગીરાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા અને નિકાહ કરવા માટે સતત દબાણ કર્યું હતું. જોકે, સગીરાએ ધર્મ પરિવર્તન કરવાની સ્પષ્ટ ના પાડી દેતાં આરોપીએ તેને સમાજમાં બદનામ કરવાના બદઇરાદાથી અગાઉ પાડેલા કઢંગી હાલતના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધા હતા, જેના કારણે સગીરાની નક્કી થયેલી સગાઈ પણ તૂટી ગઈ હતી.
આ સમગ્ર ગુનાહિત કાવતરામાં માંડવી તાલુકાના ગોધરા ગામના સહહઆરોપીઓ કાસમ ઓસમાણ હિંગોરજા અને અલ્તાફ જુમા લાખાએ મુખ્ય આરોપીને ગોધરા આવવા માર્ગદર્શન આપ્યું હતું અને ત્યાં તેના રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરી આપી હતી. આ ઉપરાંત સહ આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવવામાં મદદ કરી, સગીરાના ઘરની બતાવણી કરી તેમજ તેના પરિવારના સભ્યોની રેકી કરીને મુખ્ય આરોપી જીયાદને તમામ માહિતી પહોંચાડી ગુનામાં સક્રિય મદદગારી કરી હતી. આ ચકચારી ઘટના અંગે ભુજ બોર્ડર રેન્જના સાયબર પોલીસ સ્ટેશનમાં આઈપીસી, પોક્સો એક્ટ, એટ્રોસિટી એક્ટ, આઈટી એક્ટ તેમજ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ ૨૦૨૧ ની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આ કેસની તટસ્થ તપાસ એસસી-એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક એમ. જે. ક્રિશ્ચિયન દ્વારા કરવામાં આવી હતી અને પૂરતા પુરાવાઓ એકત્ર કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
આ સંવેદનશીલ કેસ સ્પેશિયલ જજ જે. એ. ઠક્કરની અદાલત સમક્ષ ચાલવા પર આવ્યો હતો. સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી અને કોર્ટ સમક્ષ ૪૫ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તેમજ ૧૬ મહત્વના સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. કેસની ગંભીરતા અને પુરાવાઓને ગ્રાહ્ય રાખીને નામદાર અદાલતે ચુકાદામાં અત્યંત મહત્વપૂર્ણ નોંધ લીધી હતી કે ભારત દેશમાં વિવિધ ધર્મના લોકો પરસ્પર ભાઈચારાથી વસે છે, પરંતુ જો આવા પ્રકારના ગંભીર બનાવો બનતા રહે અને તેમાં સતત વધારો થાય તો તે સંપૂર્ણ સમાજ, દેશ અને દેશના દરેક ધર્મની સુરક્ષા માટે અત્યંત જોખમરૂપ સાબિત થઈ શકે છે. અદાલતે મુખ્ય આરોપી જીયાદ લતીફ શેખને કસૂરવાર ઠેરવીને કડક સજા ફટકારી છે, જેમાં પોક્સો એક્ટની કલમ-૬ હેઠળ આરોપીને તેના અંતિમ શ્વાસ સુધીની સખત આજીવન કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમની કલમ-૪ હેઠળ ત્રણ વર્ષની સખત કેદ અને પચાસ હજાર રૂપિયા દંડ તેમજ આઈટી એક્ટની કલમો હેઠળ પણ ત્રણ વર્ષની સખત કેદ અને પચાસ હજાર રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે, આમ આરોપીને કુલ બે લાખ રૂપિયાનો આર્થિક દંડ કરવામાં આવ્યો છે. કોર્ટે આદેશ કર્યો છે કે આરોપી પાસેથી વસૂલવામાં આવનારી દંડની આ રકમ ભોગ બનનાર સગીરાને ચૂકવી દેવામાં આવે. કાયદાકીય સજાની સાથે કોર્ટે પીડિતા પ્રત્યે માનવીય અભિગમ દાખવતા ભોગ બનનાર સગીરાને ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરતો હુકમ કર્યો છે. તેની સાથે જ અદાલતે ચાઇલ્ડ વેલ્ફેર કમિટી અને ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટને પણ કડક આદેશ કર્યો છે કે તેઓએ તુરંત જ ભોગ બનનાર સગીરાનો સંપર્ક કરવો અને તેનું ભવિષ્યનું જીવન તેમજ શિક્ષણ ખૂબ જ સારી રીતે પુનઃ સ્થાપિત થાય તે માટે યોગ્ય કાળજી લઈ સતત જરૂરી માર્ગદર્શન પૂરું પાડવું. આ કેસમાં પ્રોસિક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ. બી. જાડેજા હાજર રહ્યા હતા.
----------- 

Comments

COMMENT / REPLY FROM